નવજીવન ન્યૂઝ. વડોદરા: ભારતી આશ્રમના મહંત સ્વામી હરિહરનંદ ભારતીજી આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. જો કે ગઇકાલે જ એક સીસીટીવી ફૂટેજમાં બાપુ રસ્તા પર ચાલતા દેખાયા હતા. ત્યારે આજે આશ્રમના લોકો દ્વારા શોધખોળ કરવામાં આવતા બાપુ મહારાષ્ટ્રના નાસિકથી મળી આવ્યા છે.
ભારતી આશ્રમના મહંત સ્વામી હરિહરનંદ ભારતીજી આશ્રમમાંથી 30 એપ્રિલએ વડોદરાથી ગુમ થયા હતા. હરિહરનંદ ભારતીજી આશ્રમમાંથી ન મળતા વાડી પોલીસ સ્ટેશનમાં બાપુ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બાપુની શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઇ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્નાનિ બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. સ્વામી હરિહરનંદ ભારતીજી રસ્તા પર ચાલતા જતાં હોવાના દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા.
ભારતી આશ્રમ સાથે સંકળાયેલા લોકોએ આજે હરીહરનંદ બાપુને શોધી કાઢવામાં આવ્યા છે. હરીહરનંદ બાપુ મહારાષ્ટ્રના નાસિકથી મળી આવ્યા છે. હરીહરનંદ બાપુ હાલ એક ટેક્સીમાં સલામત હોવાની માહિતી સામે આવી રહી છે. હવે તેમને વડોદરા લાવવામાં આવશે. સરખેજ આશ્રમ વિવાદને લઈને બાપુએ આશ્રમ છોડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હરિહરાનંદ બાપુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હરિહરાનંદ બાપુ કહે છે કે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો છે. વર્ષ થયું, મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલિન થયા તે પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસેથી આશ્રમ માંગે છે, વીલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વીલ બનાવ્યા છે, મને ખૂબ દબાણ કરવામાં આવ્યું. મારી પર એનકેન પ્રકારે કિચડ ઉડાડે છે એવા માણસો તૈયાર કર્યા છે. હું કંટાળી ગયો છું અને કંટાળીને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નિકળી જાઉં.’
![]() |
![]() |
![]() |











