કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 5 મેના રોજ કોરોના મહામારીના (COVID pandemic) અંતની જાહેરાત થઈ અને જોગાનુજોગ હાલમાં જ કેરળના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કે. કે. શૈલજાનું પુસ્તક ‘માય લાઇફ એઝ એ કોમરેડ’ (My Life as a Comrade) પ્રકાશિત થયું છે. કોરોના કાળ દરમિયાન કે. કે. શૈલજાનું(K. K. Shailaja) નામ દેશ-દુનિયાભરમાં ચમક્યું હતું. કે. કે. શૈલજાએ કોરોનાની પૂર્વતૈયારી રાખીને એવું આયોજન કર્યું હતું કે, મહામારીમાં કટોકટી આવી પડી ત્યારે સૌને તેમની સલાહ લેવી અનિવાર્ય થઈ પડી અને એટલે સંયુક્ત રાષ્ટ્રે સુધ્ધાં તેમને વર્ષ 2020માં કોરોનામાં લડત આપવા બદલ ‘સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ’ની ઊજવણીના ભાગરૂપે આમંત્ર્યા હતા. બ્રિટનના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘પ્રોસ્પેક્ટ’એ તેમને 2020 વર્ષ માટે વિશ્વના ‘ટોપ થિન્કર’ ગણાવ્યાં હતા. બીજા ક્રમે કોરોનામાં સખ્તાઇથી કાર્ય લેનારા ન્યૂઝિલેન્ડમાં વડાં પ્રધાન જેસિન્ડા આર્ડન હતા. આંતરરાષ્ટ્રિય-રાષ્ટ્રિય સ્તરે કે. કે. શૈલજાએ ખૂબ નામના મેળવી છે અને તેનું એક કારણ એ પણ હતું કે કેરળ એક વર્ષ અગાઉ જ નિપાહ નામના અતિ જોખમી વાયરસ સામે લડત આપી ચૂક્યું હતું. કે. કે. શૈલજાએ હાલમાં આવેલાં પુસ્તકમાં પોતાના જીવન સાથે કોરોનાકાળની મહત્વની વિગતો પણ આલેખી છે.

પ્રથમ વખત જ્યારે કોરોનાના ખબર સાંભળ્યા તે વખતનાં અનુભવ ટાંકતા કે. કે. શૈલજા લખે છે કે “2020માં જાન્યુઆરી મહિનાના મધ્યે મેં પણ સૌની જેમ પ્રથમવાર અખબારમાં કોવિડ વિશે વાંચ્યું. તેનો પ્રથમ કેસ વુહાનમાં આવ્યો હતો અને તે ઝડપથી ચીનમાં પ્રસરી રહ્યો હતો. અમને ખ્યાલ આવી ગયો કે કોરોના પ્રકારનો આ એક વાઇરસ છે; જે ‘સાર્સ’[સેવર એક્યૂટ રેસ્પિટરરી સિન્ડ્રોમ] અને ‘મેર્સ’[મિડલ ઇસ્ટ રસ્પિટરરી સિન્ડ્રોમ] જેવો છે. નિપાહ કરતાં તેનો મૃત્યુદર ઓછો હતો. પરંતુ તે ઝડપથી સંક્રમિત કરતો હતો.” આગળ તેઓ જણાવે છે કે, “દુનિયામાં ઘણા વાઇરસ છે અને કેટલાંક તો હજુ આપણે ઓળખી શક્યા નથી અને તેમાંથી મોટા ભાગના જોખમી નથી. પરંતુ જ્યારે કુદરતમાં કોઈ અસંતુલન જન્મે છે ત્યારે તે ઘાતક બને છે. જેમ સ્પેનિશ ફ્લુમાં 1918માં પાંચ કરોડ [આ આંકડો અલગ-અલગ જગ્યાએ અઢીથી પાંચ કરોડનો દર્શાવાય છે] લોકોએ જીવ ગુમાવ્યો હતો. કેરળમાં પ્રસરેલી નિપાહની મહામારી પછી જ્યારે પણ કોઈ સંક્રમિત બીમારીની વાત આવે ત્યારે મારાં કાન સરવા થઈ જતાં. જોકે અહીં એક અન્ય પણ કારણ હતું. તે એ કે વુહાનનું કેરળ સાથેનું સીધું જોડાણ.”
કે. કે. શૈલજાનાં આ પુસ્તકે ખાસ્સી ચર્ચા જગાવી છે અને મોટા ભાગના અંગ્રેજી અખબાર અને મેગેઝિનોમાં આ વિશે તેમનાં ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયાં છે. ‘હિંદુ બિઝનેસ લાઇન’નાં એક ઇન્ટરવ્યૂમાં ‘કોમ્યુનિસ્ટ કોઈના પ્રત્યે આસ્થા ધરાવતા નથી?’ તેમ તેઓને પૂછવામાં આવતાં તેમણે જવાબ આ રીતે વાળ્યો છે: “અંધશ્રદ્ધા પર અમને વિશ્વાસ નથી. પરંતુ કોમ્યુનિઝમ ગરીબ વર્ગના ધર્મ કે આસ્થાના વિરોધમાં નથી. કાર્લ માર્ક્સ સુધ્ધાંએ એમ કહ્યું છે કે, જ્યારે લોકો પીડામાં હોય છે ત્યારે તેમને કોઈ આધાર જોઈએ અને તે મહદંશે ઈશ્વર હોય છે. તે વાત સાચી છે કે તે યોગ્ય ઉપાય નથી. માનવજાતે તેમના દુઃખ દૂર કરવા અર્થે કામ કરવું જરૂરી છે. અમે આસ્થા ધરાવનારાના વિરોધી નથી.”
આવી મુદ્દાસરની વાત કે. કે. શૈલજાએ પુસ્તકમાં અનેક વિષયો બાબતે કરી છે. ફરી તેમના કોરોનાના આરંભ વખતના અનુભવ પર આવીએ. તેઓ લખે છે : “જ્યારે મેં અખબારમાં કોરોના વિશે વાંચ્યું ત્યારે મને યાદ આવ્યું કે કેરળના ઘણા વિદ્યાર્થીઓ વુહાનમાં છે. મેં હેલ્થ સેક્રેટરીને રાજન ખોબ્રાગાડેને તુરંત ફોન કર્યો. રાજનને પણ વાત ચિંતા કરવા જેવી લાગી. વુહાનમાં તે સમયે વેકેશન શરૂ થઈ રહ્યું હતું અને રજા દરમિયાન વિદ્યાર્થીઓ પાછાં કેરળ આવવાના હતા. અમારી પાસે અગાઉથી જ નિપાહ વાઇરસ સામેનું આયોજન તૈયાર હતું અને અમે નક્કી કર્યું કે નવા વાયરસ સામે લડવા અમારું તે જ આયોજન કામ આવશે.”
“24 જાન્યુઆરીના રોજ તો અમે રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરી દીધી અને હેલ્થ સર્વિસના ડિરેક્ટરના ઑફિસમાં અમે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો. કન્ટ્રોલ રૂમમાં નોડલ ઑફિસર સુધ્ધાની અમે નિમણૂક કરી દીધી. અમે તૈયારી રૂપે અઢાર એવાં જૂથ બનાવ્યા જેમાં બૃહદ રણનીતિ, સાધન-સુવિધા, ક્વોરન્ટાઇન, કોન્ટેક્ટ ટ્રેસિંગ જેવી અનેક બાબતોને સમાવી હતી. અમે સારાં અધિકારીઓને પસંદ કર્યા અને યોગ્ય ભૂમિકા આપી. ઉપરાંત, રાજ્યભરમાં અમે ટ્રેનિંગ પણ શરૂ કરાવી. કોરોના વાઇરસ ફ્લાઇટમાંથી આવશે તો આપણે શું કરીશું? તે સંદર્ભે અમારી તમામ તૈયારીઓ ચાલી રહી હતી. જોકે ઘણાં લોકો અમારી મજાક કરી રહ્યા હતા. કારણ કે તે વખતે ચીનમાં આવો વાઇરસ પ્રસર્યો છે તેની વાત કોઈએ સાંભળી નહોતી. કોઈને એમ લાગતું નહોતું કે આ વાઇરસ કોઈ સમસ્યા બનશે. તે વખતે અમને એવું ઘણું સાંભળવા મળ્યુ કે, ‘કેમ તમે વધુ પડતાં ઓવરરીએક્ટ કરો છો?’, ‘તમે આ બધું પોતાના પર ધ્યાન ખેંચવા કરી રહ્યાં છો?’, ‘જ્યારે કોરોનાના કેસ આવશે ત્યારે આપણે તેની સાથે નિપટી લઈશું, અત્યારે તેના વિશે પ્રચાર કરવાનો શો અર્થ?’ જોકે અમે કશુંય કાને ન ધર્યું અને અમે જે વિચારી રહ્યા હતા; તે બધું જ અમલમાં મૂક્યું.”
“26 જાન્યુઆરી આવતાં સુધીમાં તો કેરળ સ્વાસ્થ્ય વિભાગ કોરોના વાઇરસ સંબંધિત ગાઇડલાઇન પણ જાહેર કરી ચૂક્યું હતું. જેમાં કોરોના વાઇરસ અંગેની તમામ વિગત હતી, તેના સામેની રક્ષણ સુધ્ધાની. આ ડોક્યુમેન્ટમાં અમે સેમ્પલ કલેક્શન માટે સેફટી પ્રોટોકોલ્સ, હોસ્પિટલમાં દાખલ થતાં પૂર્વેની તૈયારી, સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ ગાઇડલાઇન્સ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ, હોમ આઇસોલેશન જેવી અનેક બાબતો નિર્ધારીત કરી હતી. ઉપરાંત જે પ્રવાસીઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા તેમના માટે રોજના સ્વાસ્થ્ય અપટેડની વિગત પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી હતી. આ વખતે ગ્લાસ અડધા ભરેલો છે કે ખાલી તેવો ઘાટ હતો. અમને કાં તો ભવિષ્યવેતા કહી શકો કે પછી ભય પામેલાં. જોકે દેશભરમાં અમે સૌપ્રથમ હતા જેમની પાસે કોરોના સામે લડવા માટે એક સક્ષમ પ્લાન તૈયાર હતો.”
કોરોનાના લાંબા દોરમાં લાખોની જાનહાનિ થયા છતાં આજે તેનો બોધપાઠ લેવાનું ભૂલીને આપણે ફરી એ જ જીવનશૈલી પર આવી ચૂક્યા છીએ. તેમાં કોઈ સાવચેતી કે તૈયારી દેખાતી નથી. પરંતુ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કે. કે. શૈલજાએ કરેલાં આયોજન પછીથી ખૂબ કામે લાગ્યા. આ વિશે કે. કે. શૈલજા : “27 જાન્યુઆરીના રોજ કોચી એરપોર્ટ પર એક પેસેન્જર ફ્લાઈટ આવી. અમે જાણતાં હતા કે ફ્લાઈટમાં વુહાનથી આવી રહેલાં કેટલાંક મેડિકલના વિદ્યાર્થીઓ છે. એરપોર્ટનો વિસ્તાર ‘એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા’ના અંતર્ગત આવે છે. અને કેન્દ્રએ હજુ સુધી તે વિશે કોઈ પગલાં લીધા નહોતા; તેથી અમે એરપોર્ટની અંદર પેસેન્જરની માહિતી લઈ શકવાના નહોતા. પણ પેસેન્જર બહાર આવે ત્યારે જરૂર તેમની તપાસ કરી શકીએ. અમે તે સૌ પેસેન્જરોની તપાસ કરાવી અને ક્વારન્ટાઇન રાખ્યા. 30 જાન્યુઆરી 7 વાગ્યે મને ફોન આવ્યો. તે ફોન થ્રિસુરના ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર ડૉ. રીનાનો હતો. તેમણે મને કહ્યું કે, ‘મેડમ, એક સેમ્પલનું પરિણામ કોરોના વાઇરસ સંક્રમિત આવ્યું છે.’ હું એક કાર્યક્રમમાં હતી. મેં મુખ્યમંત્રી પિનારાયી વિજયનને આ વાત જણાવી અને તુરંત થ્રિસુર જવા નીકળી. ખૂબ મુશ્કેલી વેઠીને અમે સ્વાસ્થ્ય વિભાગના કેટલાંક અધિકારીઓ સાથે થ્રિસૂર પહોંચ્યા અને ત્યાં અમે રાત્રે બેઠક કરી. તેમાં સાઠ લોકો હાજર હતા. અમે નિપાહ વાઇરસ સાથે સફળતાપૂર્વક લડી ચૂક્યા હતા તેથી અમને કોરોના વાઇરસમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેનો જરાસખો ખ્યાલ હતો. જોકે આ વાઇરસ ઝડપથી સંક્રમિત કરતો હતો. મારી ટીમ નિપાહના સમય ગાળા કરતાં આ વખતે વધુ વિશ્વાસ ધરાવતી હતી. અમે એક એક્સપર્ટ ગ્રૂપ પણ તૈયાર કર્યું. જોકે તેમ છતાં એવો ખ્યાલ આવ્યો કે નિપાહ માત્ર બીમારીના લક્ષણો ધરાવતાં દરદીઓમાંથી જ પ્રસરતો હતો, જ્યારે કોરોના અસિમ્પટમેટિક લોકોથી પણ પ્રસરતો હતો”
સ્વાસ્થમંત્રી કે. કે. શૈલજા પોતાના કોરોનાના અનુભવ લખી શક્યા એ મોટો પડકાર છે, કારણ કે દેશના ઘણાં રાજ્યના સ્વાસ્થમંત્રી કોરોનાના અનુભવ વિશે લખી શકે એમ નથી. કારણ કે તેમાં મૃતદેહના આંકડાને લઈને પણ પ્રશ્નો ઉઠ્યા હતા અને સ્વાસ્થ્ય મંત્રી તરીકે તે બાબતે પણ કોઈને કોઈ સ્પષ્ટતા કરવાની રહે, જે સાહસ અત્યારે તો ભાગ્યે જ કોઈ દેખાડી શકે એમ લાગે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796