Thursday, April 16, 2026
HomeGeneralગાંધી અને સરદારે સૌરાષ્ટ્રના દરબાર ગોપાળદાસને કેમ પોંખ્યા હતા? વાંચો વિગતવાર…

ગાંધી અને સરદારે સૌરાષ્ટ્રના દરબાર ગોપાળદાસને કેમ પોંખ્યા હતા? વાંચો વિગતવાર…

- Advertisement -

કિરણ કાપૂરે. નવજીવન ન્યૂઝ: દરબાર ગોપાળદાસ દેસાઈ (Darbar Gopaldas Desai). સૌરાષ્ટ્રના એક નાનકડા રજવાડાં ઢસાના (Dhasa) આ રાજાનું નામ આજે વિસરાઈ ચૂક્યું છે, પણ તેમનું શાસન તે સમયે ખૂબ પ્રશંસા પામ્યું હતું. સમયાંતરે તેમના વિશે લખાયું છતાં તેમનું નામ આજે ઝટથી સ્મૃતિમાં આવતું નથી. તેમનું યોગદાન અમૂલ્ય છે અને તેથી જ તેમના જીવન વિશે જાણીતા ઇતિહાસકાર અને ચારિત્ર્યલેખક રાજમોહન ગાંધીએ (Rajmohan Gandhi) અંગ્રેજીમાં ‘પ્રિન્સ ઑફ ગુજરાત : ધ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઑફ પ્રિન્સ ગોપાલદાસ દેસાઈ’ લખ્યું છે. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ હાલમાં જ ‘એક અનોખા રાજવી’ના નામે પ્રકાશિત થઈ છે. અનુવાદ અશોક મેઘાણીએ કર્યો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં રાજમોહન ગાંધી લખે છે : “આવા માણસ વિશે ફક્ત એમના નામથી વિશેષ કાંઈ જ હું કેમ આજ સુધી જાણતો નહોતો? ભારતનો બહુ મોટો ભાગ આ માણસના જીવનમાં બનેલી અસાધારણ ઘટનાઓ અને એમના અદભુત પ્રદાન વિશે અજ્ઞાત છે?” રાજમોહન નિખાલસતાથી પ્રસ્તાવનામાં આવું સ્વીકારે છે, પણ પછીથી તેમના આ અફસોસને સંપૂર્ણ રીતે દૂર કરવા તેમણે ગોપાળદાસ વિશે સંશોધન કર્યું અને તેમની જીવની અંગ્રેજીમાં લખી. એવું નથી કે ગોપાળદાસના વ્યક્તિ કે તેમના શાસન વિશે પ્રથમવાર રાજમોહન લખી રહ્યા હતા. તે અગાઉ 1922માં કલ્યાણજી મહેતાએ અને 1955માં રામભાઈ પટેલે તેમની જીવનકથા આલેખી હતી. તે પછી છેલ્લે 1982માં સતીષચંદ્ર જોશીએ પણ ગોપાળદાસની જીવનકથા પ્રકાશિત કરી હતી. અને હવે રાજમોહન ગાંધીલિખિત ગોપાળદાસની જીવનકથા ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહી છે અને તે પણ તેમનું પ્રથમ જીવનચરિત્ર પ્રકાશિત થયાને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે.

1922માં ગાંધીજીએ નવજીવનના એક અંકમાં ગોપાળદાસ વિશે લખ્યું છે કે, “દેસાઈ ગોપાળદાસ કાઠિયાવાડમાં આવેલા ઢસા ગામના દરબાર છે. ત્યાંના લોકો અતિશય સરળ ને સુખી જીવન ગુજારનાર છે. દરબાર અને પ્રજા વચ્ચે પિતા-પુત્ર જેવો રૂડો સંબંધ છે. ઢસામાં સ્વદેશી, અસ્પૃશ્યતાનાશ વગેરે હિલચાલો પુરજોશમાં ચાલી રહેલી છે….દેસાઈજીએ લખેલા પત્રમાં તેમનો સત્યાગ્રહ તરી આવે છે. પ્રજા એવા ત્યાગોથી જ ચડશે. જાપાનના ઉમરાવોએ જ્યારે પોતાની જાગીરો અને પોતાનું સર્વસ્વ પ્રજાને અર્પણ કર્યું ત્યારે જાપાનનું વાતાવરણ જોતજોતમાં બદલાયું. ગરીબ લોકો પણ એ ત્યાગનું મહત્ત્વ સમજી ગયા અને સૌરાષ્ટ્રના કામમાં મશગૂલ થયા. એ પ્રમાણે ઘણા દરબારો, જાગીરદારો પ્રજાને સારુ જ્યારે હિંદુસ્તાનમાં ત્યાગ કરતા થઈ જશે ત્યારે જગતને જોવાલાયક સંગમ ગરીબ અને તવંગર વચ્ચે થશે. …તેને સારું સાહસની, ક્ષત્રિયતાની જરૂર છે. દેસાઈજીએ તે બતાવેલી છે. હું ઉમેદ રાખું છું કે બીજાઓ તેમના દાખલા ઉપરથી ધડો લેશે.” ગરીબ અને તવંગર વચ્ચેના ગાંધીજીનું સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું. ઊલટાનું એવું કહી શકાય કે શાસકોના કિસ્સામાં તો ગંગા ઊલટી વહેવા લાગી.

- Advertisement -

ગોપાળદાસનું ચારિત્ર્ય એટલું ઊજળું હતું કે ઝવેરચંદ મેઘાણીએ સોરઠ, તારા વહેતા પાણી નામની નવલકથામાં સુરેન્દ્રદેવ નામે ગોપાળદાસનું પાત્ર ઉપસાવ્યું હતું. રાજમોહન લખે છે કે 1937માં જ્યારે આ નવલકથા પ્રકાશિત થઈ હતી ત્યારે વાચકોએ પણ ગોપાળદાસના પાત્રને ઓળખી કાઢેલું. તેમની મળેલી આ ખ્યાતિનો ઉલ્લેખ રાજમોહન આ રીતે કરે છે : “મધ્ય ગુજરાતના ફળદ્રુપ ચરોતર વિસ્તારના વસો ગામના એક ઉપલા સ્તરના પાટીદાર કુટુંબમાં જન્મેલા ગોપાળદાસે પોતાના જીવનનો ઘણો મોટો ભાગ ગુજરાતીઓ જેને કાઠિયાવાડ કહે છે એ સૌરાષ્ટ્રમાં વિતાવેલો. હાડમાંસ ગુજરાતના, તો ગોપાળદાસનાં દિલ અને આત્મા કાઠિયાવાડનાં હતાં. એ નહોતા ફક્ત તળ ગુજરાતના, કે નહોતા માત્ર કાઠિયાવાડી. ગોપાળદાસ એ બંને હતા. એ સમગ્ર ગુજરાતને સમજી શક્યા, અને એટલે જ એ સમયના બધા ગુજરાતીઓએ ગોપાળદાસને પોતાના માન્યા. સદીઓથી ખેતી કરતા મધ્યમ વર્ગના પાટીદારોએ પોતાને કાઠિયાવાડનાં નાનાં-મોટાં રજવાડાં પર રાજ કરતા રજપૂતોથી કોઈ રીતે ઊતરતા કદી નહોતા ગણ્યા. ગોપાળદાસ અને એમના પૂર્વજો ખડતલ પાટીદારો તો હતા, અને છતાં પાટીદારોમાં લગભગ અપવાદરૂપ રાજકર્તા કુટુંબોમાંના એક હતા. ગોપાળદાસના પૂર્વજ દેસાઈભાઈ અમીનની સાહસિક વૃત્તિ અને મરાઠા ગાયકવાડો સાથેના જોડાણના ફળ રૂપે સૌરાષ્ટ્રના બે નાના ટુકડાઓ પર એમનું રાજ્ય સ્થપાયેલું.” રાજમોહન ગાંધીએ દરબાર ગોપાળદાસના જીવન સાથે ગુજરાતના રજવાડાં અને રાજાઓની પૂર્વભૂમિકા આપી છે. આગળ રાજમોહન લખે છે : “પાટીદાર રાજાઓ બધી રીતે કાઠિયાવાડના રજપૂત રાજાઓથી – જામનગર અને રાજકોટના જાડેજાઓ, વાંકાનેર, વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રાના ઝાલાઓ, ભાવનગરના ગોહિલો, પોરબંદરના જેઠવાઓ, જૂનાગઢના ચૂડાસમાઓ અને બીજાઓથી – જુદા પડી આવતા. પાટીદાર રાજાઓ ‘કાઠિયાવાડ’ નામ જેમના પરથી પડ્યું એ લોંકઠા કાઠિઓ, અને જૂનાગઢ પર રાજ કરતા બાબી પઠાણો કરતાં પણ જુદા પડતા. ગોપાળદાસના વંશ સૌરાષ્ટ્રના કેટલાક નાના નાના ટુકડાઓ પર રાજ કરતો એક વિરલ પાટીદાર રાજવંશ હતો. એ ટુકડામાંનો આજના અમરેલી જિલ્લામાંનો એક ટુકડો ઢસા તો ગીરના સિંહ-વિસ્તારથી સાવ નજીકમાં હતો.”

રજવાડું તો ગોપાળદાસને વારસામાં મળ્યું હતું પણ તેમના ભાગે જ્યારે શાસન કરવાનું આવ્યું ત્યારે તેઓ પ્રજાહિતના કારણે વધુ ઝળહળી ઊઠ્યા. રાજમોહન લખે છે : “દરબાર ગોપાળદાસે રાજ છોડ્યું એ તો એમના અસાધારણ વ્યક્તિત્વનું ફક્ત એક જ પાસું હતું. એ સિવાય પણ ઘણી રીતે એ અસમાન્ય હતા. જે જમાનામાં સ્ત્રીઓ આજ કરતાં પણ વધારે અવગણના અને શોષણનું લક્ષ્ય ગણાતી, ત્યારે પોતાનાં સગાસંબંધી અને એમના નજીકના બીજાઓના ઉપહાસની પરવા કર્યા વગર એમણે સ્ત્રી અધિકારોની રક્ષા કરી. જે વખતે રાજા-મહારાજાઓ પોતાનાં પ્રજાજનોને ઉતારી પાડવાની આવડતથી જ પોતાનું મહત્ત્વ માપતાં, ત્યારે ગોપાળદાસે રાજા-પ્રજાની સમાનતામાં જ મોટો ગુણ જોયો. તે પણ એટલે સુધી કે, આજથી એકસો વરસ પહેલાં એમણે એવી પદ્ધતિ દાખલ કરી જે દ્વારા પોતાની શાસક તરીકેની વર્તણૂંક ક્યાંય હદ ઓળંગે તો એમનાં પ્રજાજનો એમને શિક્ષા કરી શકતા. …આજથી દાયકાઓ પહેલાંના એ સમયમાં એમણે દલિતોના સ્વમાન અને મુસ્લિમોની રક્ષા માટે પણ પ્રયત્નો કર્યા. દલિતોના પ્રશ્ન વિશે એમના વિચારો ધરમૂળના પરિવર્તનના હિમાયતી હતા.” તેમની મહત્તા એટલે હદ સુધીની હતી ગુજરાત-સૌરાષ્ટ્રના ચાર-ચાર મુખ્ય પ્રધાનોએ – ઉ. ન. ઢેબર, જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા અને બાબુભાઈ જશભાઈ પટેલ- કહ્યું છે કે તેઓ ગોપાળદાસની રાહબરી નીચે તૈયાર થયેલા. રાજમોહન ગાંધી જ આ બધી અમૂલ્ય વાત ટાંકે છે. તેઓ એમ પણ લખે છે કે, દેશભરમાં જાણીતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરનાર અને અમૂલ ડેરી શરૂ કરનાર ત્રિભુવનદાસ પટેલ પણ ગોપાળદાસ પ્રત્યે એવો જ ઋણસ્વીકાર કરે છે.

ગોપાળદાસના જીવનનાં અનેક પાસાં તો તેમની જીવકથામાં જ ખુલે, પણ તેઓનું સ્વાતંત્ર્ય ચળવળમાં જોરશોરથી ભાગ લીધો હતો તે વાત અનેક ઠેકાણે નોંધાઈ છે. અસહકાર આંદોલન તેઓ સક્રીય રહ્યા. 1928માં બારડોલી સત્યાગ્રહમાં તેમની નેતૃત્વશક્તિનો પરિચય સૌને થયો. 1930માં દાંડી તરફની કૂચ દરમિયાન ગાંધીજી જાહેરમાં કહે છે કે ‘સરદાર અને દરબાર’ને જન્મ આપનાર ખેડા જિલ્લાને એમણે વધુ કાંઈ કહેવાનું રહેતું નથી. પુસ્તકના અનુવાદક અશોક મેઘાણીએ આ ઉલ્લેખ પુસ્તક વિશે અલગથી જ્યારે લખ્યું હતું ત્યારે કર્યો છે. ગોપાળદાસે 1942માં હિંદ છોડો ચળવળ માટે પણ જેલમાં ગયા હતા. સ્વાતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે સ્થપાયેલી બંધારણસભામાં ગોપાળદાસ વડોદરા રાજ્યના પ્રજાજનોના પ્રતિનિધિ નિમાય છે. 1951ના વર્ષમાં 64 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લેનાર દરબાર ગોપાળદાસ શાસક તરીકેના અનેક એવા માપદંડ મૂકી ગયા, જે આજે ક્યાંય જડતા નથી. એટલે આ ખરા રાજા વિશે સરદાર પટેલે જે કહ્યું છે તે અહીં ટાંકવું રહ્યું. તેઓએ કહ્યું છે : “ગોપાળદાસ રાજપાટ છોડી ગુજરાતનાં ગામડાંમાં સૂકો રોટલો ખાઈ પગપાળે ફરી પ્રજાની સેવા કરે છે. આ કળિકાળમાં ઘણા એવા મળશે કે જે એમ જ કહેવાના કે એમણે મૂર્ખાઈ કરી. ધર્મને બાજુ પર રાખી અનેક પ્રકારની અનીતિથી દ્રવ્ય સંપાદન કરવાના જમાનામાં, હકથી મળેલી મિલ્કત ધર્મને ખાતર ખોઈ બેસનારને મૂર્ખ કહેનાર મળે એમાં નવાઈ શી? પરંતુ હવે દેહરખો અને દ્રવ્યરખો ધર્મ પાળવાનો યુગ પૂરો થવા આવ્યો છે. મને ખાતરી છે કે ભાઈ ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. હજારો યુવકોના જીવન પર તેમના ત્યાગની છાપ પડશે.”

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular