Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadગોપાલનો મિત્ર રાકેશ કહેતો 'આપણા નસીબમાં કાણું પડેલુ છે કંઈ પણ કરો...

ગોપાલનો મિત્ર રાકેશ કહેતો ‘આપણા નસીબમાં કાણું પડેલુ છે કંઈ પણ કરો બધુ વહી જાય છે’

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-24): ગોપાલની મુલાકાતે આવેલી નિશી કોર્ટનો ઓર્ડર લઈને આવી હતી. ગોપાલ અને સલીમની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, “આરોપીઓ સામે પોલીસે રજૂ કરેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં લેતાં પ્રાથમિક દૃષ્ટિએ તેઓ કસૂરવાર હોય તેવું લાગે છે. હાલ તપાસ નાજુક તબક્કામાં છે. આ કેસના આરોપી સલીમનો ભૂતકાળ જોતાં તેમને જામીન આપવામાં આવે, તો તેઓ સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તેવી સરકારી વકીલની દલીલને કોર્ટ માન્ય રાખે છે. એટલે હાલના તબક્કે જામીન આપવા ન્યાયના હિતમાં નથી.”

સલીમ વારે વારે ઓર્ડર વાંચી રહ્યો હતો. ગોપાલે તો વાત કરવાની જ બંધ કરી દીધી હતી. આ બધી બાબત ગોંવિંદના ધ્યાનમાં આવી. બીજા દિવસે ગોપાલ દવાખાનામાંથી પાછો ફરીને બિસ્તરમાં આડો પડ્યો હતો ત્યાં ગોવિંદ આવ્યો. તેણે સલીમને પૂછ્યું, “ગોપાલ જમ્યો?”


- Advertisement -

સલીમે ગોપાલની ઢાંકી રાખેલી થાળી તરફ ઇશારો કર્યો. ગોવિંદે જરા ઊંચા અવાજે કહ્યું, “ગોપાલ…”

તે પથારીમાંથી એકદમ બેઠો થઈ ગયો. તેને ગોવિંદ કેમ આવ્યો છે? તેની ગોપાલને ખબર નહોતી.

ગોવિંદે પૂછ્યું, “જમ્યો તું?”

- Advertisement -

ગોપાલે માથું હલાવી ના પાડી.

ગોવિંદે આદેશાત્મક સ્વરમાં કહ્યું, “ચાલ, જમી લે.”

- Advertisement -


સામેથી આદેશ થયો એટલે ગોપાલે માથું હલાવીને કહ્યું, “ભાઈ, ભૂખ નથી લાગી.”

ગોંવિંદની આંખમાં ગુસ્સો દોડી આવ્યો. તેણે કહ્યું, “ચાલ, ઊભો થા.”

ગોપાલ કંઈ સમજ્યો નહીં. ગોવિંદે તેનો હાથ કાંડામાંથી પકડી એકદમ ઝટકો મારતાં તેને ઊભો કર્યો અને હાથ પકડી બેરેકના દરવાજા પાસે લઈ ગયો. દરવાજામાંથી ઇશારો કરતાં પૂછ્યું, “ત્યાં શું દેખાય છે?”

ગોપાલ કંઈ સમજ્યો નહીં. બેરેકમાં રહેલા સલીમ સહિત તમામ કેદીઓ આ દૃશ્ય જોઈ રહ્યા હતા. કોઈને પણ ખબર નહોતી પડી રહી કે, ગોવિંદ શું કરી રહ્યો છે? ગોપાલે જવાબ ન આપ્યો એટલે ગોવિંદે ગુસ્સામાં કહ્યું, “પેલી દીવાલ દેખાય છેને?”બેરેકના દરવાજામાં ઊભા રહો એટલે વીસ ફૂટ ઊંચી જેલની મુખ્ય દીવાલ દેખાતી હતી. ગોવિંદે પૂછ્યું, “એ દીવાલની ઉપર શું છે?”

ગોપાલે ડરતાં ડરતાં જવાબ આપ્યો. “વાયર.”

ગોવિંદે કહ્યું, “તને ખબર છે? તે દીવાલ પર રહેલા વાયરમાંથી સતત કરંટ પસાર થતો હોય છે. તારે મરવું છેને? ચાલ, દીવાલ પર ચઢી જા અને વાયરને અડી લે. તરત મરી જઈશ.”

ગોવિંદે ગુસ્સામાં પકડી રાખેલો ગોપાલનો હાથ છોડ્યો. બેરેકમાં બધા સ્તબ્ધ હતા. ગોવિંદે ચારેબાજુ નજર ફેરવીને કેદીઓ સામે જોયું. પછી ગોપાલને કહ્યું, “અહીંયા કોઈ પિક્નિક માટે નથી આવ્યા. આ બધાને જ પોતાના ઘરે જવું છે, પણ શું કરે? તારી જેમ જમવાનું બંધ કરે? મેં જેલમાં અનેક કેદી જોયા, પણ તારા જેવો મૂરખ કેદી નથી જોયો.”



ગોપાલ ચુપચાપ ઊભો હતો. ગોવિંદને વધુ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, “શું મારી સામે જોઈ રહ્યો છે? ભેંસ આગળ ભાગવત કરું છું? ચાલ, જમી લે જલદી.”

ગોપાલ પોતાના બિસ્તર પાસે ગયો અને સલીમે ઢાંકી રાખેલી થાળી ખોલીને જમવાની શરૂઆત કરી. ખબર નહીં, તેને ભૂખ જ નહોતી. જ્યારથી તેને ખબર પડી કે, જામીન અરજી નામંજૂર થઈ છે, ત્યારથી તેને કંઈ ખાવાની ઇચ્છા જ થતી નહોતી. પણ ગોવિંદના ગુસ્સાને કારણે તેણે થાળી લઈ જમવાની શરૂઆત કરી.

ગોવિંદ બેરેકની બહાર નીકળી ગયો. સલીમ બધું ચુપચાપ જોઈ રહ્યો. સલીમને ગોવિંદની આ સ્ટાઇલ ગમી. તેને વિચાર આવ્યો કે, કદાચ ગોવિંદ તેની પત્નીને પણ પ્રેમ કરતો હશે તોય આવી જ રીતે કરતો હશે!


સાંજની બંધી પછી બેરેકમાં આરતી અને નમાઝ પૂરાં થયાં. ગોપાલ અને સલીમ જમતા હતા. ગોવિંદ આવ્યો અને ગોપાલના બિસ્તરમાં બેઠો. ગોપાલને ડર લાગ્યો કે, ક્યાંક ભાઈ ફરી ગુસ્સે થશે. પણ હમણાં ગોવિંદ શાંત હતો. ગોપાલનું જમવાનું પૂરું થયું. તેણે ગોવિંદ સામે જોયું. ગોવિંદે કહ્યું, “જા, થાળી ધોઈને પાણી પી લે. પછી આપણે વાત કરીએ.”

ગોપાલને પ્રશ્ન થયો કે, હવે શું વાત કરવાની હશે? પણ તે પૂછી શક્યો નહીં. ગોપાલ અને સલીમ થાળી ધોઈને પાછા આવ્યા. સલીમની સામે જોયા વગર ગોવિંદે ગોપાલને સવાલ કર્યો, “આ સલીમ છે. તેના ઘરે પણ કોઈ હશેને?”

ગોપાલે સલીમ સામે જોયું. ગોવિંદે વાત આગળ વધારી, “સલીમ આવ્યો ત્યારથી હું જોઉ છું, તે પોતાના કરતાં તારી ચિંતા વધારે કરે છે.”

એક ક્ષણ રોકાઈને પૂછ્યું, “તને ખબર છે? મને જેલમાં કેટલા વર્ષ થયા?”

પછી પોતે જ જવાબ આપ્યો. “આઠ વર્ષ થયા. મને જ્યારે સજાનો હુકમ થયો ત્યારે મને લાગ્યું હતું કે મારી જિંદગી પૂરી થઈ ગઈ. પછી મને ઘરે રહેલાં મારાં બાળકો, પત્ની અને ઘરડી માનો વિચાર આવ્યો. મેં નક્કી કર્યું કે, મારે તેમના માટે પણ જીવવાનું છે. હું ક્યારે બહાર નીકળીશ તેની મને ખબર નથી, પણ એક દિવસ જરૂર નીકળીશ એવી ખબર છે. રોજ રડતાં રડતાં જિંદગી જીવું, તેના કરતાં દાદાગીરીથી જીવવાનું મેં નક્કી કર્યું.”



ગોવિદેં વાક્ય પૂરું કરતાં સલીમ સામે જોયું. સલીમના ચહેરા પર સ્મિત આવ્યું. ગોવિંદે સવાલ પૂછ્યો, “અલ્યા, તું તો ભગવાનમાં માને છે. કેમ?”

વાક્ય પૂરું કરતાં પહેલાં તેણે સલીમ સામે જોતાં કહ્યું, “આ મિયાંને તો નમાઝ પઢતા મેં હજી જોયો નથી. જો તું ભગવાનમાં માને છે, તો જાણી લે કે, તારા ભગવાને જ તારા નસીબમાં જેલ લખી છે. મને ખબર નથી કે, તે ખરેખર ગુનો કર્યો છે કે નહીં.”

પછી બેરેકના અન્ય કેદીઓ તરફ ઇશારો કરતાં કહ્યું, “અહીં એવા ઘણા છે, જેમણે આ જનમમાં તો કંઈ ખોટું કર્યું નથી, છતાં અહીં આવી ગયા. કદાચ ગયા જનમનો કોઈ હિસાબ પૂરો કરવાનો રહી ગયો હશે!”

ગોવિંદ જાણે વ્યાસપીઠ ઉપર બેઠો હોય એ રીતે વાત કરી રહ્યો હતો! બેરેકમાં એકદમ સન્નાટો હતો. ટીવી જોઈ રહેલા કેદીઓએ પણ અવાજ મ્યૂટ કરી નાખ્યો હતો. ગોવિંદ વાત તો ગોપાલ સાથે કરી રહ્યો હતો, પણ ગોવિંદની વાત આખી બેરેકના તમામ કેદી સાંભળી રહ્યા હતા. ગોવિંદે ગોપાલના પગ પર હાથ મૂકતાં કહ્યું, “આટલા જલદી નિરાશ થવાનું નહીં અને હરાવનું નહીં. હજી તારી સામે આખી જિંદગી પડી છે. લડી લેવાનું.”


ગોપાલના ચહેરા પર સ્મિત આવ્યું. ગોવિંદને તે ગમ્યું. તેણે સલીમ સામે જોતાં કહ્યું, “મિયાં તારા દોસ્તને તારા જેવો મર્દ બનાવ.”

આટલું બોલીને ગોવિંદ ઊભો થયો અને પોતાના બિસ્તર તરફ ગયો. ગોપાલ તેને જતા જોઈ રહ્યો. તે વિચારી રહ્યો હતો કે, આખી જેલમાં કેદીઓ જેનાથી ડરે છે, તે માણસ તો અંદરથી નારિયેળ જેવો કોમળ છે! મેં તેને મારી કોઈ વાત કરી નહોતી, છતાં તે મારી પાસે આવીને બેઠો.

ગોપાલે સલીમ સામે જોયું. સલીમ હસ્યો અને ગોપાલને પૂછ્યું, “તારા બધા જ સવાલનો જવાબ મળ્યો?”



ગોપાલે ફરી ગોવિંદ તરફ જોયું અને હકારમાં માથું હલાવ્યું. સલીમે બેરેકની છત તરફ જોયું. જાણે તે પરવરદિગારનો આભાર માનતો હોય!

બેરેકમાં માત્ર એક બલ્બ સળગી રહ્યો હતો. બિસ્તરમાં પડેલો ગોપાલ વિચારી રહ્યો હતો કે, સલીમ અને ગોવિંદ જેવા માણસો પણ આટલા સારા હોય છે! આવો વિચાર તેણે પહેલાં ક્યારેય કર્યો નહોતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796




Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular