પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-33): Nadaan Series: રામની ઘટનાએ ગોપાલને ડિસ્ટર્બ કરી નાખ્યો હતો. ગોપાલને હવે લાગી રહ્યું હતું કે, પોતાની તો કંઈ સમસ્યાઓ જ નથી. અહીંયા માણસો ભલે બહારથી છાતી કાઢીને ફરતા હોય, પણ અંદરથી બધા જ ભાંગી ગયા છે.
રામ ગયો એના બીજા દિવસે ગોપાલની મુલાકાત આવી. ગોપાલના પપ્પા, મમ્મી અને નિશી ત્રણેય સાથે આવ્યાં હતાં. કદાચ હવે ગોપાલના પપ્પાનો ગુસ્સો ઉતરી ગયો હતો. ગોપાલ જેલમાં આવ્યો ત્યાર પછી પપ્પા બીજી જ વાર મળવા આવ્યા હતા. ગોપાલને સળિયા પાછળ ઊભો રહેલો જોઈ તેમની આંખો ભીની થઈ ગઈ. કોઈપણ બાપ હોય, પોતે કઠોર છે તેવું બતાવવાનો પ્રયત્ન કરે તો પણ; તેની કોમળતા હંમેશા છુપાવી શકતો નથી. પપ્પાની આંખમાં આંસુ જોઈને ગોપાલની પાપણો પણ ભીની થઈ ગઈ.
પપ્પાએ કહ્યું, “તારી જામીન અરજી રદ થઈ છે, પણ નિશીના પપ્પા બીજા પ્રયત્ન કરી રહ્યા છે. તેમની બહુ જગ્યાએ ઓળખાણ છે. ચિંતા કરતો નહીં.”
ગોપાલે માથું હલાવીને હા પાડી. પછી મમ્મીએ ગોપાલ રોજ જમે છે કે નહીં, તેની ચિંતા કરી. તેણે ગોપાલને હાથના ઇશારે નીચે સુધી ચિંધીને કહ્યું, “કેટલો સુકાઈ ગયો!”
ગોપાલે પોતાના શરીરને ઉપરથી નીચે જોતાં કહ્યું, “ના મમ્મી, જેવો હતો એવો જ છું. તું ચિંતા કરતી નહીં.”
મમ્મીએ સમાચાર આપ્યા, “બા તારી ચિંતા કરતાં હતાં. તેમણે તારા માટે બાધા રાખી છે.”
ગોપાલની મમ્મી વાત કરી હતી ત્યારે એના પપ્પાએ ઇશારો કર્યો. મમ્મી સમજી ગઈ. “ચાલ બેટા, ધ્યાન રાખજે .” તેમ કહીને મમ્મી–પપ્પા મુલાકાત રૂમની બહાર જતાં રહ્યાં.
તે નિશી અને ગોપાલને એકાંત આપવા માગતાં હતાં. આમ તો એકાંત જેવું કંઈ હોતું નથી. કારણ, આસપાસ કેદીઓ અને તેમના સગાં બંને તરફ હોય અને કાગડાની જેમ નજર રાખતા પોલીસવાળા પણ ફરતા હોય.
મમ્મી પપ્પા બહાર ગયાં પછી થોડીવાર તેમની વચ્ચે કોઈ વાત થઈ નહીં. ગોપાલે મૌન તોડતાં કહ્યું, “તારા પપ્પા મળવા આવ્યા હતા.”
નિશીના ચહેરા પર આશ્ચર્યનો ભાવ હતો. કારણ, પપ્પા આવા ગયા એ નશીને ખબર જ નહોતી. ગોપાલે કહ્યું, “તેમણે મને કહ્યું હતું કે, તને કહ્યા વગર મળવા આવ્યા છે.”
નિશીને આશ્ચર્ય થયું, પપ્પા એકલા કેમ આવ્યા! અને ગોપાલને મળ્યા પછી પણ તેમણે મને કેમ કંઈ કહ્યું નહીં!
ગોપાલે કહ્યું, “પપ્પા જતી વખતે કહેતા ગયા છે કે, તમારો જેલનો સમય લંબાશે તો મારે કંઈક વિચાર કરવો પડશે.”
આટલું બોલતાં ગોપાલને બહુ તકલીફ પડી રહી હોય તેવું લાગ્યું. ફરી બંને મૌન થઈ ગયાં. પપ્પા શું કહેવા માગતા હતા, તે નિશીને ખબર પડી ગઈ. તેણે કહ્યું, “મને પણ પપ્પાએ કહ્યું હતું કે, હવે ગોપાલ બહાર આવશે નહીં. ક્યાં સુધી એકલી જિંદગી પસાર કરીશ? તેને ડિવોર્સ આપી દે.”
ગોપાલ કંઈ જ બોલી શક્યો નહીં, પણ ગોપાલને તરત સલીમના શબ્દો યાદ આવ્યા. તેણે કહ્યું, “દીકરીનો બાપ આવું જ વિચારે. એમાં કંઈ ખોટું નથી.”
નિશીની નજર નીચી હતી. તેની ઉપર જોવાની હિંમત નહોતી. ગોપાલે કહ્યું, “તારા પપ્પા છે. તારી ચિંતાને કારણે આવું વિચારે છે.”
નિશીએ કહ્યું, “હું તારી જ છું અને તારી જ રહેવાની છું. તારા વગર હું મારી કલ્પના પણ કરી શકતી નથી.”
ગોપાલની આંખ ભરાઈ આવી. તેણે તરત આંખો સાફ કરીને નિશીને કહ્યું, “થેંક્યુ.”
નિશીએ ગુસ્સો કરતાં કહ્યું, “શરમ નથી આવતી? પ્રેમમાં કોઈ થેંક્યુ કહે?”
ગોપાલના ચહેરા પર સ્મિત આવ્યું. નિશીના પપ્પા વાત કરી ગયા પછી જે ભાર સવાર થયો હતો, તે નિશીને મળ્યા પછી ઉતરી ગયો હોય એવું તેને લાગ્યું. તેને થયું કે, તે નિશીને ઊંચકી લે, પણ એ તેવું કેવી રીતે કરે! કારણ, વચ્ચે લોંખડની જાળી હતી. વીસ મિનિટની મુલાકાત હતી. ત્યાં ઊભા રહેલા સિપાહીએ નિશીને કહ્યું, “ચાલ બહેન, મળવાનો ટાઇમ પૂરો થયો છે.”
ગોપાલને ગુસ્સો આવ્યો. તેણે ઘડિયાળ સામે જોયું ને સિપાહીને કહ્યું, “હજી ક્યાં વીસ મિનિટ થઈ છે? હજી તો પંદર મિનિટ જ થઈ છે.”
સિપાહીનો પિત્તો ગયો. તેણે કહ્યું, “ભાઈ, તું ગોવિંદભાઈ નથી. તેની સાથે ભલે રહે, પણ આપણે આપણી મર્યાદા ભૂલવાની નહીં.”
નિશીને લાગ્યું કે, મામલો બગડશે. તેણે સિપાહીને કહ્યું, “ના સાહેબ, કંઈ વાંધો નહીં હું જાઉં છું.”
ખબર નહીં, બોલ્યા પછી શું થયું? સિપાહીએ કહ્યું, “બહેન, બધા જ આવું કરે તો આખો દિવસ મુલાકાત ચાલું રહેશે. સારુ, પાંચ મિનિટ વાત કરી લે.”
નિશીએ કહ્યું, “અરે ગોપાલ, તારો ભાઈબંધ મળવા આવ્યો હતો.”
પછી કંઈક યાદ કરીને કહ્યું, “મહેસાણાવાળો રાકેશ.”
ગોપાલને રાકેશનું નામ સાંભળતાં તરત યાદ આવ્યું કે, તેને પૈસા આપવાના બાકી છે. ગોપાલે પૂછ્યું, “શું કહ્યું?”
નિશીએ કહ્યું, “એ ઘરે આવ્યો હતો. તેને ખબર નહોતી કે, તું જેલમાં છે. તેણે તને બહુ ફોન કર્યા પણ તારો ફોન બંધ આવતો હતો. પછી તે બીજા કોઈ કામથી પાલનપુર આવ્યો હશે, તો એ આપણાં ઘરે આવ્યો. રાકેશ સારો માણસ લાગે છે.”
ગોપાલ તેની સામે જોઈ રહ્યો. નિશીએ કહ્યું, “તે ઘરે આવ્યો ત્યારે તારા સમાચાર સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. તે મમ્મી,પપ્પા અને મને કહી ગયો છે કે, હું દર અઠવાડિયે ઘરે આવીશ. ચિંતા કરતાં નહીં. હું પણ તમારો ગોપાલ જ છું.”
ગોપાલે પૂછ્યું, “તો એને અહીં સાથે લાવવો હતોને!”
નિશી કંઈ બોલી નહીં. પછી તેણે કહ્યું, “તારા પર બહુ ગુસ્સે હતો. તેણે કહ્યું કે, તારી સાથે તે વાત જ કરવા નથી માગતો. મેં તેને કહ્યું પણ ખરું કે, હું ગોપાલને મળવા જેલ પર જાઉં છું. ચાલ મારી સાથે. તો એણે મને ઘસીને ના પાડી દીધી. એણે કહ્યું, “મારે એનું મોઢું પણ જોવું નથી.””
ગોપાલ કંઈ જ બોલ્યો નહીં. કારણ, રાકેશનો ગુસ્સો વ્યાજબી હતો. નિશીએ કહ્યું, “એ ભલે તારી પર ગુસ્સે છે, પણ તારી ચિંતા પણ બહુ છે એને. એનો ગુસ્સો શાંત થશે એટલે એ તને મળવા આવશે. પણ મમ્મી–પપ્પાનું ધ્યાન રાખે છે. દર બે દિવસે ફોન કરે છે. ગયા રવિવારે પાછો મળવા પણ આવ્યો હતો. અને જ્યારે પણ ફોન કરે ત્યારે તારી ખબર અચૂક પૂછે છે.”
ગોપાલ વિચાર કરવા લાગ્યો કે, ઈશ્વરને તેના જીવનમાં કેવા અજાણ્યા માણસો મોકલ્યા! જેમની સાથે લોહીનો કોઈ સંબંધ નથી છતાં તેની કાળજી રાખે છે. પહેલાં સલીમ, પછી ગોવિંદ અને હવે રાકેશ આવ્યો. નિશીએ પૂછ્યું, “રાકેશને કંઈ કહેવાનું છે?”
ગોપાલના ચહેરા પર એક સ્મિત આવ્યું. તેણે કહ્યું, “બહાર આવીને એના પૈસા આપી દેશે. એટલુ એને કહેજે.”
નિશીએ કહ્યું, “તું અક્કલનો બુઠ્ઠો છે. તું તારા પૈસાની જ વાત કરે છે. એ તને કેટલો પ્રેમ કરે છે તે સમજાય છે કે નહીં? પૈસાની વાત કરીશ તો મારી પર પણ ગુસ્સે થશે.”
ગોપાલે કહ્યું, “સોરી. એને થેંક્યુ કહેજે.”
નિશી ત્યાંથી નીકળી. જતી વખતે તેણે પેલા સિપાહીને કહ્યું, “થેંક્યુ ભાઈ.”
આ એ સિપાહી હતો, જેણે પાંચ મિનિટ વધારે વાત કરવાની છૂટ આપી હતી. ગોપાલ પણ તેને થેંક્યુ કહીને પોતાના યાર્ડ તરફ જવા લાગ્યો. તેના મગજને રાકેશના વિચારોએ ઘેરી લીધું.
રાકેશ તેનો જૂનો મિત્ર. મૂળ તો તે મહેસાણાનો, પણ કામ માટે અમદાવાદ આવ્યો હતો ત્યારે તેની મુલાકાત થઈ હતી. બે-ત્રણ વર્ષ અમદાવાદ રહ્યા પછી તેને અમદાવાદમાં ફાવ્યું નહીં એટલે તે પાછો મહેસાણા જતો રહ્યો હતો.
સામાન્ય પરિવારનો રાકેશ સ્વભાવે સરળ માણસ હતો. તેને પણ પૈસા કમાઈને જિંદગી બનાવવી હતી, પણ કદાચ તેના નસીબમાં વધારે પૈસા નહોતા. તે કહેતો કે, આપણા નસીબને કાણું પડયું છે. કંઈ પણ કરીએ, કાણાવાળા નસીબમાંથી બધું વહી જ જાય છે. એટલે જ તેણે અમદાવાદ છોડી મહેસાણા પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
ગોપાલ પાલનપુર આવ્યો છે તેવા સમાચાર મળતાં તે તરત પાલનપુર મળવા પણ આવ્યો હતો. ગોપાલનો ધંધો સારો ચાલતો નથી, તેવી ખબર પડી ત્યારે પણ તેણે ગોપાલને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. ગોપાલે તેને બે મહિનામાં પાછા આપવાનું કહ્યું હતું. પણ ગોપાલને મેળ પડ્યો જ નહીં.
રાકેશને મનોમન થેંક્યુ કહેતો ગોપાલ પોતાની બેરેકમાં પાછો ફર્યો. સલીમ એનો ચહેરો જોઈ રહ્યો હતો.
ગોપાલ મુલાકતમાં જઈને પાછો આવે, ત્યારે સલીમ તેનો ચહેરો જોઈ રહેતો. મુલાકાતમાં શું થયું હશે તેનો અંદાજ લગાવતો હતો. આજે ગોપાલના ચહેરા પર એક પ્રકારની શાંતિ હતી. તે જોઈ સલીમને પણ મનમાં હાશકારો થયો.








