Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadનીશીએ કહ્યું બસ હવે બધા અમદાવાદ પાછા આવી ગયા છીએ, જે શહેરમાં...

નીશીએ કહ્યું બસ હવે બધા અમદાવાદ પાછા આવી ગયા છીએ, જે શહેરમાં તું નથી ત્યાં રહી અમારે શું કરવાનું

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-44): Nadaan Series: સવારે બાબલા ગેંગ સરદારયાર્ડમાં સફાઈ કરી રહી હતી. ગોપાલે યાર્ડમાં દાખલ થતાં જ જોયું કે, ડાબી તરફ લાઇનસર ખોલીઓ હતી. એ પણ એકદમ સાફસુથરી! પણ અહીંયા કોઈ રહેતું હોય તેવું લાગ્યું નહીં. યાર્ડમાં દાખલ થતાં જમણી તરફ એક લીમડાનું ઝાડ હતું. તેની નીચે એક ગોળાકાર ઓટલો હતો. ઓટલા પર આરસની તકતી મારેલી હતી. “‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી અહીં બેસીને લખતા હતા.”

ગોપાલે સાવરણો બગલમાં દબાવ્યો અને હાથ જોડી વંદન કર્યા. ગોપાલને વંદન કરતો જોઈ કેટલાક કેદીઓ મરક મરક હસી રહ્યા હતા. કેદીઓએ સફાઈકામ શરૂ કર્યું. ગોપાલ પણ ઝાડુ મારી રહ્યો હતો. પરંતુ વારે વારે એનું ધ્યાન સામેની બાજુ આવેલી ખોલી તરફ જતું હતું. બધા સફાઈ કરતાં કરતાં આગળ વધ્યા. છેલ્લી ખોલી હતી, તેના પર લખ્યું હતું ‘સરદાર ખોલી.’ ફરી અનાયસે ગોપાલના હાથ જોડાઈ ગયા.

- Advertisement -

ગોપાલ દરવાજા પાસેની દીવાલ ઉપર લાગેલી પથ્થરની તકતી વાંચવા નજીક આવ્યો. તેમાં લખ્યું હતું, “સરદાર પટેલની 1930માં ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ ત્રણ મહિના સુધી તેમને આ ખોલીમાં રાખવામાં આવ્યા હતા.”

ખોલીની અંદર રહેલી સરદાર સાહેબની મોટી તસવીર બહારથી જોઈ શકાતી હતી. ગોપાલને કૌતુક થયું, ખોલી અંદરથી કેવી હશે! ત્યાં ઊભા રહેલા એક કેદીએ એને જોયો. તેણે કહ્યું, “જા, અંદર જઈ આવ.”

ગોપાલે સાવરણો બાજુ પર મૂકયો. ચંપ્પલ બાજુ પર કાઢ્યાં અને ખોલીની અંદર ગયો. તેને આશ્ચર્ય થયું, સરદાર પટેલ જેવા મોટા નેતા, આ દસ બાય દસની ખોલીમાં રહેતા હતા! ત્યાં સરદાર સાહેબનો પાટીવાળો નાનો ખાટલો હતો. સરદાર જે વાસણોમાં જમતાં, તે પીત્તળના વાસણો અને એક નાનકડો દિવો હતો. જેના પ્રકાશે સાહેબ વાંચતા હશે. આ બધું જોઈ ગોપાલને લાગ્યું કે, જાણે તે કોઈ ફિલ્મ જોઈ રહ્યો હોય! જે કેદીએ તેને અંદર જવા કહ્યું હતું, તેણે બૂમ પાડી, “ગોપાલ… ચાલ, બહાર આવ.”
ગોપાલ તરત એક અહોભાવ સાથે બહાર નીકળ્યો. ફરી તેણે સાવરણો ઉપાડીને સફાઈ શરૂ કરી. સરદાર ખોલી પછી તરત થોડી ખુલી જગ્યા હતી. એ જગ્યા પછી આડી હરોળમાં ખોલીઓ હતી. તે પણ એકદમ સાફ હતી. કદાચ આ ખોલી પણ રોજ સાફ થતી હશે. ગોપાલે સફાઈ કરતાં કરતાં ખોલીઓ પર લાગેલી તકતીઓ વાંચવાની શરૂઆત કરી. પહેલી ખોલી હતી, ઝવેરચંદ મેઘાણીની. ત્યાર પછીની, મૂક સેવક રવિશંકર મહારાજની. ત્રીજી ખોલી હતી, અબ્બાસ તૈયબજીની. ગોપાલ વિચાર કરવા લાગ્યો, કોણ હશે અબ્બાસ તૈયબજી? તેણે થોડે દૂર ઝાડુ મારી રહેલા સલીમને ઇશારો કરી પાસે બોલાવ્યો અને પૂછ્યું, “તૈયબજી કોણ હતા?”

- Advertisement -

સલીમ વિચારમાં પડ્યો. પછી તેને જવાબ ખબર નથી, તેમ કહેવાને બદલે કહ્યું, “તું ઇતિહાસમાં બહુ નબળો છે.”

ગોપાલને ગુસ્સો આવ્યો. તેણે મનમાં નક્કી કર્યું કે, કોઈકને પૂછીને જાણી લઈશ. ત્યાર પછી ગાંધીના સાથી મહાદેવ દેસાઈની ખોલી હતી. ગોપાલ એ જોતો હતો ત્યાં જ, પાછળથી કોઈએ ગોપાલને બૂમ પાડી. ગોપાલે પાછળ ફરીને જોયું. એક કેદી એને સંદેશો આપવા આવ્યો હતો. તેણે કહ્યું, “ગોપાલ, તારી મુલાકાત આવી છે.”

ગોપાલે ફટાફટ પોતાનો સાવરણો બાજુ પર મૂકયો. સરદારયાર્ડમાં રહેલા નળ પાસે ગયો અને સારી રીતે હાથપગ ધોયા. મોઢું બરાબર સાફ કરીને મુલાકાતરૂમ તરફ ઉતાવળે ચાલવા લાગ્યો. એના મગજમાં પણ એ જ ઝડપે વિચાર આવ્યો, કોણ આવ્યું હશે મુલાકાતમાં? કારણ, અમદાવાદ જેલમાં આવ્યા પછી તેની આ પહેલી મુલાકાત હતી.

- Advertisement -

એ મુલાકાતરૂમમાં દાખલ થયો. તેણે જોયું તો નિશી હતી. તેની નજર પણ ગોપાલ ક્યારે આવશે? તેનો જવાબ મેળવવા માટે કેદીઓને દાખલ થવાના દરવાજા તરફ જ હતી. નિશીને જોતાં જ ગોપાલના ચહેરા પર ખુશી દોડી આવી. તેવી જ સ્થિતિ નિશીની પણ હતી. પરંતુ અચાનક નિશીના ચહેરા પરની ખુશી અલોપ થઈ ગઈ. ગોપાલને તે ખબર પડી નહીં. તેણે જોયું કે, નિશી તેનાં સફેદ કપડાં સામે જ જોઈ રહી છે. સજા થયા પછી જેલનાં કપડાં પહેરવા પડે, તેવી નિશીને સ્વાભાવિક રીતે ખબર ન જ હોય. તેણે માત્ર ફિલ્મોમાં જ કેદીને સફેદ કપડમાં જોયા હતા. ક્યારેક તેનો ગોપાલ પણ આ પ્રકારના વેશમાં આવશે, તેવું જોઈ તેને ખરાબ લાગતું હશે. ગોપાલે પૂછ્યું, “શું થયું નિશી?”

પહેલાં તો એણે મુંડી હલાવીને કહ્યું, “કંઈ નહીં.”
પણ પછી પૂછ્યું, “જેલમાં હવે આ જ કપડાં પહેરાવાના?”

ગોપાલે પોતાનાં કપડાં સામે જોયું. નિશીનો પ્રશ્ન સાંભળી, તેને ખાદીનાં સફેદ કપડાંમાંથી જાણે કાંટા વાગી રહ્યા હોય તેવું લાગ્યું. ગોપાલે માત્ર માથું હલાવીને હા પાડી. થોડીવારની શાંતિ પછી ગોપાલે પૂછ્યું, “એકલી આવી છે?”

નિશીએ કહ્યું, “હજી ઘર ગોઠવવાનું કામ ચાલું છે.”
ગોપાલના ચહેરા પર આશ્ચર્ય સાથે ઉદ્ગાર નીકળ્યો, “ઘર!”
નિશીએ કહ્યું, “અમે અમદાવાદ રહેવા આવી ગયા. રાણીપમાં ઘર ભાડે લીધું છે.”

ગોપાલ કંઈ સમજ્યો નહીં. નિશીએ કહ્યું, “હવે તું જ પાલનપુરમાં નથી, તો અમારે ત્યાં રહીને શું કરવાનું? મમ્મીએ આ વાત મને અને પપ્પાને કરી. પપ્પાનો ધંધો છે, પણ પપ્પાએ જ કહ્યું કે, હું ફરી અમદાવાદમાં નાનું મોટું કોઈ કામ શોધી લઈશ આપણે અમદાવાદ પાછા જઈએ.”

ગોપાલને બહુ જ ખરાબ લાગી રહ્યું હતું. પોતાના એકલાને કારણે આખો પરિવાર પરેશાન થઈ રહ્યો હતો. મમ્મી–પપ્પા અમદાવાદ આવી ગયાં અને રાણીપમાં જ તેમણે ઘર રાખ્યું. નિશીએ કહ્યું, “ચાર હજાર ભાડું છે. હજી પરમદિવસે અમે સામાન લઈને અમદાવાદ આવ્યાં. પપ્પા ક્યાંક બહાર ગયા છે અને મમ્મી ઘર ગોઠવે છે. મમ્મીએ મને કહ્યું કે, ગોપુ રાહ જોતો હશે. તું એને મળી આવ.”

ગોપાલ વિચારમાં પડી ગયો. નિશીએ કહ્યું, “તને ખબર છે? અમે અમદાવાદ આવી ગયાં એની રાકેશને ખબર પડી. તેણે મને કહ્યું, “હું પણ અમદાવાદમાં નોકરી શોધી લઈશ. તમે હવે પાલનપુર રહેવાના નથી, તો મારે મહેસાણા રહીને શું કામ છે?” એકાદ અઠવાડિયામાં એ પણ અમદાવાદ આવી જશે.”

ગોપાલને પોતાના પર વધુ ગુસ્સો આવ્યો કે, તેના કારણે જ આખા પરિવારને તેમજ રાકેશને તકલીફ પડી રહી છે છતાં કોઈ હરફ સુધ્ધાં ઉચ્ચારતું નથી. ગોપાલે પૂછ્યું, “રાકેશને કોઈ દિવસ લેતી આવજે. ઘણો સમય થઈ ગયો, એનો ચહેરો જ જોયો નથી.”

નિશી ચૂપ થઈ ગઈ. પછી કહ્યું, “મેં એને આજે પણ ફોન કર્યો હતો. મને ખબર છે, તે કોઈ કામે અમદાવાદ આવ્યો છે. પણ તેણે મને કહ્યું કે, ના, મારે ગોપાલને મળવું જ નથી.”
ગોપાલે પૂછ્યું, “હજી એ ગુસ્સામાં છે?”
નિશીએ માત્ર “હમ્મ” કહ્યું.

નિશીએ પોતાના હાથનાં રહેલી થેલી બતાવતાં કહ્યું, “મમ્મીએ તારા માટે નાસ્તો મોકલ્યો છે.”
ગોપાલે મુલાકાતરૂમમાં નિશી તરફ ઊભા રહેલા એક કેદી તરફ ઇશારો કરતાં કહ્યું, “એને આપી દે.”
તેણે પેલા કેદીને ઇશારો કરી પોસે બોલાવ્યો અને કહ્યું, “આમાં નાસ્તો છે. અંદર મને આપી દેજોને.”

અમદાવાદ જેલ હજી ગોપાલ માટે નવી હતી. પેલા કેદીએ પૂછ્યું, “ભાઈ, તારું નામ, યાર્ડ, બેરેક એ બધું તો જણાવ. તો હું તને મોકલાવી શકીશને?”
ગોપાલે કહ્યું, “ હા, ગોપાલ, છોટાચક્કર, બાબલા બેરેક.”
‘બાબલા બેરેક’ શબ્દ સાંભળતાં જ નિશી હસી પડી. ગોપાલે પૂછ્યું, “શું થયું?”

નિશીએ હસતાં હસતાં જ કહ્યું, “બાબલો.”
ગોપાલ પણ હસી પડ્યો. ગોપાલને લાગ્યું કે, મુલાકાતરૂમમાં બંને વચ્ચે જાળી ન હોય તો કેટલું સારું! એ નિશીને એક આલિંગન આપવા માગતો હતો. નિશી એની નજરોમાં જોઈ રહી. ગોપાલે પૂછ્યું, “શું થયું નિશી?”

નિશીને એની આંખોની વાત સમજાઈ ગઈ. તેણે કહ્યું, “હજી પણ તું ‘નાદાન’ જ રહ્યો.”
નિશી ગોપાલની મસ્તી જોઈને દરેક વખતે તેને ‘નાદાન’ કહેતી.
“ચાલો… મુલાકાત પૂરી.” એવું એક સિપાહી બોલ્યો.

જાળી પરની નિશીની પક્કડ ઢીલી થઈ. ગોપાલ મુલાકાતરૂમની બહાર જતી નિશીને છેક સુધી જોઈ રહ્યો. ત્યાંથી બહાર નીકળી, ગોપાલ પાછો સરદારયાર્ડ તરફ ચાલવા લાગ્યો.

(ક્રમશઃ)

PART 43 : નીતિનકાકા ખતરનાક માણસ છે, તેમના સંબંધો ગાંધીનગરથી દિલ્હી સુધી છે તેવી જેલમાં બધાને ખબર

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular