Arvind Kejriwal’s ‘Sheesh Mahal’ will be opened to public : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું 6 ફ્લેગસ્ટાફ રોડ પરનું સત્તાવાર નિવાસસ્થાન ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલશે. ભાજપે અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર પર આ બંગલાની સજાવટ પર અતિશય ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને ‘શીશ મહેલ’ ગણાવ્યો હતો. ભાજપે આ બંગલા પાછળ થયેલા ખર્ચને રાજકીય મુદ્દો બનાવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીઓમાં પણ તેને ઉઠાવ્યો હતો. ફેબ્રુઆરી 2025ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર થતા ભાજપના રેખા ગુપ્તા (Rekha Gupta) દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા અને તેમણે કેજરીવાલના કાર્યકાળમાં બનેલા બંગલા (શીશ મહેલ) માં રહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
દિલ્હીના જાહેર બાંધકામ મંત્રી પ્રવેશ વર્મા (Parvesh Verma) એ મંગળવારે 17 નવેમ્બરે જાહેરાત કરી છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના કાર્યકાળ દરમિયાન બનેલો શીશ મહેલ હવે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આગામી સપ્તાહથી લોકો ઓનલાઈન ટિકિટ ખરીદીને બંગલાની મુલાકાત લઈ શકશે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે ફક્ત એક જ ઓરડો બનાવ્યો હતો, જ્યાં તેમણે સાદી ખુરશીઓ લગાવી હતી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને શહીદ-એ-આઝમ ભગતસિંહના ચિત્રો મૂક્યા હતા. તેઓ આ રૂમમાં મીડિયા અને જનતા સાથે મુલાકાત કરતા હતા. જ્યારે બાકીના રૂમમાં ઓટોમેટિક રંગ બદલતી લાઈટો, કરોડોના પડદા અને વિયેતનામી ટાઇલ્સ લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ બધું મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન એક મોટો બંગલો કે કાર નહીં લેવાની વાતો કરતા હતા. વર્માએ આ બંગલાના જાહેર સભા ખંડમાં મૂકવામાં આવેલી ખુરશી પણ બતાવી. તેમણે કહ્યું કે આ સાદી ખુરશીઓ મૂકવાનો હેતુ લોકોને બંગલાની ભવ્યતાનો અહેસાસ ન થાય તે માટે હતો.
રેખા ગુપ્તા સરકાર બન્યા પછી યોજાયેલી વિધાનસભાના પ્રથમ બજેટ સત્ર દરમિયાન 23 માર્ચે મુખ્યમંત્રીએ CAG રિપોર્ટ રજૂ કર્યો હતો. આ મુજબ AAP સરકાર દરમિયાન 6 ફ્લેગ સ્ટાફ રોડના સમારકામ માટે 33.66 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ અંદાજિત ખર્ચ કરતા 342 ટકા વધુ હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે 33.66 કરોડ રૂપિયામાંથી 18.88 કરોડ રૂપિયા સુશોભનની વસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા હતા.








