Tuesday, May 26, 2026
HomeGujaratGandhinagarDIG નિર્લિપ્ત રાયની ટીમને મળી મોટી સફળતા, માધુપુરા સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ હર્ષિત જૈન...

DIG નિર્લિપ્ત રાયની ટીમને મળી મોટી સફળતા, માધુપુરા સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ હર્ષિત જૈન દુબઈથી દબોચાયો, પોલીસ-બુકીની સાંઠગાંઠનો થશે પર્દાફાશ

- Advertisement -

મુખ્ય મુદ્દા:

  • ₹2200 કરોડના માધુપુરા સટ્ટાકાંડનો મુખ્ય આરોપી હર્ષિત જૈન બે વર્ષ બાદ દુબઈથી ઝડપાયો.
  • સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના DIG નિર્લિપ્ત રાયના નેતૃત્વમાં રેડ કોર્નર નોટિસ દ્વારા ઓપરેશન પાર પડાયું.
  • ભારત-દુબઈ પ્રત્યાર્પણ સંધિ હેઠળ આરોપીને અમદાવાદ લાવી SMCએ કસ્ટડી મેળવી.
  • હર્ષિત જૈનની પૂછપરછમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને મોટા માથાઓના નામ ખૂલવાની પ્રબળ શક્યતા.

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર:
ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને એક મોટી સફળતા મળી છે. અમદાવાદના બહુચર્ચિત ₹2200 કરોડના માધુપુરા સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને બે વર્ષની લાંબી શોધખોળ બાદ દુબઈથી પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત લાવી દેવામાં આવ્યો છે. SMCના DIG નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પાર પડેલા આ ઓપરેશનથી હવે પોલીસ-બુકીઓની સાંઠગાંઠનો મોટો પર્દાફાશ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

- Advertisement -

દુબઈથી અમદાવાદ સુધીનો ખેલ
બે વર્ષ પહેલા માધુપુરામાં સટ્ટાકાંડનો પર્દાફાશ થતા જ મુખ્ય આરોપી હર્ષિત જૈન દેશ છોડીને ફરાર થઈ ગયો હતો. SMCની તપાસમાં ખુલ્યું કે તે નેપાળના રસ્તે વિદેશ ભાગી ગયો હતો. જે બાદ DIG નિર્લિપ્ત રાયે પહેલા લુકઆઉટ નોટિસ અને ત્યારબાદ CBI મારફતે રેડ કોર્નર નોટિસ જારી કરાવી હતી. આ નોટિસના આધારે જ હર્ષિત જૈન દુબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું, જ્યાં દુબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારત અને દુબઈ વચ્ચે થયેલા પ્રત્યાર્પણ કરારને આધારે, લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ દુબઈ પોલીસે હર્ષિત જૈનને ગુજરાત પોલીસને સોંપ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર SMCના અધિકારીઓએ તેની કસ્ટડી મેળવીને ધરપકડની કાર્યવાહી કરી છે.

કેવી રીતે કેસ SMC પાસે પહોંચ્યો?
આ કેસની શરૂઆત બે વર્ષ પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PI તરલ ભટ્ટ દ્વારા માધુપુરામાં પાડેલા દરોડાથી થઈ હતી. જોકે, કેસની તપાસ માટે રચાયેલી SITની કામગીરી શંકાસ્પદ લાગતા અને તપાસમાં ગોલમાલ થતી હોવાની ગંધ આવતા, તત્કાલીન DGP વિકાસ સહાયે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી હતી. SMCની તપાસમાં એવા પુરાવા મળ્યા કે PI તરલ ભટ્ટ અને તેમનો સ્ટાફ જ આરોપીઓ પાસેથી નાણાકીય લેતીદેતી કરી રહ્યો હતો. આ રિપોર્ટના આધારે સમગ્ર મામલો ACBને પણ સોંપવામાં આવ્યો હતો.

હવે ઘણા મોટા માથાઓની ઉંઘ હરામ થશે
બે વર્ષ સુધી પોલીસને થાપ આપતો હર્ષિત જૈન હવે SMCની કસ્ટડીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે તેની પૂછપરછમાં સટ્ટાકાંડના મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે. તે કયા-કયા પોલીસ અધિકારીઓના સંપર્કમાં હતો, કેટલાનો વ્યવહાર થયો હતો, અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ હતું, તે તમામ રહસ્યો પરથી હવે પડદો ઉઠશે. હર્ષિત જૈનનું મોઢું ખુલતા જ રાજ્યના અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને મોટા માથાઓની ઉંઘ હરામ થઈ જાય તો નવાઈ નહીં.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular