Saturday, April 20, 2024
HomeGujaratAhmedabadનીશીએ કહ્યું પપ્પાની ઈચ્છા છે હમણાં હું પપ્પાની ઘરે જ રહું, ગોપાલ...

નીશીએ કહ્યું પપ્પાની ઈચ્છા છે હમણાં હું પપ્પાની ઘરે જ રહું, ગોપાલ ચુપ રહ્યો તેણે પછી પુછ્યું તારી ઈચ્છા શું છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-57): Nadaan Series: ગોપાલ ઉતાવળે મુલાકાતરૂમમાં પહોંચ્યો. તેણે જાળીની પેલે પાર જોયું તો સામે બેંચ ઉપર નિશી એકલી બેઠી હતી. ગોપાલ જાળીમાં આવી ઊભો રહ્યો. તેણે ધ્યાનથી જોયું તો નિશીની નજર નીચી હતી. ગોપાલ આવી ઊભો રહ્યો એની તેને ખબર જ નહોતી. ગોપાલ તેને ધ્યાનથી જોવા લાગ્યો. નિશીના ચહેરા પર એક પ્રકારની નીરાશા અને કંઈક ગરબડ ચાલી રહી હોય તેવા ભાવ હતા. ખરેખર તો એનાં મનમાં જે કંઈ ચાલી રહ્યું હતું, તેનાથી તે પોતે પણ અજાણ હતી. ગોપાલે આસપાસ જોયું અને દબાતા અવાજે બૂમ પાડી, “નિશી…”

નિશીએ ઉપર જોયું. ગોપાલ સામે હતો. ગોપાલને જોઈને પણ નિશીના ચહેરા પર કોઈ હાવભાવ બદલાયા નહીં. તે એકદમ ધીરે ઊભી થઈ. તેના હાથમાં કાપડની એક થેલી હતી. નિશીની આ જૂની ટેવ હતી. એ ઘરેથી નીકળે એટલે તેના હાથમાં આ થેલી કાયમ રહેતી. તેમાં એક નાનકડું પર્સ રહેતું.

- Advertisement -

જોકે ગોપાલને હવે તો યાદ પણ નહોતું કે, તેણે છેલ્લે ક્યારે નિશીને પૈસા આપ્યા હતા. ગોપાલને પહેલી વખત વિચાર આવ્યો કે, નિશીને પૈસા કોણ આપતું હશે?

નિશી જાળી પાસે આવીને ઊભી રહી. તેની નજર હજુ પણ નીચી જ હતી. આવું નિશી પહેલી વખત કરી રહી હતી. ગોપાલે પૂછ્યું, “કેમ છે?”

નિશીએ ઉપર જોયા વગર જ માથું હલાવીને કહ્યું, “ઠીક છું.”

- Advertisement -

ગોપાલે પૂછ્યું, “ઘણા દિવસે આવી?”

“પપ્પાના ઘરે છું.” નિશીએ જવાબ આપ્યો.

“મેં પપ્પાના ઘરે પણ ફોન કર્યો હતો.”

- Advertisement -

“હા. હું ત્યારે બહાર ગઈ હતી. પપ્પાએ મને કહ્યું હતું કે, તારો ફોન આવ્યો હતો.”

ગોપાલ શાંત થઈ ગયો. તેને હજી સમજ નહોતી પડી રહી કે, નિશી આજે આવો વ્યવહાર કેમ કરે છે? ગોપાલે પૂછ્યું, “નિશી, શું થયું છે?”

નિશીએ તેની આંખોમાં જોતાં માથું હલાવીને કહ્યું, “કંઈ નહીં.”

“નિશી, મેં મમ્મીને પણ તારા માટે પૂછ્યું ત્યારે મમ્મીએ પણ મને કંઈ બરાબર વાત કરી નહીં.” ગોપાલે કહ્યું.

નિશીએ ગોપાલની આંખોમાં જોયું. તે જાણવાનો પ્રયત્ન કરી રહી હતી કે, મમ્મી અને ગોપાલ વચ્ચે શું વાત થઈ છે? પણ નિશીને અંદાજ નહોતો આવી રહ્યો. ગોપાલે પૂછ્યું, “તું ઘરે ક્યારે આવવાની છે?”

નિશીએ કંઈ જવાબ આપ્યો નહીં. ગોપાલે થોડી રાહ જોઈને કહ્યું, “નિશી, હું તને કંઈક પૂછી રહ્યો છું.”

નિશીએ ઉપર જોયું અને કહ્યું, “મારી સાથે પપ્પા પણ આવ્યા છે.”

ગોપાલ તરત બહારની તરફ આસપાસ નજર દોડાવવા લોગ્યો. નિશીએ કહ્યું, “બહાર ઊભા છે.”

નિશી અને ગોપાલ વચ્ચે આજે ત્રૂટક ત્રૂટક સંવાદ થઈ રહ્યો હતો. એમાં પણ સંવાદ કરતાં મૌન વધારે રહેતુ હતું. અંદરથી તો ગોપાલને બરાડીને પૂછવાની ઇચ્છા થતી હતી કે, નિશી, બોલને શું થયું છે? મને તકલીફ પડી રહી છે. પણ ગોપાલને ખબર હતી કે, એ જેલમાં આવું કરી શકે નહીં. નિશીએ કહ્યું, “પપ્પા કહે છે કે, ગોપાલ ન આવે ત્યાં સુધી તું અમારા ઘરે જ રહે.”

ગોપાલ વિચારમાં પડી ગયો. તે સાચું માની શકતો નહોતો કે, નિશી ખુદ તેને આ વાત કહી રહી છે. નિશીએ કહ્યું, “એટલે જ હું પપ્પાના ઘરે છું.”

ગોપાલ વિચારમાં પડી ગયો કે, તેની ગેરહાજરીમાં નિશીએ ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી હતી. હવે નિશી નથી, તો મમ્મી પપ્પા કેવી રીતે ઘર અને પોતાને સંભાળતા હશે! ગોપાલે પૂછ્યું, “પપ્પાની ઇચ્છા તું એમના ઘરે રહે તેવી હોય, એ સ્વાભાવિક છે. પણ તારી શું ઇચ્છા છે?”

નિશી લાંબો વખત ચૂપ રહી. પછી તેણે ગોપાલ સામે જોતાં કહ્યું, “પહેલાં તો મને થતું કે, આજે નહીં તો કાલે તું ઘરે આવી જઈશ. તારી રાહ જોવામાં મારો સમય નીકળી જતો. પરંતુ હવે મને ખબર છે કે, તું આવવાનો જ નથી; તો હું ત્યાં રહીને શું કરું?”

ગોપાલ કંઈ બોલી શક્યો નહીં. નિશી જે કહી રહી હતી તે ખોટું પણ નહોતું. પણ આ રીતે નિશી એના પપ્પાના ઘરે જતી રહી, એ વાત તેને ખટકી રહી હતી. ગોપાલ તો જેલમાં જ હતો. નિશી ગોપાલનાં ઘરે રહે કે એના પપ્પાના ઘરે રહે, તેને કોઈ ખાસ ફેર પડતો નહોતો. છતાં પોતાના ઘરે રહેલી નિશી પોતાની છે; એવું તેને લાગી રહ્યું હતું. પપ્પાના ઘરે જતી રહેલી નિશી જાણે પોતાનાથી દૂર જઈ રહી હોય; તેવું તેને લાગવા માંડ્યું હતું. ગોપાલે કહ્યું, “પણ તારા વગર મમ્મી પપ્પા શું કરશે?”

નિશીની આંખ ભીની થઈ ગઈ. તેને સમજાતું હતું કે, ગોપાલ કહે છે તે પણ સાચુ છે. તેણે થેલીમાંથી રૂમાલ કાઢીને આંખો લૂંછતાં કહ્યું, “મને ખબર છે. તેઓ મારા વગર એકલાં પડી ગયાં છે.”

ગોપાલ માત્ર નિશીને સાંભળતો હતો. થોડીવાર પછી નિશીએ કહ્યું, “હું તેમને ફોન કરતી રહું છું.”

ગોપાલને લાગ્યું કે, તોફાન મસ્તી કરતી નિશી એકદમ પ્રૌઢ સ્ત્રી થઈ ગઈ છે. તેમની વચ્ચેનો સંવાદ જ ખલાસ થઈ ગયો હતો. ગોપાલે પૂછ્યું, “તારાં ઘરે બધા કેમ છે?”

નિશીએ નીચે જોઈને જ જવાબ આપ્યો, “પપ્પા હજી ગુસ્સામાં છે. મને લેવા આવ્યા ત્યારે આપણા પપ્પા સાથે પણ એમને બોલવાનું થયું હતું.”

ગોપાલ વિચારમાં પડી ગયો. મારા અને નિશીના પપ્પા વચ્ચે શું બોલવાનું થયુ હશે? નિશીએ કહ્યું, “પપ્પાએ કહ્યું કે, મારે તને ડિવોર્સ આપી દેવા જોઈએ.”

ડિવોર્સ શબ્દ સાંભળતાં જ ગોપાલના પગ નીચેથી જમીન ખસી ગઈ. ગોપાલ કંઈ જ બોલી શક્યો નહીં. ગોપાલને યાદ આવ્યું કે, એ પાલનપુર જેલમાં હતો ત્યારે તેના પપ્પાએ કહ્યું હતું, જો સજા પડશે તો મારે વિચાર કરવો પડશે.

ગોપાલ લોખંડની જાળી પકડીને ઊભો હતો છતાં તેને લાગી રહ્યું હતું કે, તેના હાથની પક્કડ ઢીલી પડી રહી છે. તે રડી પડશે તેવું પણ લાગી રહ્યું હતું. ગોપાલ કંઈ જ બોલી શક્યો નહીં. તેને નિશીની માનસિક સ્થિતિ પણ સમજાતી હતી. ગોપાલે પૂછ્યું, “તું મને ડિવોર્સ આપીશ?”

ગોપાલના મનમાં નિશી જતી રહેશે તેનો ડર હતો. નિશીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ગોપાલનું મન કહી રહ્યું હતું કે, નિશી પ્લીઝ જલદી જવાબ આપ. નિશીએ માત્ર માથું હલાવીને ના કહી. ગોપાલનો શ્વાસ નીચે બેઠો. નિશી અત્યારે ભલે ના પાડી પણ ગોપાલનું મન હજી કહી રહ્યું હતું કે, કંઈક ગરબડ જરૂર છે. નિશીની ના આજે તેને ખોખલી લાગી રહી હતી. તેનું હૃદય અંદરથી ફફડી રહ્યું હતું.

પોતાની જાતને સંભાળી લઈ ગોપાલે પૂછ્યું, “નિશી, મને મળવા તો આવીશને?”

નિશીએ નીચે જોઈને જ હકારમાં માથું હલાવ્યું. અચાનક નિશી પાસે એક સિપાહી આવ્યો. તેણે પોતાના કાંડા ઉપર બાંધેલી ઘડિયાળ બતાવી. નિશીએ કહ્યું, “હા સાહેબ.”

નિશી બહારની તરફ ચાલવા લાગી. એક ડગલું ચાલીને પાછી ફરી અને ગોપાલને આંખોથી જ કહ્યું, “પાછી આવીશ.”

પણ ગોપાલનું મન તો એને આજે કહી રહ્યું હતું કે, તું આજે જઈશ જ નહીં.

નિશી મુલાકાતરૂમની બહાર નીકળી રહી હતી. ગોપાલ તેને છેક સુધી જતી જોવા માગતો હતો. એ ત્યાં જ ઊભો રહ્યો. એવામાં દરવાજાની બહાર ઊભા રહેલા નિશીના પપ્પા તરફ ગોપાલની નજર ગઈ. તેમની અને ગોપાલની નજર એક થઈ. પપ્પાની નજરમાં ગોપાલ માટે ભારોભાર ધૃણા અને તીરસ્કાર હતાં. ગોપાલ આ નજરને સહન કરી શક્યો નહીં. તે મુલાકાતરૂમની બહાર નીકળી ગયો.

ગોપાલ લીગલ ઑફિસ તરફ ચાલવા લાગ્યો. જાણે એના પગની બધી જ તાકાત હણાઈ ગઈ હોય તેવી એની સ્થિતિ હતી. તે માંડ માંડ તિલકયાર્ડ સુધી પહોંચ્યો. તે જ વખતે નીતિનકાકા પણ આવી રહ્યા હતા. તેમણે ગોપાલની ધીમી ચાલ જોઈને કહ્યું, “અરે, થાકેલા ઘોડાની જેમ કેમ ચાલે છે? આ ઉંમરે પણ મારી ચાલ જો.”

ગોપાલ કંઈ જવાબ આપવાને બદલે ભાંગી પડ્યો. નીતિનકાકા સામે ચોધાર આંસુએ રોવા લાગ્યો. કાકાએ એને શાંત રહેવાનું કહ્યું અને ઑફિસમાં લઈ ગયા.

(ક્રમશ:)

PART 56 : અશ્વીની ભટ્ટની નવલકથા આખેટનું રેકોર્ડીંગ કરતી વખતે ગોપાલને એવુ લાગી રહ્યું હતું કે જાણે તે પિકચર જોઈ રહ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular