Friday, December 1, 2023
HomeGujaratમુંબઈના અધિકારીઓએ એવું તો શું કર્યું કે કોરોનાદરદીઓને મોતથી બચાવી શકાયા...!

મુંબઈના અધિકારીઓએ એવું તો શું કર્યું કે કોરોનાદરદીઓને મોતથી બચાવી શકાયા…!

- Advertisement -

કોવિડ કટોકટી અંગે હાલમાં ‘મુંબઈ કોવિડ મોડલ’ની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન મુંબઈ બૃહદ્ કૉર્પોરેશન દ્વારા થયેલા ઑક્સિજનના મૅનેજમેન્ટની પ્રશંસા સુપ્રિમ કૉર્ટે પણ કરી છે. દેશની અન્ય પાલિકાએ તે મોડલથી શીખે, તેવી પણ ટકોર સુપ્રિમે કરી છે. મુંબઈમાં થયેલાં સચોટ આયોજનથી શહેરમાં કોરોનાનો મૃત્યુદર 0.6 સુધી રાખી શકાયો છે; વિશ્વમાં કોરોનાનો આ ન્યૂનત્તમ મૃત્યુદર છે! મે 2020માં જ્યારે દેશના કુલ કેસમાં મુંબઈની ટકાવારી 20 ટકા સુધી પહોંચી હતી, તે બીજા વેવમાં એક ટકા સુધી અટકાવી શકાઈ! દેશનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર ઑક્સિજનની અછત વિના સૅકન્ડ વૅવ પસાર કરી શક્યું. 10 એપ્રિલના રોજ મુંબઈમાં જ માત્ર એક્ટિવ કેસની સંખ્યા 92,464 સુધી પહોંચી ચૂકી હતી અને 10 મે આવતા સુધી અડધી કેસને 45,534 સુધી લાવી શકાયા. અન્ય રાજ્યો અને શહેરોના મુકાબલે મુંબઈમાં કોરોના દરદીઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવા મળી અને અહીંયા ઑક્સિજનની અછત પણ ઊભી થઈ નથી.

- Advertisement -

Advertisement
સમગ્ર દેશમાં ઑક્સિજનની મારામારી હતી. ગુજરાત જેવું ઔદ્યોગિક અને વિકસિત રાજ્ય પણ ઑક્સિજનની અછત સામે લડી રહ્યું હતું; ત્યારે મુંબઈ તેના પ્રજાને સાચવી શક્યું. આમ થઈ શક્યું તેનો જવાબ આયોજન તો છે જ; પણ આ જવાબના વધુ પડતાલમાં જઈએ એટલે આયોજન કરનારા નિષ્ઠાવાન અધિકારીઓના નામો પણ સામે આવે છે. તેઓ પ્રથમ લહેરમાં જ પારખી ચૂક્યા હતા કે કોરોનાની સારવારમાં ઑક્સિજનની ભૂમિકા અગત્યની છે અને શક્ય એટલી ઝડપે તેની ઑક્સિજનની પૂરતી તૈયારી કરી લેવી જોઈએ. આમાંનું એક નામ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ કાકાણી હતું. તેઓ જાણી ચૂક્યા હતા કે જો ઑક્સિજન નિરંતર ન રહે તો તેનીઅસર સપ્લાઈ પર થશે. આ મર્યાદાને દુરસ્ત કરવાની સૌપ્રથમ કામગીરી આરંભી અને સિલિન્ડર આધારીત ઑક્સિજનની વ્યવસ્થાને પાઇપ આધારીત ઑક્સિજન વ્યવસ્થા પર લઈ ગયા. સિલિન્ડરના ઉપયોગથી વૅસ્ટેજ વધુ હતો, અને તેથી મુંબઈના મોટા કોવિડ સેન્ટરો પર પૂરી વ્યવસ્થા પાઇપ આધારીત કરી દેવામાં આવી. જોકે સિલિન્ડરને પૂર્ણ રીતે હટાવવાનો તો સવાલ જ નહોતો, ઘણી એવી હોસ્પિટલ હતી જ્યાં ઇમરજન્સી ઉપયોગ માટે સિલિન્ડરની આવશ્યકતા હતી. ઑક્સિજનની દુરસ્ત વ્યવસ્થા કરી પછી તેનું મૅનેજમેન્ટ થાય તે માટેનો સવાલ હતો. આ માટે ‘ઑક્સિજન નર્સ’ને જવાબદારી સોંપી. કોવિડ વૉર્ડમાં તેમની જવાબદારી માત્ર દરદીઓનું ઑક્સિજન લેવલ 96 સુધી મેઇન્ટેન કરી રાખવાની હતી. માર્ચમાં જ્યારે કોરોનાના કેસ વધ્યા ત્યારે પ્રતિ દરદી ઑક્સિજનની ખપત છ કિલોગ્રામ હતી, જેને એપ્રિલ આવતાં સુધીમાં 4.2 કિલોગ્રામ સુધી લાવી શકાઈ. કટોકટીના પળમાં આવી નાની-નાની બાબતોથી પરિણામ કેટલું સારું લાવી શકાય છે, મુંબઈના કોવિડ સેન્ટર તેના ઉદાહરણ બન્યા છે.

- Advertisement -

મુંબઈ કોર્પોરેશનમાં સૌથી અગત્યનું પાસું એ રહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલનું આયોજન એક સાથે ચાલતું રહ્યું. ખાનગી હોસ્પિટલને તેના ભરોસે ન છોડી દેવામાં આવ્યા, તે હોસ્પિટલોને પણ આ આયોજનમાં સામેલ કરવામાં આવી. અહીંયા પણ પ્રશ્ન ઑક્સિજનનો હતો. તે માટે ખાનગી હોસ્પિટલને પહેલાં તો 20 ટકા ઑક્સિજનનો જથ્થો રિઝર્વ રાખવાનું કહેવામાં આવ્યું અને જો કોઈ ક્રાઇસિસ ઊભી થાય તો તેઓને ઑક્સિજન પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી. આનાથી વિશ્વાસનું વાતાવરણ નિર્માયું અને તેનું પરિણામે વધુને વધુ લોકોની જીવ બચાવી શકાયો.

Advertisement

- Advertisement -

કોરોનાથી નિર્માયેલી સ્થિતિથી એટલું તો નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે આની સામે લડવા માટે માત્ર ઇલાજ સારી રીતે થાય તેટલું પૂરતું નથી. એક્સપર્ટ ડૉક્ટર્સનું માર્ગદર્શન પણ ગંભીર પરિસ્થિતિને થાળે પાડવા માટે જરૂરી હતું. આ કારણે ડૉક્ટર્સના ટ્રેઇનિંગ સેશન રાખવામાં આવ્યા, શક્ય એટલાં પેરામેડિકલ સ્ટાફને વધુ સજ્જ બનાવવાનો પ્રયાસ થયો. આ કારણે પણ લોકોના જીવ બચાવી શકાયા. આ ટ્રેઇનિંગમાં મુખ્ય ઑક્સિજનનું મૅનેજમેન્ટ હતું, જે શક્ય એટલાં વધુ લોકો કરી શકે. ઉપરાંત, ટ્રેઇનિંગમાં દરદીને ઑક્સિજન વિના રહી શકવાના સ્ટેજમાં કેટલાં ઝડપથી લાવી શકાય, તેની કેટલીક ચાવી હતી. ડૉક્ટર્સને એવી પણ સલાહ અપાઈ કે દરદીઓની ક્ષમતા વધ તે માટેના પ્રયાસ થાય. આ માટે પાંચ મિનિટનું વૉક ટેસ્ટ કારગર સાબિત થયું, જે કારણે દરદીઓનો ડિસ્ચાર્જ રેટ વધ્યો, અને અલ્ટીમેટલી હોસ્પિટલનું ભારણ ઘટ્યું.

મુંબઈ કોવિડ મોડલમાં એક અન્ય અધિકારીનું નામ સર્વત્ર સંભળાઈ રહ્યું છે તે મુંબઈ કોર્પોરેશનના કમિશ્નર ઇકબાલસિંહ ચહલનું છે. ઇકબાલસિંઘે એક નિવેદનમાં કહ્યું છે કે, કોવિડ આયોજનમાં તેમનો ઉદ્દેશ શહેરનું વિકેન્દ્રિકરણ કરવાનું રહ્યું. આ માટે તેમના અંતર્ગત 24 વૉર્ડ સ્તરના વૉર રૂમ નિર્માણ કરવામાં આવ્યા. આમાં મુખ્યત્વે જે કાર્ય થયું તે દરદીઓને બેડ ઉપલબ્ધ કરાવવાનું હતું. આ જ વૉર રૂમ દ્વારા પૂરા મુંબઈમાં કોરોની સ્થિતિ શું છે તેની પર દેખરેખ રાખવાનું પણ કાર્ય થયું.

Advertisement
મુંબઈ કોર્પોરેશનની જે તૈયારી હતી, 16 એપ્રિલના રાતરે તેની કસોટી પણ થઈ ગઈ અને તેને તેઓ પાર પાડી શક્યા. બન્યું હતું એમ કે 16 એપ્રિલના રોજ રાતરે ખામી સર્જાતાં એવી જાણકારી કમિશ્નર ઇકબાલસિંહને મળી કે કોર્પોરેશન અંતર્ગત આવતી છ હોસ્પિટલમાં ઑક્સિજનની કમી સર્જાય તેવી શક્યતા છે. અને તે કારણે 168 દરદીઓનાજીવ જોખમમાં આવી શકે છે. આ ખબર જેવી ઇકબાલસિંહ ચહલ સુધી પહોંચી એટલે તેમણે આ મામલો રાતરે એક વાગ્યે હાથમાં લીધો. જે આયોજન કર્યું હતું તે મુજબ હવે અમલ કરવાનો હતો. મુંબઈ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ રાતભર કવાયત કરીને 168 દરદીઓને કાર્ડિઆક એમ્બ્યુલન્સ દ્વારા શહેરની જુદી જુદી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. આ ઑપરેશન પૂરું થયું ત્યાં સુધી સવારના પાંચ વાગી ચૂક્યા હતા અને તમામ દરદીઓ સુરક્ષિત હોસ્પિટલમાં બેડ મળી ચૂક્યા હતા. અને તેમાંથી એક પણ દરદીનું મૃત્યુ ન થયું. આટલી વસતી અને કોરોનાના સૌથી વધુ દરદીઓને યોગ્ય રીતે મૅનેજ કરવાનું સંભવત્ વિશ્વમાં માત્ર મુંબઈમાં થયું હશે. 16 એપ્રિલના રાતરે આ કામ પૂરું થયું અને બીજા દિવસે કમિશ્નર ઇકબાલસિંહ ચહલસમયસર રૂટીન મિટિંગ લેવા હાજર હતા.1989ના બેચના આઇએએસ ઇકબાલસિંહ ચહલ‘ટફ ઇકબાલસિંહ ચહલ એડમિનિસ્ટ્રેટર’ તરીકે જાણીતા છે અને તેમના નેજા હેઠળ કોવિડના મામલે મુંબઈને શક્ય એટલું તેઓ સુરક્ષિત રાખી શક્યા છે.

આ ઉપરાંત કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રોજેક્ટ દ્વારા પણ તેઓ હાઇ રિસ્ક પેશન્ટને ઓળખી શક્યા છે. માઇક્રોમૅનેજમેન્ટ દ્વારા તે શક્ય બન્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈ કોર્પોરેશનના કર્મચારીઓ શહેરમાં 2300 કન્ટેઇનમેન્ટમાં આવેલા દરદીઓને સમયસર દવા અને મેડિકલ સુવિધા પહોંચાડી શક્યા. ગત્ વર્ષે પણ તે જ કારણે કોરોના કેસીસને ઝડપથી ઘટાડી શકાયા હતા. જુલાઈ, 2020માં જ શહેરની હોસ્પિટલમાં દરદીઓનું એલોકેશનની પૂરી પ્રક્રિયા કોર્પોરેશનને પોતાના અંતર્ગત લીધી હતી. અને ઇકબાલસિંઘનું કહેવું છે એ જ કારણે મુંબઈ દેશનું પ્રથમ અને સંભવત્ એક માત્ર એવું શહેર હશે જ્યાં કોરોના દરદીઓને સીધા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં નહોતા. મુંબઈ કોર્પોરેશનની સિસ્ટમ મુજબ જ્યારે દરદી હોસ્પિટાઈલેજશન માટે અરજી કરે ત્યારે કોર્પોરેશનના ડૉક્ટર્સની રિવ્યૂ કમિટિ તે દરદીને દાખલ કરવો કે નહીં તેનોનિર્ણય લેતી. આ રિવ્યૂ સિસ્ટમના કારણે જ એક પણ દરદી એવો નહોતો જેને ઑક્સિજનની જરૂર હોય અને ના મળ્યું હોય. અને સાથે કોઈ બિનજરૂરી બૅડની ફાળવણી પણ ન થઈ.

Advertisement

ઇકબાલસિંહ ચહલ અને તેમના સહયોગી અધિકારીઓએ પ્રથમ વૅવમાં જે સ્થિતિ ઊભી થઈ તેનો અનુભવ મેળવીને કામ કર્યું. અને એ જ કારણે મુંબઈમાં પ્રથમ વેવમાં ઊભા કરવામાં આવેલા મોટા કોવિડ સેન્ટરોના જ્યારે કેસ ઘટ્યા ત્યારે તે સેન્ટરોને બંદ કરવાનું દબાણ થયું, પરંતુ તેઓએ તેમ ન કર્યું અને સેન્ટરોને કાર્યરત રહેવા દીધા. આ તો જે મુદ્દા મીડિયામાં આવ્યા છે તે છે. આ ઉપરાંત પણ ગ્રાઉન્ડ પર આયોજન સ્તરે એવું ઘણું બધું બન્યું જેની હાલમાં ઝીણવટભરી વિગત પ્રકાશમાં આવી નથી. આ પ્રકારનું કાર્ય જોઈને બેશક એવું થાય કે કેમ આપણાં રાજ્યમાં આમ ન થઈ શક્યું. આ પ્રકારનું કાર્ય કરવા પ્રથમ વેવમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પગલાં લીધા હતા, પરંતુ તેમનું કાર્ય બિરદાવાના બદલે તેમની બદલી કરી દેવામાં આવી. પ્રજાલક્ષી કામ કેવી રીતે થઈ શકે તે મુંબઈના કોવિડ મોડલ અને તે લાગૂ કરનારાં અધિકારી-આગેવાનોએ સાબિત કરી આપ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular