Friday, September 22, 2023
HomeGujaratમાણસ બદલાતો નથી, સંબંધોની પ્રાયોરીટી બદલાય છે

માણસ બદલાતો નથી, સંબંધોની પ્રાયોરીટી બદલાય છે

- Advertisement -

તમને ખબર છે નરેન્દ્ર મોદી મારી સાથે ફરતા હતા, તમને ખબર છે હું અને અમીત શાહ એક ગલ્લા ઉપર પાન ખાવા જતા હતા, તમને ખબર છે ક્રિકેટર પાર્થિવ પટેલ મારી સામે મોટો થયો છે, પણ હવે તેઓ બદલાઈ ગયા છે , આ તો ઉદાહણ રૂપ નામ છે, આપણે પોતે પણ અને આપણી આસપાસ આ પ્રકારની વાત કરનાર અનેક મિત્રો છે, જેમના મનમાં રંજ છે કે જેઓ તેમના પોતાના હતા તેઓ હવે બદલાઈ ગયા છે, આપણે જેમને વર્ષો પહેલા ઓળખતા હતા,આજે તેઓ રાજકારણમાં-ધંધામાં-કલા ક્ષેત્રે બહુ મોટા થઈ ગયા છે, આપણે પહેલા તેમને જે રીતે મળતા હતા અને આપણે જે રીતે તેમની સાથે વાત કરતા હતા તે રીતે તેઓ આપણને મળતા નથી અને પહેલા જેવી ભીનાશ સંબંધોમાં રહી નથી. તેના રંજ સાથે આપણને ગુસ્સો પણ છે એટલે જ આપણે કહીએ કે માણસ બદલાઈ ગયો છે, પણ ખરેખર માણસ બદલાઈ ગયો છે કે બીજુ કઈક છે તે અંગે આપણે વિચાર કરતા જ નથી.

આપણે જયારે કહીએ છીએ કે માણસ બદલાઈ ગયો છે ત્યારે આપણે વિચાર કરતા નથી કે આપણે પોતે પણ કેટલા બદલાઈ ગયા છે, આપણા બાળપણથી લઈ અત્યાર સુધીની સફર સુધી આપણે જાતને તપાસીએ તો આપણને પોતાને અંદાજ આવશે કે આપણે પોતે પણ 360 ડીગ્રી બદલાઈ ગયા છીએ, પરંતુ આપણા બદલની આપણે પોતે જ નોંધ લેતા નથી આપણે કાયમ બીજાના બદલની નોંધ લેતા આવ્યા છીએ, અને આપણે જેને પોતાનો ગણતા હતા તે માણસ બદલાઈ ગયો તેનું આપણને સતત દુખ રહ્યા કરે છે, પરંતુ આપણે બદલાઈ ગયા તેના કારણે આપણા કોઈ સ્વજન અને કોઈ મિત્ર પણ દુખી છે તેનો આપણને અંદાજ સુધ્ધા આવતો નથી, આપણે નાના હતા ત્યારે પ્રત્યેક વેકેશન મામા અથવા કાકાના ઘરે પસાર થતુ હતું, કયારે વેકેશન પડે તેની આપણે કાકડોળે રાહ હોતા હતા, વેકેશનમાં કાકા અને મામાના ઘરે જાણે સ્વર્ગ મળ્યુ હોય તેવો આનંદ થતો હતો.

- Advertisement -

સમય ઝડપથી પસાર થાય છે જયારે ખાસ કરી સારો સમય હોય ત્યારે, ભણવાનું પુરૂ થયુ અને કામ ધંધો ચઢી ગયા, બાળપણની તમામ બાબતો વિસરાઈ ગઈ, આજે વીક ઓફ પણ સારો જાય તો આનંદ થાય, પરંતુ જીવનના પાંચ દસ વર્ષ જે કાકા-મામાના ઘરે પસાર થયા તે આપણને ભાગ્યે જ યાદ આવે છે, પરંતુ જેમના ખોળામાં આપણે મોટા થયા તે કાકા-મામા-દાદા-દાદી અને નાના-નાની આપણને ભુલ્યા નથી, આપણે હોદ્દા અને પદથી ભલે મોટા થઈ ગયા પરંતુ તેમને મન તો હજી આપણે તેના ખોળામાં રમનાર બાળક જ છીએ, તેમણે આપણે જીદ્દ- મસ્તી અને પાગલપનને સહન કર્યુ છે, પણ આજે આપણી પાસે તેમની માટે સમય નથી, તેઓ આપણી પાસે બેસવા અને વાત કરવા માગે છે, પણ આપણી વ્યસ્તમાં આપણે તેમને સમય આપી શકતા નથી, તેમની આપણી પાસે કોઈ આર્થિક અપેક્ષા નથી , માત્ર વાત કરીએ એટલી જ અપેક્ષા છે, પણ આપણી પાસે સમય નથી,એટલે તેઓ માને છે કે આપણે બદલાઈ ગયા છીએ.

આપણે બદલાઈ ગયા છીએ, તેનો અંદાજ આપણને આવતો નથી, સ્કુલની જીંદગીમાં જે મિત્ર આપણને ખુબ ગમતો હતો, જેના વગર આપણને ચાલશે જ નહીં તેવુ આપણે માનતા હતા, પણ હવે આપણને તેના વગર ચાલે છે, કારણ સમયની ઝડપ સાથે આપણે આગળ વધી ગયા છીએ , તે જ મિત્ર આપણે જયારે મળે ત્યારે પહેલા જેવે ઉમળકાનો અભાવ આપણામાં તે નોંધે છે, તેને પણ લાગે છે કે આપણે બદલાઈ ગયા છીએ,આવુ આપણા દરેકના જીવનમાં થાય છે કયારે આપણે માનીએ છીએ કે આપણો માણસ બદલાઈ ગયો છે,કયારેક આપણને પોતાના સમજનાર માને છે કે આપણે બદલાઈ ગયા છીએ, પણ માણસનું બદલાવુ કુદરતનો ક્રમ છે, જેને આપણે સહજ રીતે સ્વીકારી લેવુ જોઈએ, તેમાં કઈ ખોટુ પણ નથી, જે માણસ સમય સાથે બદલાતો નથી, તેનો વર્તમાન ત્યાં જ અટકી જાય છે.

ખરેખર માણસ બદલાતો નથી, સંબંધોની પ્રાયોરીટી બદલાય છે, બાળક નાનું હોય ત્યારે તેની પ્રાયોરીટી માત્ર તેના માતા પિતા હોય છે, પરંતુ બાળક મોટુ થાય ત્યાર પછી તેના જીવનમાં અનેક પાત્રો ઉમેરતા જાય છે, જેમ જેમ આપણા જીવનમાં નવા પાત્રો ઉમેરાતા જાય છે તેમ તેમ જુના સંબંધોનો અધિકાર ઓછો થતો નથી, પરંતુ આપણે તેમને અધિકાર કરવાનો હક્ક ઘટાડતા જઈએ છીએ, આપણે આપણા જીવનમાં આવતા નવા પાત્રોને એટલુ મહત્વ આપી છીએ કે કયારેક આપણા મિત્ર અને સ્વજન પણ આપણા માટે કેટલા ખાસ હતા તે ખુદ આપણે પોતે જ ભુલી જઈએ છીએ, બહુ ઓછા લોકો પોતાના ભુતકાળને યાદ રાખે છે, પરંતુ બહુધા આપણે આપણા ભુતકાળથી રાજી હોતા નથી, ખરેખર માણસ બદલાતો નથી, માણસ સંબંધોની પ્રાયોરીટી બદલતો રહે છે, જેના કારણે જુના સંબંધો માને છે કે માણસ બદલાયો છે, ખરેખર માણસો બદલાઈ ગયા છે તેવી ફરિયાદ તો જેઓ પોતાની જાતથી ખુશ નથી તેવા લોકો કરતા હોય છે..

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular