અરવલ્લી(જય અમીન. નવજીવન ન્યૂઝ) : અરવલ્લી જિલ્લામાં નશાના કારોબારીઓ હવે નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે. શામળાજી નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ગલગોટાના ફૂલોની આડમાં ગાંજાનું વાવેતર થતું હોવાનો પર્દાફાશ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ કર્યો છે. હોટલના રસોડાની પાછળ ગુપ્ત રીતે કરાતી આ ખેતી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે પોલીસે હોટલ સંચાલકની ધરપકડ કરી રૂ. ૮૬,૯૦૦ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી વિગતો મુજબ, અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે કારછા ગામની સીમમાં આવેલી ‘નવજીવન હોટલ’ના સંચાલકે પોતાના કમ્પાઉન્ડમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે એસઓજીએ સ્થાનિક શામળાજી પોલીસને અંધારામાં રાખીને ઓચિંતી રેડ પાડી હતી. હોટલના રસોડાની પાછળ તપાસ કરતા ગલગોટાના છોડની વચ્ચે મોટા કદના ગાંજાના બે છોડ મળી આવ્યા હતા.
મુદ્દામાલ અને ધરપકડ: પોલીસે સ્થળ પરથી ૧.૭૩૮ કિલોગ્રામ વજનના બે લીલા છોડ (કિંમત રૂ. ૮૬,૯૦૦) જપ્ત કર્યા હતા. આ ખેતી કરનાર હોટલ સંચાલક નિમેશ ઉર્ફે લાલો કાંતિલાલ ત્રિવેદી (રહે. શ્યામ બંગ્લોઝ, શામળાજી; મૂળ રહે. ભિલોડા) ની અટકાયત કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શામળાજી પોલીસને સોંપવામાં આવી છે.
યુવાધન બરબાદીના પંથે: અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. મબલખ કમાણીની લાલચમાં લોકો હવે હોટલ જેવા જાહેર સ્થળોના કમ્પાઉન્ડમાં પણ આવું જોખમ ખેડી રહ્યા છે. બીજી તરફ, નશાના આ વધતા વ્યાપને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જે પોલીસ તંત્ર માટે મોટો પડકાર બની રહ્યું છે. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની આ સફળ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








