હરિયાણા સ્થિત અશોક યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા વિજય સિતાપતી ભારતીય રાજનીતિના હસ્તીઓ પર ઊંડાણપૂર્વક કામ કરવા ટેવાયેલા છે. વી. પી. નરસિંહરાવનું ‘હાફ લાયન’ નામનું તેમનું પુસ્તક પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવના પૂરા જીવનને ભારતીય રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. હાલમાં વિજય સિતાપતીનું ‘જુગલબંદી’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ જુગલબંદી છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ ઉપ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના વચ્ચેની. ભાજપ પક્ષનો જે દબદબો આજે દેશમાં પ્રસર્યો છે અને તેઓ અભૂતપૂર્વ રીતે ચૂંટણીઓ જીતી રહ્યા છે તે પક્ષની નીંવ મૂકવાનું કાર્ય વાજપેયી-અડવાણી દ્વારા થયું છે. અને એટલે જ જુગલબંદી પુસ્તકનું પૂરું ટાઇટલ છે : ‘જુગલબંદી : ભાજપા મોદી યુગ સે પહલે’.
ભારતીય રાજનીતિમાં વર્તમાન સમય ‘મોદીયુગ’થી ઓળખાય છે અને મોદીયુગને પ્રસ્થાપિત કરવામાં વર્તમાન ગૃહમંત્રી અમિત શાહનું મોટું યોગદાન છે. મોદી-શાહની જોડીનો આજે ભાજપ પક્ષ પર સાર્વત્રિક દબદબો દેખાય છે. એક પછી એક જે રીતે આ બંને નેતાઓના આગેવાનીમાં ભાજપ પક્ષ ચૂંટણીઓ જીતી રહ્યો છે તે પ્રમાણે ચૂંટણીઓમાં અભૂતપૂર્વ પર્ફોમન્સ માત્ર કોંગ્રેસ કરી શકી હતી. કોંગ્રેસ પાસે આઝાદી સમયની ઓળખ હતી. પરાપૂર્વેના સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અબુલ કલામ આઝાદ અને લાલબહાદુર શાસ્ત્રી સહિત અનેક કોંગ્રેસીઓના કામ-નામનો જાદુ હતો, જેના દ્વારા કોંગ્રેસ પક્ષ આઝાદી પછી પણ ઇન્દિરા ગાંધીનું શાસન આવ્યું ત્યાં સુધી કોઈ મોટાં અંતરાય વિના ટકી ગયો. તે પછી કોંગ્રેસના ભાગલા થયા તેમ છતાં કોંગ્રેસનું એકહથ્થુ શાસન દેશ પર રહ્યું. આ શાસનને પડકારવા અનેક પક્ષ રાષ્ટ્રિય અને સ્થાનિક સ્તરે આવ્યા અને કોંગ્રેસને પૂર્ણપણે જાકારો આપી પૂરી ટર્મ સુધી ટકી રહેનારો કોઈ પક્ષ પહેલીવહેલી વાર બન્યો તે ભાજપ. સહયગી પક્ષો પણ હતા, સરકારમાં મુખ્ય પદે ભાજપીઓ હતા. તે વખતના ભાજપની આગેવાની કરનારા બે મુખ્ય ચહેરા વાજપેયી-અડવાણી દેશભરમાં જાણીતા બન્યા હતા.
વાજપેયી-અડવાણીની આ જુગલબંદી એવી રહી કે તેઓ ભારતીય પ્રજાને એવો વિશ્વાસ અપાવી શક્યા કે કોંગ્રેસ સિવાય પણ દેશમાં અન્ય પક્ષો સ્થિર સરકાર આપી શકે છે. આ બંને આગેવાનોની સફર કેવી રહી અને તેમની વચ્ચેના સંબંધો કેવાં રહ્યા તે અંગે વિજય સિતાપતિનું પુસ્તક પ્રકાશ પાડે છે. આ પુસ્તકના જેટલો હિસ્સો પ્રાપ્ય થયો છે અને તે વિશે વિજય સિતાપતિએ જે કહ્યું છે તે વિશે વાત કરીને આ જુગલબંદીનો હાર્દ સમજી શકાય. વર્તમાન રાજનીતિના સંદર્ભમાં પણ આ પુસ્તકને સમજવું જોઈએ. જેમ કે પુસ્તકમાં વિજય લખે છે : “અટલ બિહારી વાજપેયી પ્રખર વક્તા હતા. આ કળા તેમણે પિતા પાસેથી શીખી હતી અને દીનદયાલ ઉપાધ્યાય દ્વારા જનસંપર્ક માટે તેમની પસંદગી થઈ પછી તેમાં વધુ નિખાર આવ્યો હતો. સરેરાશ કવિ હોવા છતાં તેમને વાક્યોનું બંધારણના સાથે-સાથે આરોહઅવરોહની પણ સમજ હતી. તે સિવાય તેઓ લાંબા સમય માટે સાંસદ પણ રહ્યા. …સંસદે વાજપેયીને નેહરુવાદી સ્વરૂપનું શિક્ષણ આપ્યું. એ એવું ભારત હતું. જ્યાં જાહેર સંસ્થાનનું સન્માન થતું. હિન્દુત્વને સરકારથી અલગ રાખવાનો પ્રયાસ થતો. વિભાજન બાદ અહીં રહી ગયેલા મુસ્લિમોના માનસિક આઘાત પ્રત્યે સંવેદનશીલ દર્શાવામાં આવતી. અર્થવ્યવસ્થા પર સરકારનું નિયંત્રણ ઇચ્છિત હતું. વિદેશનીતિની બાબતે પશ્ચિમીથી પોતાનું વલણ અલગ રાખવું સહજ હતું. વાજપેયીએ શરૂઆતમાં આ બધી જ પરંપરાનું પાલન કર્યું અને તે માત્ર નેહરુ પ્રત્યેની કારણે નહીં, (જેવું તેમના દક્ષિણપંથી ટીકાકાર કહે છે) બલકે તે સમયના સંસદ પ્રત્યેના લાગણીના કારણે.”
આગળ વધુ સ્પષ્ટતા કરતાં લેખક લખે છે : “આ નેહરુવાદી ચિંતન રાષ્ટ્રીય સ્વયંસેવકના અનુરૂપ નહોતું. વાજપેયીએ આ ઘર્ષને ત્રણ રીતે ઓછું કર્યું. પહેલું તેમણે આરએસએસને એવો વિશ્વાસ અપાવ્યો કે ચૂંટણીમાં જીતવા માટે બિનકોંગ્રેસી વિપક્ષ સાથે સાથે ઉદાર હિન્દુ બહુસંખ્યકોને આકર્ષિત કરવું આવશ્યક છે. બીજું, ઉદારવાદી દેખાવવા છતાં તેઓ આખરે તો પક્ષ સાથે ચાલનારા વ્યક્તિ હતા. અયોધ્યા મુદ્દે પક્ષનું સમર્થન કરવા કે ગુજરાતના મુખ્યમંત્રી પદે મોદીને ટકાવી રાખવા વાજપેયીને પોતાના સિદ્ધાંતો અને પક્ષમાંથી કોઈ એક બાબતની પસંદગી કરવાની હતી. પરંતુ પોતાને સુરક્ષિત રાખવાની સહજ ભાવનાના કારણે તેમણે હંમેશા પક્ષને પસંદ કર્યો.
“ત્રીજી બાબત, હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે પોતાના ઉદારવાદી ચહેરાનું સંતુલન જાળવી રાખવા તેમણે પોતાના માટે યોગ્ય ભાગીદારને પસંદ કર્યા હતા. જેવું આપણે વાંચ્યું છે તેમ, વિભાજને અંગ્રેજી બોલનારા અને ટેનિસ રમનારા લાલકૃષ્ણ અડવાણીને જમીની સ્તરના કાર્યકર બનાવ્યા હતા. જે ભારતને એક કરવા માંગતા હતા. રાજસ્થાનમાં પ્રચારક તરીકે વિતાવેલો એક દાયકો તેમને સંગઠન કાર્યમાં માહેર બનાવી દીધા હતા. 1957માં વાજપેયીના સચિવ રૂપમાં દિલ્હી આવવા સુધી અડવાણીનું વ્યક્તિત્વ આકાર લઈ ચૂક્યું હતું. તેઓ સૂક્ષ્મતા પર ધ્યાન આપતા. તેઓ આરએસએસની જેમ વિચારતા હતા અને હૃદયથી પોતાના નવા બૉસ પ્રત્યે સમર્પિત હતા.
“ત્યારથી વાજપેયી અને અડવાણીનો સંબંધ પ્રેમ પર ટક્યો હતો. તે એકબીજા પ્રત્યે પણ હતો અને બૉલીવુડના ફિલ્મો પ્રત્યે પણ. તે સિવાય શ્રમવિભાજન પર પણ આ સંબંધ આધારીત હતો. એક બાજુ પક્ષને પોતાના મૂળ મતદારો અને ઉત્સાહિત કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનું હતું. આ આધાર માટે એક દૃઢ વ્યક્તિત્વની જરૂરીયાત હતી. બીજી તરફ, 1948માં ગાંધીના હત્યાના આરોપના કારણે આ વિચારધારા અસ્પૃશ્ય બની ગઈ હતી. સત્તામાં આવવા માટે તેને વિશ્વાસ અપાવનારા એક શાંત અવાજની પણ જરૂર હતી. એક વાર ચૂંટણી પ્રચારમાં વાજપેયીના વક્તવ્ય દરમિયાન ટોળામાંથી તેમના પર કોઈએ સાંપ ફેંકી દીધો. લોકો ગભરાયા, ત્યારે વાજપેયીએ કહ્યું કોઈ સાંપ નથી. લોકો નિશ્ચિંત થયા અને તેમનું વક્તવ્ય ચાલતું રહ્યું”.
દેશના આટલાં કદાવર નેતાઓની વાત થતી હોય ત્યારે દેશની તત્કાલિન રાજકીય પરિસ્થિનો ચિતાર પણ આ વાતોમાં વણાતો જાય. આ સંદર્ભે આગળ લેખક પુસ્તકમાં લખે છે : “દીનદયાલ ઉપાધ્યાયના અવસાન બાદ નેતૃત્વને લઈને અડવાણી-વાજપેયીએ એકબીજાની પૂરક ભૂમિકા સ્વીકારી લીધી હતી. જ્યારે દેશમાં વૈચારીક ઉદારવાદનો માહોલ હતો – જેમ 1970ના દાયકામાં હતો અથવા 1990ના ઉત્તરાર્ધમાં – ત્યારે વાજપેયીએ નેતૃત્વ કર્યું અને અડવાણીએ તેમનું અનુકરણ કર્યું. જ્યારે દેશમાં ચિંતા વ્યાપી હતી – જેવું 1980ના દાયકામાં અને 1990ના દાયકાના પૂર્વાધમાં – ત્યારે અડવાણીએ પક્ષનું માર્ગદર્શન કર્યું અને વાજપેયીએ તેમની સાથે સંમત થયા.”
“વાજપેયી અને અડવાણી બંને પાસે દેશ માટે દૂરગામી સાંસ્કૃતિ દૃષ્ટિકોણ નહોતો અને એ રીતે તેઓ બુદ્ધિજીવી નહોતા. પરંતુ તેઓ બંને ટૂંકા ગાળામાં ઇતિહાસનું અડધુંપડધું ચિત્ર જોઈ શકતા હતા એટલે કે, તેઓ બંને સ્વતંત્ર ભારતના આરંભિક છ દાયકામાં કોંગ્રેસ અને હિન્દુ રાષ્ટ્રવાદના ઉતારચઢાવને અને આ સફરમાં અરસપરસની સહિયારી ભૂમિકાને ખૂબ સારી રીતે સમજતા હતા. કયા ચરિત્ર માટે તેમણે તૈયાર થવાનું છે, તેને લઈને તેઓ સજાગ હતા. અને તે ચરિત્ર અનુરૂપ તેઓ કામ કરતા હતા. અડવાણી પોતાના અંગત જીવન કરતાં વધુ કટ્ટર છબિ ધરાવતા હતા. વાજપેયી નેહરુવાદી ઉદારવાદી ભૂમિકા અદા કરવામાં માહેર હતા. બંનેએ મુખવટો ધારણ કર્યો હતો”.
“આ બંનેની જુગલબંદી એટલા માટે કારગર રહી કે તેઓ ભાગ્યે જ એકબીજાના મહારત ધરાવતાં કામોમાં દખલ દેખા.(2004માં અડવાણી દ્વારા ગઠબંધન નિર્માણ તેનો અપવાદ હતો.) વાજપેયી ક્યારેકક્યારેક જ પક્ષના હેડક્વાર્ટર પર જતા હતા. તેઓ આ મુદ્દે અડવાણીની સમજદારી પર વિશ્વાસ રાખતા હતા કે પક્ષના કાર્યકર્તા સત્તા માટે કંઈ હદ સુધી સમજૂતી કરી શકે છે. એ વાતનો સૌથી સારો દાખલો તે સમયે જોવા મળ્યો જ્યારે એપ્રિલ 2002માં અડવાણીએ વાજપેયીને ગુજરાતના મુખ્યમંત્રીની બર્ખાસ્તગી અટકાવી દીધી”.
“પક્ષમાં મજબૂત પકડ ધરાવતા હોવા છતાં અડવાણીએ નિર્ધારીત કર્યું હતું કે વાજપેયીને હંમેશા તેમની પસંદીદા ભૂમિકા આપવામાં આવે. સસંદમાં પક્ષના વક્તાની ભૂમિકા. આ નિર્ધારીત કરવા અર્થે તેમણે 1990ના દાયકાના પૂર્વાર્ધમાં આરએસએસને પણ માત આપી. આ નિશ્ચિતરૂપે અડવાણી માટે શ્રેષ્ઠ સમય હતો. જ્યારે તેમણે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનું વડાપ્રધાન પદ વાજપેયીને આપ્યું. કારણ કે તેઓ જાણતા હતા કે ભાજપને સત્તા પર ટકાવવા માટે તેમની પાસે સૌને તુષ્ટ રાખી શકે તેવું હાસ્ય નહોતું”.
જ્યારે પક્ષમાં અન્ય લોકો દ્વારા તેઓના શ્રમ વિભાજન અંગે જોખમ ઊભું થયું ત્યારે વાજપેયી-અડવાણીએ એકબીજાનો સાથ આપ્યો. મધોક, સોંધી, સ્વામી અને ગોવિંદાચાર્ય વિરુદ્ધ અડવાણી વાજપેયીના પડખે રહ્યા. મુરલી મનોહર જોશીના વિરોધમાં વાજપેયીએ અડવાણીનો સાથ આપ્યો. આ અંગે શેખર ગુપ્તાએ કહ્યું છે : “અડવાણી-વાજપેયી પાર્કમાં દેખાતા વૃદ્ધ દંપતિ જેવાં છે. તેઓ અંદરોઅંદર ઝગડી શકે છે. પરંતુ ત્રીજો કોઈ તેમની વચ્ચે આવે તો એકબીજાનો બચાવ કરશે.”
આમ તો આ પુસ્તકના આટલાં અંશોથી ખ્યાલ આવી શકે કે પુસ્તકમાં આ બંનેની, ભાજપ પક્ષની અને તત્કાલિન રાજકીય માહોલની વાતો સરસ રીતે રજૂ થઈ છે. અંતે આ બંનેના જુગલબંદી વિશે લેખક ટાંકે છે : “આ એક અસ્સલ જુગલબંદી હતી. મિત્રતાભરી હરિફાઈ પણ હતી. સંગીતનો અલગ અલગ તાલ પણ હતા અને સૂક્ષ્મતાથી તેનો અર્થ કરીએ તો તે એકરૂપ સંગીત હતું.”