Tuesday, June 23, 2026
HomeGujaratબુટલેગર બિરાદરીએ આના નૈવેધ કરવા પડેઃ પાણીમાં જ રહેવાનું જમીન પર ભાગ્યે...

બુટલેગર બિરાદરીએ આના નૈવેધ કરવા પડેઃ પાણીમાં જ રહેવાનું જમીન પર ભાગ્યે જ આવે તેવો બુટલેગર નર્મદા પોલીસે ઝડપ્યો

- Advertisement -

ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.નર્મદા): તમે એકથી એક ભેજાબાજ બુટલેગર અંગે સાંભળ્યું હશે. કોઈ એમ્બ્યુલન્સમાં ખેપ મારે તો કોઈ પોલીસ વાનમાં, પણ નર્મદા પોલીસે 8 વર્ષની મહેનતે એવા શખ્સને ઝડપ્યો છે જે આવા ભલભલા ભેજાબાજોને પાણી ભરાવે. અહીં સુધી કે આ બુટલેગર અંગે જાણીને તમને પણ થશે કે આ શખ્સને પોલીસે ઝડપ્યો તે પોલીસને સલામ કરવી જોઈએ અને બુટલેગર બિરાદરીએ તો આના નૈવેધ કરવા પડશે. કારણ કે આ મોટા ભાગે પાણીમાં જ રહેતો અને જરૂર પડે તો જ જમીન પર પગ મુકવાનો. બાકીનો સમય બસ પોતાની એક બોટમાં જ સમય કાઢતો.

વિગત એવી છે કે, LCB નર્મદા દ્વારા હાલમાં જ એક સંયુક્ત બાતમીને આધારે જહાંગીર ઉર્ફે જાંગો ઉર્ફે જાગીર ફોજિયાભાઈ પાળવી નામના નામચીન આરોપીને દબોચ્યો છે. પોલીસે તેને મહારાષ્ટ્રના ધડગાવથી પકડ્યો છે. જેની સામે 12 જેટલા ગુનાઓ નોંધાયા છે. જે મૂળ મહારાષ્ટ્રનો જ રહેવાસી છે જેણે પ્રોહીબીશન એક્ટના ગુનામાં પોલીસના ચોપડા ભરી નાખ્યા છે.

- Advertisement -

આ શખ્સની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, આ લિસ્ટેડ બુટલેગર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારુ ઘૂસાડતો હતો. જેમાં તે મોટા ભાગે નર્મદા ડેમના પાછળના ભાગે પાણીમાં બોટથી જ હેરાફેરી કરતો હતો. અહીં સુધી કે તેણે પોતાની બોટમાં જ પોતાના રહેવાની વ્યવસ્થાઓ કરી નાખી હતી. જરૂર પડે તો જ જમીન પર ઉતરવાનું બાકી પાણીમાં જ હરતા ફરતા રહેવાનું. જેના કારણે તેની કોઈ ચોક્કસ વિગતો પણ મળતી નહીં. જમીન પર પણ જ્યારે આવે ત્યારે મોટા ભાગે જંગલ વિસ્તાર આસપાસ રહે જેથી ભાગવામાં સરળતા રહે અને સીધા પાણીમાં એટલે બોટનો લાભ લઈ પળ વારમાં છટકી જતો. અહીં સુધી કે, આ શખ્સ સામે પોલીસ પર એસોલ્ટ કરવાના પણ આરોપ છે.

જોકે તમને જોવાથી ભલે સામાન્ય લાગતો પરંતુ તેના ગામમાં પણ તેના સિક્કા પડે છે. લોકો જાંગાને એક મોટા માણસ તરીકે ઓળખે છે. પણ પોલીસ સતત તેને ટ્રેક કરવામાં અસમર્થ બની રહી હતી. જાંગો પોતાની પાસે એક કિપેડ વાળો મોબાઈલ રાખતો. પણ તેનું લોકેશન મોટા ભાગે નદીમાં જ મળે અને તેમાં પણ બદલાતું રહે. જાંગો વર્ષમાં એક વાર માત્ર કરિયાણું અને જરૂરી સામાન લેવા માટે જમીન પર આવતો. તેની ખરીદી થઈ જાય તે પછી તે પાછો બોટમાં, અને એક વર્ષ માટે ફરી ગાયબ. હાલમાં જ બે મહિનાથી તેનું લોકેશન નદીના કિનારા નજીક આવવા લાગ્યું. દરમિયાનમાં પોલીસે પોતાના નેટવર્કને પણ એક્ટીવ રહેવાની સૂચનાઓ ફરતી કરેલી હતી. જેમાંથી હ્યુમન સોર્સ પાસેથી વિગતો મળી કે તે આ વર્ષનો સ્ટોક લેવા માટે પોતાના ગામ ધડગામ આવ્યો છે અને તેનો દીકરો જે પીકઅપ વાન ચલાવે છે, તેની સાથે સામાન લેવા માટે નીકળ્યો છે. પોલીસ તેનાથી પચાસેક કિલોમીટર દૂર હતી. જોગાનુજોગ તે વખતે બન્યું એવું કે સામાન લઈ પાછા આવતા આ પીકઅપ વાન બગડી અને તેઓનો રિપેરિંગમાં થોડો સમય વેડફાયો. પીકઅપ વાન રિપેર થઈ જતા બંને બાપ દીકરો પાછા ગામ તરફ જ આવી રહ્યા હતા કે નર્મદા LCB ની ટીમ પહોંચી ગઈ. પોલીસે તેની ધરપકડ કરી લીધી અને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે ગરુડેશ્વર, કવાંટ, નસવાડી સહિતના પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાયેલા છે. અહીં સુધી કે સરકારે આ શખ્સ પર અંદાજીત 20 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. પોલીસે હવે તેના બીજા કોઈ ગુના અન્ય રાજ્યોમાં છે કે કેમ તેની પણ તપાસ કરવાની શરૂ કરી છે.

આ ઓપરેશન પાર પાડવામાં નર્મદાના LCB પોલીસ ઈન્સપેક્ટર આર જે ચૌધરી, PSI જે આર ડામોર, હેડ કો. વિવેકભાઈ તથા LCB ના અન્ય સ્ટાફે વડોદરા પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ, નર્મદા SP વિશાખા ડબરાલની સૂચનાને પગલે ભારે મહેનત કરી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular