પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-30): ગોપાલ મુલાકાતરૂમમાંથી પાછો ફર્યો અને હોસ્પિટલમાં કામ કરવા લાગ્યો; પણ તેનું ધ્યાન કામમાં નહોતું લાગતું. એના મનમાં સતત નિશીના પપ્પાનું છેલ્લું વાક્ય ઘુમરાઈ રહ્યું હતું. “જો તમારે લાંબો સમય જેલમાં રહેવાનું થયું; તો મારે વિચાર કરવો પડશે. મારે વિચાર કરવો પડશે… મારે વિચાર કરવો પડશે…” તેનો શું અર્થ કરવો? એ તેને સમજાઈ રહ્યું નહોતું. નિશીના પપ્પા કઈ બાબતનો વિચાર કરી રહ્યા હતા? એના પપ્પાએ કોઈ વાતનો ફોડ પાડ્યો નહીં.
બપોર થતાં હોસ્પિટલ બંધ થઈ એટલે ગોપાલ પોતાની બેરેકમાં પાછો ફર્યો. સલીમ જમીને સૂઈ ગયો હતો. ગોપાલે પોતાની થાળી લીધી અને જમવા બેઠો. એકાદ બે કોળિયા ખાધા હશે, ત્યાં પાછો તેને વિચારોએ ઘેરી લીધો. એના હાથમાં રહેલો કોળિયો એવો જ રહી ગયો. અચાનક એને કોઈએ ઢંઢોળ્યો હોય તેવું લાગ્યું. જોયું તો સલીમ હતો. તેણે ગોપાલનો ચહેરો જોતાં પૂછ્યું, “મિયાં ક્યા હુવા?”
“કંઈ નહીં.” માત્ર આટલું બોલીને ગોપાલે જમવાનું શરૂ કર્યું.
એ પાંચ સાત કોળિયા જ ખાઈ શક્યો. ઊભો થઈને બહાર ગયો. બેરેકની બહાર રહેલાં ડસ્ટબિનમાં વધેલું ફેંકી દીધું. બેરેકમાં પાછો આવીને બિસ્તર પર બેસી ગયો. સલીમ તેને જોઈ રહ્યો હતો. સલીમે નક્કી કર્યું હતું કે, આજે તેને કંઈ પૂછવું જ નથી. સલીમ જાગતો હોવા છતાં ગોપાલ તરફ પીઠ કરીને, સૂઈ ગયો છે તેવો ડોળ કર્યો. બેરેકમાં કેટલાક કેદીઓ ટીવી જોઈ રહ્યા હતા. ગોપાલને તેમની પર બહુ ગુસ્સો આવતો હતો. કારણ કે આજે ટીવીનો અવાજ ગોપાલના વિચારોને ઘમરોળી નાખતો હતો.
નિશી જ્યારે આવી, ત્યારે તો તેણે કોઈ વાત કરી નહોતી. પછી પપ્પા કઈ વાતનો વિચાર કરી રહ્યા હતા? પણ પછી તરત એને યાદ આવ્યું કે, પપ્પાએ કીધું હતું કે, તે જેલ પર આવ્યા છે, તેની નિશીને ખબર નથી. ગોપાલ વિચારી રહ્યો હતો કે, તેની જિંદગીમાં તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે! એક પછી એક ગરબડ થઈ રહી છે.
બપોરના ત્રણ વાગ્યા. ચા આવી. બધા કેદીઓ ચા લઈ રહ્યા હતા. સલીમ અને ગોપાલે પણ ચા લીધી. બંને સાથે બેસીને ચા પી રહ્યા હતા. સલીમે તેને કંઈ જ પૂછ્યું નહીં. સલીમને પ્રશ્ન વિશે કંઈ જ ખબર નહોતી. ગોપાલના સસરા એની મુલાકાતે આવ્યા હતા, તે વાતથી પણ સલીમ અજાણ હતો. પણ એટલી ખબર હતી કે, ગોપાલને કોઈ વાત તકલીફ આપી રહી છે.
સલીમના સતત માનસિક રક્ષણમાં જીવતા ગોપાલને હવે એની આદત પડી ગઈ હતી. સલીમ એની એ આદતને છોડાવવા માગતો હતો. જે પણ પ્રશ્ન હોય, ગોપાલે હવે જાતે જ લડવું પડશે. એટલે જ્યાં સુધી ગોપાલ પોતાની વાત કરે નહીં, ત્યાં સુધી એને કંઈ જ પૂછવું નહીં. તેવું તેણે મનોમન નક્કી કર્યું હતું. ચા પીધા પછી ગોપાલ સલીમ સાથે વાત કર્યા વગર જ હોસ્પિટલ જતો રહ્યો. ગોપાલનું ધ્યાન કામમાં નહોતું. કોઈ કેદી તેને દવા વિશે કંઈ પૂછે, તો ગોપાલ એકદમ ગુસ્સે થઈ જતો હતો. ગોપાલનો અવાજ એટલો મોટો થઈ ગયો કે, બહાર બેઠેલા ડૉકટરના કાને એનો અવાજ પડ્યો. તેમણે પણ મોટા અવાજે પૂછ્યું, “કોણ રાડો પાડે છે અંદર?”
ગોપાલ શાંત થઈ ગયો. એને પોતાની ભૂલ સમજાઈ. પણ તેનાં મનમાં સતત ઘમસાણ ચાલી રહ્યું હતું. તેને આશ્ચર્ય એ વાતનું હતું કે, તેનો ચહેરો જોઈને સમજી જતા સલીમે હજી તેને કંઈ જ પૂછ્યું નહોતું! તેને થયું કે, દોડીને સલીમને બધું કહી દઉં. પણ તે એવું કરી શક્યો નહીં. સાંજે હોસ્પિટલ બંધ થતાં તે બેરેક તરફ પાછો ફર્યો. જેમ પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે તેમ કેદીઓ પોતાની બેરેકમાં પાછા ફરી રહ્યા હતા.
જમવાનું આવી ગયું હતું. કેટલાક કેદીઓએ જમી લીધું હતું. સલીમે પોતાનું, ગોપાલનું અને ગોવિંદનું જમવાનું લઈ લીધું હતું. ગોવિંદ પણ આજે આખો દિવસ બેરેકમાં આવ્યો નહોતો. ગોપાલને તો તેની ખબર પણ નહોતી. પણ સલીમના ધ્યાનમાં એ આવી ગયું હતું. સાડા છ થતાં બંધી થઈ. સિપાહીએ આવી કેદીઓની ગણતરી કરી, બેરેકને લોક માર્યું. ગોવિંદ સાંજે નાહીને બહાર નીકળ્યો, ત્યારે તેણે ગોપાલ અને સલીમ સામે જોયું, પણ કંઈ વાત કરી નહીં.
જેલમાં રોજ પ્રમાણે પહેલાં આરતી થઈ અને પછી નમાઝ થઈ. કેદીઓ પોતાની મસ્તીમાં હતા. સલીમ ઊભો થઈ ગોવિંદ પાસે ગયો અને કહ્યું, “ભાઈ જમીશું?”
ગોવિંદે ઉપર જોયું. એક મિનિટ વિચાર કરીને કહ્યું, “ભૂખ લાગી નથી. તમે જમી લો.”
સલીમ નીચે બેઠો. તેણે ગોવિંદના પગ પર હાથ મૂકતાં કહ્યું, “ભાઈ મને ખબર છે. આજે તમે સવારે પણ જમ્યા નથી. ચાલો સાથે જમીએ. જે ફાવે એ, થોડુક જમજો.”
ગોવિંદના ચહેરા પર સ્મિત આવ્યું. કહ્યું, “સારૂ, આવુ છું.”
સલીમને ખબર હતી કે, ગોપાલ પણ તેના મૂડને કારણે જમવામાં નાટક કરશે. ભાઈ પણ જમ્યા નહોતા. જો ભાઈ જમવા આવે, તો ગોપાલની નાટક કરવાની કોઈ જ તાકાત નહોતી. સલીમ પાછો પોતાના બિસ્તર પાસે આવ્યો. તેણે ગોપાલને કહ્યું, “ભાઈ જમવા આવે છે.”
તેણે એક કાંકરે બે પક્ષી માર્યાં હતાં. તેણે બીજા શબ્દોમાં ગોપાલને કહી દીધું હતું કે, “તારે જમવું પડશે.” ગોવિંદ આવ્યો. સલીમે બોલ્યા વગર ત્રણ થાળીઓ ખોલી નાખી. ગોવિંદ અને ગોપાલ બોલ્યા વગર ર બેસી ગયા અને ત્રણેય જમવા લાગ્યા. તેમની વચ્ચે કોઈ સંવાદ નહોતો.
થોડી થોડી વારે નજર ઊંચી કરીને, સલીમ ક્યારેક ગોવિંદ સામે તો ક્યારેક ગોપાલ સામે જોઈ લેતો હતો. ગોવિંદે પોતાની થાળી સાફ થાય એ રીતે જમી લીધું. કદાચ ભૂખ પણ એવી જ લાગી હશે. પણ મન ક્યારેક બાળક જેવું થઈ જાય છે. તેને પણ કોઈ લાડ લડાવે અથવા મનાવે એવી જરૂર હોય છે. સલીમ તેને બોલાવા ગયો ન હોત, તો ગોવિંદ આજે જમ્યો જ ન હોત. જમવાનું પૂરું થઈ ગયું હતું છતાં ગોવિંદ બેસી રહ્યો. ગોપાલનું ધ્યાન જતાં જ તેણે કહ્યું, “ભાઈ, હાથ ધોઈ લો.”
ગોવિંદે કહ્યું, “કોઈ ઉતાવળ નથી. ક્યાં ગાયો દોહવા જવી છે?”
ગોપાલ ફરી જમવા લાગ્યો. સલીમ અને ગોપાલનું પૂરું થતાં ત્રણે સાથે ઊભા થયા. બેરેકના બાથરૂમ જઈ મોઢું ધોઈ, થાળીઓ ધોઈ પાછા આવ્યા. ત્રણે સલીમના બિસ્તર પાસે બેઠા હતા. કોઈની પાસે જાણે કંઈ વાત જ નહોતી! પણ ગોપાલને થતું હતું કે, કોઈ એને પૂછે. તો એને વાત કરવી હતી. પણ ગોવિંદ તો ગઈરાતથી જ ગુમસુમ હતો. ગોપાલને પોતાનો પ્રશ્ન હતો. કોઈની માનસિક સ્થિતિ જો સારી હતી, તો સલીમની હતી.
કોઈ કશું બોલ્યુ નહીં. ગોપાલે કહ્યું, “મારે એક વાત કરવી છે.”
સલીમ અને ગોવિંદે તેની સામે જોયું. ગોપાલે વાતની શરૂઆત કરતાં કહ્યું, “આજે નિશીના પપ્પા મુલાકાતમાં આવ્યા હતા. આમ તો બધી નોર્મલ વાત થઈ; પણ જતી વખતે તેમણે મને કહ્યું કે, જેલ લાંબી ચાલી તો મારે વિચાર કરવો પડશે.”
ગોવિંદે સલીમ સામે જોતાં પૂછ્યું, “જેલ લાંબી ચાલી એટલે?”
ગોપાલે કહ્યું, “મને એ જ સમજાતું નથી. ‘જેલ લાંબી ચાલી તો વિચાર કરવો પડશે.’ એનો શું અર્થ કરવો?”
ગોવિંદ પાસે પણ એનો કોઈ જવાબ નહોતો. ગોપાલે સલીમ સામે જોયું. સલીમે કહ્યું, “દીકરીનો બાપ છે. આવું જ વિચારે.”
ગોવિંદે કહ્યું, “દીકરીનો બાપ શું વિચારે?”
સલીમે આંખો બંધ કરી અને પાછી ખોલતાં કહ્યું, “પોતાનો જમાઈ જેલમાં હોય અને દીકરી સાસરે એકલી હોય, તો એના બાપની સ્થિતિ શું હોઈ શકે? એની આપણને કલ્પના પણ નથી. કારણ, હજી આપણે દીકરીના બાપ થયા નથી.
(ક્રમશઃ)
PART 29 : ગોવિંદની આંખમાં આંસુ કોઈએ જોયા નહોતા, પણ ગોપાલ અને સલીમની હિંમત થઈ નહીં કારણ પુછવાની
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








