Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદઃ યુવતીએ કહ્યું એક છોકરો હેરાન કરે છે, પિતા અને પિતરાઈ ભાઈ...

અમદાવાદઃ યુવતીએ કહ્યું એક છોકરો હેરાન કરે છે, પિતા અને પિતરાઈ ભાઈ ઠપકો આપવા જતા વાગ્યા છરીના ઘા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં દીકરીની છેડતી બાબતે ખુનીખેલ ખેલાયો હતો. છેડતી કરનારને ઠપકો આપવા જતા પિતા અને પિતરાઈ ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન પિતરાઈ ભાઈનું મોત નિપજ્યું છે. શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થતી ઘટના સામે આવી છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વિજય દંતાણી રીક્ષા ચલાવીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. રાત્રીના સમય દરમિયાન તેમણે ઘરે પહોંચ્યા હતા. ત્યારે તેમની પત્ની પુષ્પાએ જણાવ્યું હતું કે, અજય દંતાણી નામનો વ્યક્તિ અવારનવાર આપણી દીકરીને હેરાન કરી રહ્યો છે, તેની પર નજર બગાડે છે, પાછળ પાછળ આવે છે. જેથી વિજય તેમની પત્ની અને તેમનો ભત્રીજો અજયને સમજાવવા માટે ગયા હતા.

- Advertisement -

આ દરમિયાન અજય તેના મિત્રો સાથે ઊભો હતો. દીકરીને છેડતી બાબતે ઠપકો આપતા ઉગ્ર બોલાચાલી થઈ જતા અજય ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. અજયએ દીકરીના પિતાને પેટમાં છરીનો ઘા મારી દીધો હતો. ઉપરાંત અજયના મિત્રોએ ભત્રીજા અનિલને પણ પેટમાં છરીનો ઘા મારી દીધો હતો. બંને લોહીલુહાણ થઈ જતા અજય અને તેના મિત્રો ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ જતા વિજય અને અનિલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા વિજયએ અજય અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. બીજી બાજુ અનિલનું સારવાર દરમિયાન મોત થઈ જતા પોલીસે હત્યાની કલમ ઉમેરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular