Monday, February 2, 2026
HomeGujaratAhmedabadગોપાલને લાગ્યું કે હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યુ નથી,...

ગોપાલને લાગ્યું કે હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યુ નથી, જીંદગીની ઈમારત એક જ ઝાટકે ધ્વંસ્ત થઈ ગઈ

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-69): Nadaan Series : વિરાંગ દોડતો બેરેકમાં આવ્યો. તેણે આવીને જોયું તો ગોપાલ ભીંતને ટેકે બેઠો હતો. તેની આસપાસ થોડાક કેદી બેઠા હતા. બધા જ તેને શું થયું છે? તેવું પૂછી રહ્યા હતા. ગોપાલ કોઈને કંઈ જવાબ આપતો નહોતો. બધાની સામે એ અવાક બનીને માત્ર જોઈ જ રહ્યો હતો. હજી કોઈને ખબર જ નહોતી કે, શું બન્યું છે?

વિરાંગ ગોપાલની પાસે બેસી ગયો. પહેલા તો તેણે પૂછ્યું, “ગોપાલ… ગોપાલ… શું થયું?”

- Advertisement -

ગોપાલ તેની સામે જોઈ જ રહ્યો. કોઈ જવાબ આપ્યો નહીં. વિરાંગે ગોપાલને ખભાથી પકડ્યો અને હચમચાવી નાખતાં બરાડીને પૂછ્યું, “ગોપાલ… શું થયું છે?”

ગોપાલે ફરી વિરાંગ સામે જોયું. પછી તેણે બાજુમાં પડેલાં અખબાર તરફ ઇશારો કર્યો. પહેલાં તો વિરાંગને કંઈ સમજાયું નહીં. તેણે અખબાર સામે જોયું અને ગોપાલ સામે જોયું. એક કેદીએ કહ્યું, “ભાઈ, ગોપાલ પેપર વાંચતો હતો અને એકદમ બેસી ગયો.”

એક કેદીએ તરત વિરાંગના હાથમાં અખબાર આપ્યું. વિરાંગે એક પછી એક સમાચાર જોવાની શરૂઆત કરી. કયા સમાચારને કારણે ગોપાલની આ સ્થિતિ થઈ હશે? તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક એક નાનકડા સમાચાર તરફ તેનું ધ્યાન ગયું. વિરાંગે આંખ જીણી કરી અને સમાચાર વાંચ્યા. એ સમાચાર વાંચીને તે પણ ગોપાલની બાજુમાં બેસી ગયો.

- Advertisement -

આસપાસ રહેલા કેદીઓને આશ્ચર્ય થયું. પહેલાં ગોપાલ જે રીતે બેસી ગયો હતો, એ રીતે જ હવે વિરાંગ પણ તેની બાજુમાં બેસી ગયો. હવે વિરાંગમાં પણ હિંમત રહી નહોતી કે, ગોપાલને કંઈ પ્રશ્ન પુછી શકે. વિરાંગ આમ તો મજબૂત માણસ હતો. આવી જ કંઈક સ્થિતિમાંથી તે પણ પસાર થઈ ચૂક્યો હતો. છતાં ગોપાલની સ્થિતિમાં જાણે પોતાની સાથે કંઈ ખરાબ થયું હોય એમ તે ફસડાઈ પડ્યો હતો.

ગોપાલને લાગ્યું કે, હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યું નથી. જાણે જિંદગીની ઇમારત પત્તાના મહેલની જેમ એક જ ઝાટકે ધ્વંસ થઈ ગઈ! વિરાંગે ત્યાં ઊભા રહેલા કેદીઓને ઇશારો કર્યો એટલે બધા ત્યાંથી વિખરાઈ ગયા. એકાદ કલાક સુધી ગોપાલ અને વિરાંગ દિવાલને ટેકો દઈને જમીન ઉપર જ બેસી રહ્યા. તેમની વચ્ચે કોઈ સંવાદ નહોતો. બંને સુનમુન બેસી રહ્યા હતા. બેરેકમાં રહેલા બીજા કેદીઓ પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા; તેમનો અવાજ પણ આ બંનેના કાન ઉપર પડતો નહોતો.

લઘભગ એકાદ કલાક પછી વિરાંગે ગોપાલ સામે જોઈને કહ્યું, “કદાચ આ સમાચાર ખોટા પણ હોઈ શકે. આ છાપાવાળા તો કંઈ પણ લખે છે.”

- Advertisement -

ગોપાલ તેની સામે જોઈ જ રહ્યો. તેણે કંઈ જ જવાબ આપ્યો નહીં. ગોપાલનું મન પણ કહી રહ્યું હતું કે, વિરાંગ કહે છે તે સાચું હોય તો કેટલુ સારું! વિરાંગને વિચાર આવ્યો કે, પણ સમાચાર ખોટા છે. તેવું કોણ કહી શકે? તેણે ગોપાલને કહ્યું, “તારા ઘરેથી કોઈ આવ્યું?”

ગોપાલે માથું હલાવીને ના પાડી. વિરાંગ ઊભો થઈ ગયો અને થોડો વિચાર કરીને કહ્યું, “ચાલ, ઊભો થા.”

ગોપાલ તેની સામે જોઈ રહ્યો. એ હજી જમીન પર જ બેઠો હતો. શું કામ ઊભા થવું છે? ક્યાં જવું છે? એ કંઈ ગોપાલને સમજાયું નહીં. વિરાંગે ફોડ પાડતાં કહ્યું, “ચાલ, તારા ઘરે ફોન કરીએ.”

ગોપાલને એવી કોઈ ઇચ્છા નહોતી એટલે તે ઊભો થયો નહીં. વિરાંગે તેનો હાથ પકડીને પરાણે ઊભો કર્યો. બંને યાર્ડમાંથી નીકળીને ટેલીફોનબુથ તરફ જતા હતા. રસ્તામાં અનાયાસે ગોપાલનું ધ્યાન મેલડીમાતાના મંદિર તરફ ગયું. તેણે રોજ પ્રમાણે માથું નમાવ્યું નહીં. તેનાં મનમાં કોઈ જ ભાવ નહોતો. ગોપાલ ફોનની લાઈનમાં ઊભો રહી ગયો. વિરાંગ બુથ પર બેઠેલા જમાદાર પાસે ગયો. તેણે જમાદારને કંઈક કહ્યું એટલે જમાદારે માથું હલાવીને હા પાડી. વિરાંગ પાછો ગોપાલ પાસે આવ્યો. તેણે ગોપાલને કહ્યું, “ચાલ, આગળ આવી જા. જમાદાર સાથે વાત થઈ ગઈ છે.”

ગોપાલ લાઈનમાંથી નીકળી સીધો બુથ પાસે આવીને ઊભો રહ્યો. ફોન ઉપર વાત કરી રહેલા કેદીનો ફોન પૂરો થતાં જ જમાદારે ગોપાલને ઇશારો કર્યો. ગોપાલે પપ્પાને ફોન જોડયો. પપ્પાએ ફોન ઉપાડતાં જ ગોપાલે કહ્યું, “પપ્પા, ગોપાલ.”

પપ્પા એક ક્ષણ તો શાંત રહ્યા. પછી તેમણે કહ્યું, “બેટા, તે જે સાંભળ્યું એ સાચું છે.”

ગોપાલે હજી કંઈ પૂછ્યું પણ નહોતું અને પપ્પાએ તેને આ જવાબ આપ્યો. ગોપાલ કંઈ પૂછવા જાય તે પહેલાં જ એક ડુસકું સંભળાયું અને પપ્પાનો અવાજ આવતો બંધ થઈ ગયો. ગોપાલે બે ત્રણ વખત હેલો હેલો કર્યું. પણ સામે છેડેથી ફોન મૂકાઈ ગયો હતો!

વિરાંગ તેની સામે જોવા લાગ્યો. વિરાંગે પૂછ્યું, “ફોન કટ થઈ ગયો?”

ગોપાલે રિસિવર મૂકતાં કહ્યું, “ના. પપ્પાએ ફોન મૂકી દીધો.”

ફરી બંને જણા બેરેક તરફ ચાલવા લાગ્યા. વિરાંગને જાણવાની ઉત્સુકતા હતી કે, ગોપાલના પપ્પાએ શું કહ્યું? વિરાંગે ગોપાલના ખભે હાથ મૂકયો. ગોપાલે ચાલતાં ચાલતાં વિરાંગ સામે જોયા વગર જ કહ્યું, “પપ્પાએ કહ્યું કે, તે સાંભળ્યું તે સાચું છે.”

વિરાંગ વિચારમાં પડી ગયો. ગોપાલે શું સાંભળ્યું, તેની પપ્પાને કેવી રીતે ખબર પડી? જે વિચાર વિરાંગને આવ્યો, તેવો જ વિચાર ગોપાલને પણ આવ્યો. તેણે વિરાંગને પૂછ્યું, “પપ્પા વાત કરી શક્યા નહીં. રડી પડ્યા અને ફોન મૂકી દીધો.”

ગોપાલને વિચાર આવ્યો કે, મમ્મી અને પપ્પાની શું સ્થિતિ હશે? મમ્મીને કોણ છાની રાખતું હશે? હવે નિશી ભલે સાથે નહોતી રહેતી, પણ મમ્મી–પપ્પા તેને ખૂબ પ્રેમ કરતાં હતાં. એટલો જ પ્રેમ નિશી પણ મમ્મી–પપ્પાને કરતી હતી. ગોપાલ બેરેક પાસે પહોંચ્યો. પાછળથી કોઈએ તેને બૂમ પાડી, “ગોપાલ…”

તેણે પાછળ ફરીને જોયું. એક કેદી હતો. તેણે કહ્યું, “તારી મુલાકાત આવી છે.”

ગોપાલે વિરાંગ સામે જોયું. મુલાકાતમાં કોણ આવ્યુ હશે? તેવો ભાવ ગોપાલના ચહેરા પર હતો. વિરાંગે તેને ઇશારો કર્યો કે, જઈ આવ. ગોપાલ એકલો મુલાકાતરૂમ તરફ ચાલવા લાગ્યો. તે રૂમમાં દાખલ થયો અને કોણ આવ્યું છે? જાળીની પાછળ કોણ છે? એ જોવાનો પ્રયત્ન કર્યો. મુલાકાતમાં રાકેશ આવ્યો હતો. રાકેશનો ચહેરો પણ ગંભીર હતો. રાકેશે જોયું તો ગોપાલના ચહેરા પર પણ ગમગીની હતી. રાકેશને અંદાજ નહોતો કે, ગોપાલને સમાચાર મળ્યા છે કે નહીં? તે જાળી પાસે આવીને ઊભો રહ્યો. રાકેશ અને ગોપાલ એકબીજા સામે જોઈ રહ્યા હતા. ગોપાલે પૂછ્યું, “ક્યારે થયું?”

રાકેશે કહ્યું, “પરમદિવસે રાતે.”

બંને શાંત થઈ ગયા. એકાદ મિનિટ પછી રાકેશે વાતની શરૂઆત કરતાં કહ્યું, “પરમદિવસે રાતે હું તારા ઘરે જ હતો. મમ્મીનો ફોન આવ્યો હતો કે કેમ આવ્યો નથી? હું અને પપ્પા જમવા બેસતા હતા ત્યારે જ નિશીના પપ્પાનો ફોન આવ્યો હતો કે, જલદી અમારા ઘરે આવો. પપ્પાએ તેમને પૂછ્યું કે, શું થયું છે? તો તેમણે કહ્યું કે, તમે આવો પછી વાત કરું. પપ્પા ખૂબ ટેન્શનમાં આવી ગયા હતા. નિશીના પપ્પાએ શું કામ બોલાવ્યા? તેની અમને કોઈને ખબર નહોતી. પપ્પા ટેન્શનમાં હતા એટલે મેં કહ્યું કે, હું પણ આવું છું. પપ્પા અને હું મોટર સાઈકલ પર સાથે ત્યાં ગયા હતા.

નિશીનાં ઘર પાસે ટોળું ઊભું હતું. બધા અમારી સામે બહુ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. એક પોલીસની ગાડી પણ પડી હતી. અમે નિશીનાં ઘરમાં ગયા. તેના મમ્મી–પપ્પા અમને જોઈને ભાંગી પડ્યાં. નિશીને જમીન ઉપર સુવાડવવામાં આવી હતી. તેને ગળા સુધી ચાદર ઓઢાડી દેવામાં આવી હતી અને પોલીસવાળા કાગળીયા કરી રહ્યા હતા. નીશાના પપ્પાએ પોલીસવાળાને અમારી ઓળખાણ આપી.

પોલીસવાળાએ પપ્પાને પૂછ્યું કે, તમને કંઈ ખબર છે? પપ્પાએ મારી સામે જોયું. એટલે મેં કહ્યું કે, સાહેબ, નિશી છ મહિનાથી અહીં જ પપ્પાના ઘરે રહેતી હતી. તેનો ડિવોર્સનો ઓર્ડર પણ આજે જ સવારે કોર્ટે કર્યો હતો. એની જાણ પણ મને નિશીએ જ ફોન કરીને કરી હતી. મારી વાત સાંભળ્યા પછી પોલીસવાળાએ જરા કડકાઈથી મને પૂછ્યું હતું, તો નિશીએ આત્મહત્યા કેમ કરી?

(ક્રમશઃ)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular