નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરાના પ્રખ્યાત ગરબા યુનાઈટેડ-વેમાં બીજા દિવસે પણ ખૈલયા રોષે ભરાયા હતા. ગરબાના પાસ માટે ઊંચા ભાવ લઈને પણ આયોજનમાં અભાવ હોવાના કારણે ખૈલયાઓએ હલ્લાબોલ કર્યું હતું. બીજા નોરતે ખૈલયા એટલી હદે રોષે ભરાય ગયા હતા કે ગાયક પર પથ્થર ફેક્યા હતા. મામલો બીચકતા પોલીસે માહોલ શાંત કરાવ્યો હતો. ઉપરાંત અધવચ્ચેથી જ ગરબા બંધ કરવા પડ્યા હતા.
વડોદરામાં યુનાઈટેડ-વેના ગરબા વિશ્વપ્રખ્યાત છે. પરંતું આ વર્ષે યુનાઈટેડ-વેના ગરબામાં સતત બીજા દિવસે પણ ખૈલયાઓને સુવિધા ન મળતા રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ગરબાનું આયોજન થઈ શક્યું ન હતું. પરંતું આ વર્ષે કોઈ નિયંત્રણ વગર ગરબાના આયોજનને છુટછાટ આપવામાં આવતા ખૈલયાઓ ગરબા રમવા કોઈ કચાસ રાખવા માગતા નથી. તેવામાં વડોદરાના પ્રખ્યાત ગરબામાં આયોજનના અભાવના કારણે ખૈલયાઓને ગરબે ઝુમવામાં કાકરાઓ પગમાં વાગતા રોષે ભરાયા છે.
યુનાઈટેડ-વેમાં સતત બીજા દિવસે પણ પથ્થર-પથ્થરની બૂમો પડી હતી. હોબાળો થતાં આખરે ગરબાને અધવચ્ચેથી જ બંધ કરવા પડ્યા હતા. આ દરમિયાન ગાયક અતુલ પુરાહિતે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, પહેલીવાર મારાછોકરાએ મને પથ્થર માર્યો હોય તેવું બન્યું છે, પથ્થર મારા માથામાં વાગ્યો છે, હુ તમને નિરાશ નહિ કરું, જો કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં કરું. હોબાળો થતાં માંજલપુરના પોલીસ ઈન્સપેક્ટર પણ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે, તમને કોઈ તકલીફ હોય તો લેખીતમાં અરજી આપો, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ન બગડે તેનું ધ્યાન રાખો. મામલો શાંત થતાં ફરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.
વડોદરાના યુનાઈટેડ-વે ગરબાના આયોજકો સામે એક વકીલે ગરબાના પાસના પૈસા પરત અને વળતર મેળવવા માટે ગ્રાહક કોર્ટમાં અરજ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે કોર્ટે આયોજક સામે નોટિસ કાઢી છે. ગઈકાલે ગરબા રમતી વખતે ખૈલયાઓને પથ્થર વાગતા રોષે ભરાયેલા ખૈલયાઓ પાસના પૈસા પરત લેવા માટે પણ હોબાળો કર્યો હતો. જોકે આયોજકોએ જણાવ્યું છે કે, ખૈલેયાઓને રીફંડ જોઇતું હોય તો તેના માટે બુધવારે 1થી 7 દરમિયાન લીન્ક મૂકવામાં આવશે જેના માધ્યમથી તેઓ પૈસા પરત મેળવી શકશે. 7 વાગ્યા પછી રીફંડ માટે અરજી કરી શકાશે નહિ.








