નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની હત્યા કરનારા આરોપીના પગમાં પોલીસે ગોળી મારી છે. હત્યા કેસમાં ફરાર આરોપીને પકડવા સુરત શહેર પોલીસની ટીમ (Surat City Police) પહોંચી ત્યારે રિઢા ગુનેગાર રાહુલ જોગીએ પોલીસ પર હુમલો કરતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. સુરત શહેરમાં બનેલી‘હાફ એન્કાઉન્ટર’ની ઘટના (Half Encounter in Surat City) માં ઘાયલ થયેલા આરોપીને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ગત 10 મેની રાતે લિંબાયત વિસ્તારમાં અનુરાગ ઉર્ફે રાજ પવાર (ઉ. 17) પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો. દરમિયાનમાં રાહુલ જોગીની બાઈક સાથે મોટર સાયકલની ટક્કર થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીની વચ્ચે ઉશ્કેરાયેલા રાહુલે અનુરાગની છાતીમાં ચપ્પાનો ઘા મારી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ લિંબાયત પોલીસ સ્ટેશન (Limbayat Police Station) ખાતે હત્યાનો ગુનો નોંધી પોલીસ ફરાર આરોપીને પકડવા મીઠીખાડી વિસ્તારમાં ગઈ હતી. લિંબાયત પીઆઈ ડી. ડી. ચૌહાણ (PI D D Chauhan) ની ટીમે વહેલી સવારે દરોડો પાડતા રાહુલે કૉન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પા વડે હુમલો કરતા તેઓ ઘાયલ થયા હતા. હિંસક બનેલા રાહુલ જોગીને કાબૂમાં લેવા પી.આઈ. ચૌહાણે પોતાના સર્વિસ વેપનમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે ફસડાઈ પડતા તેને ઝડપી લેવાયો હતો.
પોલીસના હાથે ઝડપાયેલો રાહુલકુમાર સંજયનાથ જોગી (ઉ. 28) સામે 17 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપી ત્રણ વખત પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે.








