એક દીકરી જ્યારે તેના પિતાને કહે છે કે પપ્પા મારે પણ બીજા બાળકોની સાથે રમવા જવું છે ત્યારે એક પિતા પાસે પોતાની દીકરીને આપવા માટે કોઈ જવાબ નથી.
૪ વર્ષની અર્શિયા એક અસામાન્ય બીમારીથી પીડિત છે. જેનું નામ છે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી. આ બીમારી સામાન્ય રીતે નાના બાળકોમાં જોવા મળતી હોય છે. અર્શિયા આ બીમારીના કારણે ઊભી રહી શકતી નથી બેસવા માટે પણ તેને ટેકાની જરૂર પડે છે. ૪ વર્ષની ઉંમરે પણ તે જાતે ખાવા પીવાનું પણ કરી શકતી નથી. અર્શિયા ૧૪ મહિનાની હતી ત્યાં સુધી સામાન્ય બાળકોની જેમ જ રમતી હતી. ત્યાર બાદ આ બિમારીની અસર શરૂ થઈ.
અર્શિયાના પિતા એક શિક્ષક છે. જ્યારે પોતાની દીકરીની આ બિમારીની તેમને જાણ થઈ ત્યારે તમનું મનોબળ ડગી ગયું. કારણ કે આ બીમારી માટે હાલ ભારતમાં કોઈ દવા ઉપલબ્ધ નથી. અમેરિકામાં તેની દવા મળે છે પણ તે અત્યંત ખર્ચાળ છે જે એક સામાન્ય માણસ માટે શક્ય નથી. આ દવાનો ખર્ચ ૨-૫ લાખ રૂપિયા નથી પણ ૧૬ કરોડ રૂપિયા છે. એક સામાન્ય શિક્ષક માટે આ રકમ ભેગી કરવી લગભગ અશક્ય છે.
૪ વર્ષની અર્શિયા ખૂબ જ હોશિયાર અને પોતાની વાતોથી સામે વાળાનું દિલ જીતી લે એવી બાળકી છે. તેને જોતા કોઈ એવું ના લાગે કે આ બાળકીને આવી કોઈ બીમારી હશે. તેના પિતા હમાયું જણાવે છે કે અર્શિયા ઉંમર વધતાં બીજા બાળકોને જોઈ ને એમને સવાલ કરે છે કે પપ્પા દીદી અને બીજા બાળકોની જેમ હું કેમ બહાર રમવા નથી જઈ શકતી. મને કેમ શાળાએ ભણવા માટે નથી જવા દેતા. આ બાળકી જ્યારે આવા સવાલો કરે છે ત્યારે અમારી આંખમાં આંસુ આવી જાય છે.
હાલ આ બીમારીનો ભારતમાં કોઈ ઈલાજ ન હોવાને કારણે તેને માત્ર કસરત કરવામાં આવે છે જેના લીધે આ બીમારી તેના શરીરમાં વધુ વકરે નહિ. કસરત કરવાનો રોજનો અંદાજિત ખર્ચ ૪૦૦ રૂપિયા થાય છે. અર્શિયાના માતા-પિતાનું કેહવું છે કે બહારના દેશમાં આ બિમારીની દવા ખૂબ જ મોંઘી છે જે પરવળે તેમ નથી. તેથી ભારત સરકાર અને વૈજ્ઞાનિકોને વિનંતી છે કે તેમણે આ બીમારી માટેની દવા આપણા દેશમાં જ વિકસાવે અને કે સામાન્ય લોકોને પરવળે તેવી હોય. હાલ દેશમાં આવા હજારો બાળકો છે અને ગુજરાતમાં જ આવા ૮ થી ૧૦ બાળકો છે જે આ બિમારીથી પીડાય છે. યોગ્ય સમયે જો તેમને સારવાર ન મળે તો તેમને જીવ પણ ગુમાવવાનો થઈ શકે છે.
અર્શિયાને પોતાને સજા થવાની અત્યંત ઈચ્છા છે. તે ચાલી નથી શકતી પરંતુ પગથી ઘસડાઈને પણ ચાલવાનો પ્રયત્ન કરે છે. દરરોજ ખુદા સામે હાથ ઊંચા કરીને દુઆ માંગે છે. દવાનો ખર્ચ ભેગો કરવા માટે તેના પિતા પણ પબ્લિક ફંડિંગ એકઠી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અર્શિયાને મદદ કરવા માટે તેના પિતા હુમાયુ નો નંબર 9898304782 છે.