બજારનો આંતરપ્રવાહ જોઈએ તો સોનામાં લાંબાગાળાની તેજી ભરી પડી છે
યુએસ ફેડ આ વર્ષે મોડેથી વ્યાજ કપાતનું વિચારી શકે: સોના માટે આ સારા સમાચાર હશે
અર્થતંત્રના સિદ્ધાંતો હંમેશા સીધા સીધા નથી ચાલતા ક્યારેક સીધા સીધા આડા ચાલતા હોય છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): મોમેન્ટમ ટ્રેડર્સ (એવા રોકાણકાર જેઓ તેજી મંદીના ફન્ડામેન્ટલ્સ સર્જાય ત્યારે બજારમાં કુદી પડે)ને અત્યારે સોના ચાંદીમાં તેજી ધ્યાને સોદા કરવાની કોઈ ઉતાવળ નથી, તેઓ બજારથી સાઈડ લાઈન થયા છે. આથીજ છેલ્લા બે સપ્તાહમાં સોનામાં ગાબડું પડ્યું, પણ ભાવમાં મોટું ધોવાણ અટકી પડ્યું છે. જોખમી અસ્કયામતોમાં ભાવો ઉંચેથી પટકાયા છે, છતાં ફન્ડામેન્ટલ્સ મોમેન્ટમથી દોરવાતા, કોમોડીટી ટ્રેડીંગ એદ્વાઇઝર્સ, આક્રમક રીતે તેજીના ઓળિયા વધારવાને બદલે, સોદા પકડીને બેસી ગયા છે, નથી લેતા નથી વેચતા. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર સમજુતીએ જાગતિક બજારમાં ઉડા-ઉડ થતા ભાવો સામે રાહતનો સ્વાસ લેવાની તક મળી છે. ટૂંકમાં કહીએ તો અન્ય બજારોમાં જોખમ લેવાનું સેન્ટીમેટ સુધર્યું છે, પરિણામે બુલીયનમાં રોકાણની અપીલ ઘટી છે.
હજી તો ૬ મેના રોજ સોનાના હાજર ભાવ ૩૪૩૫ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) સર્વોચ્ચ ઉંચાઈએ હતા, અને ૧૬ મેએ તૂટીને, ૧૪ એપ્રિલના તળિયે ૩૧૨૦.૮૬ ડોલર નોંધાયા, વર્તમાન વર્ષે ભાવ ૨૧.૫ ટકા વધ્યા છે. જો બજારનો આંતરપ્રવાહ જોઈએ તો સોનામાં તેજી ભરી પડી છે. ભલે આગેવાન રોકાણકારો બજારથી સાઇડલાઇન થયા હોય. પણ ટ્રેડરો હજુ પણ મોટું જોખમ લેવાના મુડમાં છે. બુલીયનમાં લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીમય છે, જો થોડા દિવસ બજારમાં નીચે જવાનું દબાણ (બેરીશ મોમેન્ટમ) રહે તો, તેનું મને કે તમને આશ્ચર્ય નહિ થવું જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાઈ સાથે જ યુક્રેન અને રશિયા હવે લીડી લડીને થાકી ગયા છે, ગમ્મે ત્યારે કોઈક સમાધાન સધાશે. પરિણામે ભૂભૌગોલિક તાપમાન હળવું થયું છે, તે સાથે જ રોકાણકારોની સલામત રોકાણની માટેની આવશ્યકતા ઘટી છે. તમે જુઓ ભારત સહીત ખાસ કરીને અમેરિકાના ફુગાવાના એપ્રિલ આંકડા વર્ષાનું વર્ષ માત્ર ૨.૩ ટકા જ વધ્યા છે, ફુગાવાનો આ દર ૨૦૨૧ પછીનો સૌથી ઓછો છે. આનો અર્થ એ થાય કે યુએસ ફેડરલ રીઝર્વ તેના બે ટકા ફુગાવા લક્ષ્યાંક નજીક પહોચી છે. પરંપરાગત રીતે જોઈએ તો ફુગાવા સામેના રક્ષણ તરીકે સોનાને સલામત ગણવામાં આવે છે. આથી કહી શકાય કે ફૂગાવો ઘટતા સોનાના ભાવને નીચે જવાનું દબાણ સર્જી શકે છે.
જો અપણે મહિના દર મહિના ફુગાવાના આંકડા જોઈએ તો આપણી સામે વધુ સારા સમાચાર રાહ જોઇને ઉભા છે. જીવન આવશ્યક ચીજોના ભાવ માર્ચથી એપ્રિલ દરમિયાન માત્ર ૦.૨ ટકા જ વધ્યા છે. જો ફુગાવો આજ પ્રકારે ઘટતો રહે, અને તેને આર્થિક આંકડા ન્યાયિક ઠરાવે તો યુએસ ફેડ આ વર્ષે મોડેથી વ્યાજ કપાતનું વિચારી શકે છે. સોના માટે આ સારા સમાચાર હશે. નીચા વ્યાજદર ડોલરને નબળો પાડી શકે છે, પરિણામે સોનાને હોલ્ડ કરવાનો તાર્કિક ખર્ચ ઘટી શકે છે. આવા આશાવાદ વચ્ચે કેટલાંક રોકાણકારો વર્તમાન ઘટ્યા ભાવે પોતાના પોર્ટફોલિયોમાં સોનામાં વધુ જોખમ લઇ રહ્યા છે. જો વ્યાજ કપાત આવે અથવા જાગતિક ડોલર માંગમાં ઘટાડો થાય તો નબળા ડોલરની સામે છેડે સોનાને ભાવ વૃદ્ધિનો ટેકો સાંપડી શકે છે.
અહી આશ્ચર્યની વાત એ છે કે ફુગાવો ઠંડો પડી રહ્યો હોવા છતાં, વર્ષારંભથી અત્યાર સુધીમાં ભાવોએ નવા નવા વિક્રમો સર્જ્યા, સોનામાં તેજી ફાટ ફાટ થતી રહી ભાવ ૩૪૦૦ ડોલર, પહેલી વાર વટાવી ગયા. રોકાણકારોને ખોબલે ભરીને વળતર આપ્યું. પરંતુ અર્થતંત્રના સિદ્ધાંતો હંમેશા સીધા સીધા નથી ચાલતા. ક્યારેક સીધા સીધા આડા ચાલતા હોય છે. તમને સવાલ થાય કે ફુગાવો ઘટી રહ્યો છે, હવે શું? સોના અને ફુગાવાને હંમેશા આડા અને સામસામાં સમ્બંધો રહ્યા છે. સપાટી પર તમને લાગે કે તેઓ એક બીજાથી આડા ફાટે છે. પણ વાસ્તવમાં અર્થતંત્રના આંતરપ્રવાહો સોનાને જુદી જુદી રીતે મદદ કરતા હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








