નવજીવન. ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો સટાસટ ઉપર આવતા સરકાર સહિત તમામ ચિંતામાં મુકાયા હતા. બીજી બાજુ આજે અગાઉની કોરોના ગાઈડલાઈન્સને લાગુ કરવામાં આવી છે. હવેથી નાઈટ કરફ્યૂ રાત્રે 10 વાગ્યાથી લઈ સવારના છ વાગ્યા સુધી રહેશે. રાત્રી કરફ્યૂ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગાંધીનગર આ ઉપરાંત આણંદ અને નડિયાદમાં લાગુ રહેશે.
દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી અને ગલ્લાઓ સોપિંગ કોમ્પલેક્ષ, અઠવાડિક ગુજરી, હેર કટિંગ સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓને રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. 75 ટકાની ક્ષમતા સાથે રાત્રીના 10 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરાં ચાલુ રાખી શકાશે, પરંતુ હોમ ડિલીવરી સર્વિસ રાત્રીના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સાંસ્કૃતિક, સામાજીક અને શૈક્ષીક તથા ધાર્મિક કાર્યક્રમોમાં પણ હવે ખુલ્લા મેદાનમાં મહત્તમ 400 વ્યક્તિ જ હોય અને બંધ સ્થળોમાં 50 ટકાની કેપેસિટી સાથે જ લોકોને એકત્રિત કરી શકાશે. તેવું જ લગ્ન પ્રસંગમાં પણ લાગુ રહેશે તથા અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓને જ ભેગા થવાની મંજુરી છે.
જાહેર અને ખાનગી ટ્રાન્સપોર્ટ બસમાં 75 ટકાની ક્ષમતાની સાથે મુસાફરી કરી શકાશે. બસની સેવાને રાત્રી કરફ્યૂમાંથી મુક્તી અપાઈ છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વીમિંગ પુલ, લાઈબ્રેરી, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને મનોરંજન સ્થળોને 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાના રહેશે. આ ઉપરાંતમાં જાહેર બાગ બગીચાઓ રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યૂએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટર્સ, ટ્યૂશન ક્લાસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોચિંગ સેન્ટર્સને 50 ટકા સુધીની કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે.
રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9માં ઓફલાઈન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષા કોરોનાની ગાઈડલાઈનના પાલન અને એસઓપી સાથે યોજી શકાશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.
![]() |
![]() |
![]() |











