શુક્રવારે સતત બીજા દિવસે નાયમેક્સ વાયદો ૩.૩ ટકા ઘટી ત્રણ સપ્તાહની બોટમે ૨.૯૬ ડોલર
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકામાં ઓલ ટાઈમ હાઇ નેચરલ ગેસ ઉત્પાદનથી નબળા પડેલા ફંડામેનટલ્સ વચ્ચે, શિયાળાના આરંભે હુંફાળું હવામાન રહેતા માંગની નબળાઈએ, નાયમેક્સ વાયદો ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે. નવેમ્બરના આરંભથી જ અમેરિકામાં હવામાન હુંફાળું રહેતા ઘરોને ગરમ રાખવા અને વીજળી ઉપાર્જન માટે સ્ટોક હાથવાગો રાખવાની આવશ્યકતા ઘટી છે. પરિણામે ભાવ નવી બોટમ શોધવા તરફ અગ્રેસર છે. શુક્રવારે સતત બીજા દિવસે નાયમેક્સ ડિસેમ્બર ડિલિવરી ૩.૩ ટકા ઘટી સાડા ત્રણ સપ્તાહની બોટમે ૨.૯૬ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટએ બેસી ગયો હતો.
ગત સપ્તાહે બજારની ધારણા કરતાં ગેસ સ્ટોરેજમાં ૬૦ અબજ ક્યુબિક ફૂટ વધુ થલવાતા, ભાવને નીચે જવાની ગતિ મળી હતી. આ સપ્તાહે બુધવારે એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઇઆઈએ) સાપ્તાહિક ગેસ સ્ટોરેજ આંકડા રજૂ કરશે. હવામાનની નવી આગાહીઓ પણ નેચરલ ગેસ ભાવ માટે નકારાત્મક ભૂમિકા કરશે. કોમોડિટી વેધર ગ્રુપ કહે છે કે આગામી ૨૨થી ૨૫ નવેમ્બર સુધી ઉત્તર અમેરિકામાં હવામાન સામાન્ય કરતાં નીચું અને પશ્ચિમમાં ઊંચું રહેશે. હવામાનની સુધારેલી અલ-નીનો સ્થિતિ કહે છે કે ટૂંકાગાળામાં હવામાન થોડું ગરમ રહેશે અને લાંબાગાળે પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા બંધાઈ છે.
ઇઆઈએ ગત ગુરુવારે કહ્યું હતું કે ૧૦ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં નેચરલ ગેસ સ્ટોક ઉમેરો બજારની અપેક્ષા ૪૨ અબજ ક્યુબિક ફૂટને બદલે ૬૦ અબજ ક્યુબિક ફૂટ થયો હતો, જે પાંચ વર્ષની સરેરાશ ૨૦ અબજ ક્યુબિક ફૂટ કરતાં ક્યાંય વધુ હતો. ૧૦ નવેમ્બરે ગેસ ટાંકામાં વર્ષાનું વર્ષ સ્ટોક ૫.૨ ટકા વધ્યો હતો, જ્યારે પાંચ વર્ષની આ ગાળાની મોસમી સરેરાશ ૫.૬ ટકા વૃધ્ધિની છે. આ દર્શાવે છે કે બજારમાં પુષ્કળ ગેસ થલવાઈ રહ્યો છે.
૨૦૨૨-૨૩ના હળવા શિયાળા સાથે હોમ હીટિંગ માંગ ઓછી થવાને લીધે, વર્ષારંભે પુરાંત સ્ટોક વધુ નોંધાયો હતો, જેણે ભાવ કાપણીને ટેકો આપ્યો હતો. વર્ષના આ સમયે, યુરોપભરમાં પાંચ વર્ષની સરેરાશ ગેસ સ્ટોરેજ ટાંકા ૮૯ ટકા ભરાયેલા જોવાયા હતા, પણ ૧૩ નવેમ્બરે આ ટાંકામાં ૯૯ ટકા ગેસ ભરેલો અંદાજાયો હતો. અમેરિકન ગેસ ડ્રિલ રીગ ગણતરી કરનારી એજન્સી બાકર હ્યુજીસે શુક્રવારે કહ્યું હતું કે ૧૭ નવેબર સુધીમાં અમેરિકન ડ્રિલિંગ રીગ સંખ્યા ૪ ઘટીને ૧૧૪ રીગ નોધાઈ હતી, જે ૮ સપ્ટેમ્બરે નોંધાયેલી ૧૯ મહિનાની બોટમ ૧૧૩થી માત્ર એક વધુ હતી. ૧૯૮૭થી રીગ ડેટા જમા કરવાનું શરૂ થયું ત્યાર પછીથી જુલાઇ ૨૦૨૦ના કોરોના કાળમાં આ સંખ્યા ઐતિહાસિક તળિયે ૬૮ સક્રિય રીગ નોંધાઈ હતી, જે સપ્ટેમ્બર ૨૦૨૨માં ૪ વર્ષની ઊંચાઈએ ૧૬૬ રીગ નોંધાઈ હતી, જે આ વર્ષે ફરી ઘટી હતી.
હવામાંની આગાહી કરવી અઘરી છે, પણ રશિયન ગેસને યુરોપિયન બજારમાં પ્રવેશ ના મળે ત્યારે મોટી સમસ્યા સર્જાવાનો ભય પેદા થાય છે. વધુ એક આંશિક કારણ છે વર્તમાન સપ્તાહે અમેરિકાનું હવામાન પ્રમાણમાં ગરમ રહેશે. પરિણામે રિટેલ બજારમાં ભાવની વધઘટ સંકડાઈ ગઈ છે. સામાન્ય રીતે નેચરલ ગેસ બજારમાં આ સમયે ભાવમાં મોટી ઉથલપાથલ જોવાતી હોય છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ હવે વ્યાજદર વધારવાની સાયકલને બ્રેક મારવા મારશે એવી અફવાઓ બજારમાં વેગ પકડી રહી છે. ચેરમેન જેરોમ પોવેલના તાજા નિવેદનથી લાગે છે કે ફેડરલ રિઝર્વ હવે તેના ફંડ રેટ ૫.૨૫થી ૫.૫ ટકાની રેન્જમાં જાળવી રાખશે, જે બજારની અપેક્ષા અનુસાર પણ વાજબી ગણાય છે. આથી બજારમાં ભાવિ જોખમો પણ શાંત પડશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)