પશ્ચિમના દેશો ઉગ્ર વેપાર નિયંત્રણો લાદશે તો પૂતીન ઉર્જાનો પણ એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરશે
ભારતીય રિફાઇનરીઓએ વધુ જહાજી નૂર ચૂકવવા પડતાં હોઇ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વર્ષના બાકીના સમયમાં જો ફુગાવો નિયંત્રણ નહીં આવે તો અમેરિકન ફેડરલ રિઝર્વ પોતાની નાણાનીતિને વધુ કડક બનાવશે, સાથે જ ૦.૭૫ ટકાનો વ્યાજદર વધારો કરતાં ઊર્જા બજારનો આંતર પ્રવાહ નકારાત્મક થઈ ગયો છે. ત્રીજી વખતના આ વ્યાજ વધારાથી ક્રૂડ ઓઇલની માંગ અસ્તવ્યસ્ત થઈ જવાનો ભય પેદા થયો છે. યૂરોપમાં ઊર્જા માંગમાં ઘટાડો જોતાં, આર્થિક મંદીનો પ્રભાવ ઉગ્ર બનશે. અલબત્ત, પૂર્વ યુક્રેનમાં બોગસ જનમત સંગ્રહ કરાવીને રશિયન પ્રમુખ પુતિને આંશિક અણુયુદ્ધની ધમકી આપતા, બજારમાં ઉપલબ્ધ પુરવઠાની ચિંતાઓ પણ વધી છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને ડબલ્યુટીઆઈ નવેમ્બર વાયદો અનુક્રમે પ્રતિ બેરલ ૮૯.૩૦ ડોલર અને ૮૨.૮૫ ડોલર બોલાયા હતા.
જો આવું થાય તો રાશિયામાંથી પ્રવાહિત થતાં ઓઇલ પુરવઠાના દુષ્પરિણામો જગતને ભોગવવાના આવશે. આ સ્થિતિમાં જો પશ્ચિમના દેશો વધુ ઉગ્ર વેપાર નિયંત્રણો લાદશે તો, પૂતીન ઉર્જાને પણ એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરતાં આચકાશે નહીં. આ સ્થિતિમાં જો ઓપેક ભાગીદાર રશિયા સંદર્ભે આફ્રિકન ઉત્પાદકો કે ચીન જો કોઈ દિશાનિર્દેશ નહીં આપે તો બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલના ભાવ સતત ત્રીજા મહિને ઘટવા તરફ અગ્રેસર છે.
આ બધા વચ્ચે આશ્ચર્યની વાત તો એ છે કે ઓપેક પ્લસ ગ્રુપે એક નિવેદનમાં કહ્યું હતું કે ૨૦૨૩માં ક્રૂડ ઓઇલની માંગ, કોરોના મહામારી પૂર્વેની જેમ વૃધ્ધિ પામશે. દરમિયાન, ચીન તેની પેટ્રોલિયમ નિકાસ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવાની સંભાવના જોતાં, કેટલીક રિફાયનરીઓ ઓક્ટોબરથી વધુ ક્ષમતાએ ઉત્પાદન કરવા પ્રવૃત્ત થઈ છે, જેના થકી ક્રૂડ ઓઇલની માંગ વધી શકે છે. સિટી ગ્રુપ એનાલિસ્ટ કહે છે કે ચીન સહિત જગતભરમાં અર્થતંત્રનું ચિત્ર ધૂંધળું હોવાથી ક્રૂડ ઓઇલમાં વેચવાલીની સંભાવના જોતાં ભાવ ઘટી શકે છે.
યુએસ પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ કહે છે કે ૧૬ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકામાં ક્રૂડ ઓઇલ સ્ટોકમાં વૃધ્ધિ, તેની અગાઉના સપ્તાહની ૬૦.૩૫ લાખ બેરલની તુલનાએ માત્ર ૧૦.૩૫ લાખ બેરલ થઈ શકી હતી. અલબત્ત, એનાલીસ્ટોનું માનવું હતું કે ૨૩.૨૧ લાખ બેરલ સ્ટોક વૃધ્ધિ થશે. જો કે યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનો સાપ્તાહિક નિકાસ અહેવાલ કહે છે કે પાછલા સપ્તાહમાં કોમર્સિયલ ઇંવેનટરીઝ વૃધ્ધિ ૧૧.૪૦ લાખ બેરલ થઈ હતી.
અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વના આંકડા કહે છે કે ક્રૂડ ઓઇલના સ્ટોકમાં કૂલ ઘટડો ૫૭.૬ લાખ બેરલનો થયો હતો. આનો અર્થ એ થાય કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી આ વર્ષે કમર્સિયલ પુરવઠો ફાળવવાનું મર્યાદિત થશે. આ તરફ ડોલરનું મૂલ્ય વધી રહ્યું છે, એ જોતાં અન્ય કરન્સીમાં ક્રૂડ ખરીદવું વધુ મોંઘું થઈ પડશે, જે માંગ અને ભાવમાં ઘટાડો નોતરશે. ૬ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ ૨૦ વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. વર્તમાન વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ અનાપસનાપ જોવા મળી છે, પરિણામે પેટ્રોલ પંપ પરના ગ્રાહકોને ખૂબ ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે.
આ તરફ ભારતીય રિફાઇનરીઓએ વધુ પડતાં જહાજી નૂર ચૂકવવા પડતાં હોઇ રશિયન ઇએસપીઓ (ઈસ્ટર્ન સાઈબઇરિયા પેસિફિક ઓસન) આ મહિનાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું છે. આને બદલે હવે તેઓ આફ્રિકા અને મધ્યપૂર્વના દેશો તરફ વળ્યા છે. ઉધ્યોગના સૂત્રો કહે છે કે રશિયાથી થતી ક્રૂડ ઓઇલ આયાત જૂન મહિનાથી ૨૫ ટકા ઘટી ત્યાર પછીના બે મહિનામાં વધુ ઘટી ગઈ હતી. નૂર દરને લીધે યુએઇ જેવા દેશ કરતાં રશિયન ઓઇલ આયાત બેરલ દીઠ પાંચથી ૭ ડોલર મોંઘી પડી રહી છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








