આદરણીય,
ભુપેન્દ્રભાઈ પહેલા તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમારી પસંદગી માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તમારી પસંદગી કરી છે તેના માટે તમને હ્રદયપુર્વકની શુભેચ્છાઓ છે, આજે ગણેશ ઉત્સવનો ચોથો દિવસ છે, એક સારા સમયકાળમાં તમે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છો ત્યારે જ હું તમને પત્ર લખવા બેઠો છુ, વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યુ ત્યાર બાદ કોણ નવા મુખ્યમંત્રી થશે તેની ચર્ચા માધ્યમોમાં અને ગુજરાતભરમાં શરૂ થઈ ગઈ હતી, જેમના નામોની ચર્ચા હતી તે પૈકીનું એકાદુ મારૂ ગમતુ નામ પણ હતું, હું તેમને વર્ષોથી મળ્યો નથી છતાં કોઈ પણ કારણ વગર કોઈ તમને ગમવા લાગે તેવુ જ તેમના કિસ્સામાં પણ હતું. હું મહારાષ્ટ્રીયન હોવાને કારણે મારા ઘરે પણ વર્ષોથી ગણેશ સ્થાપન થાય છે, સંધ્યાકાળનો સમય હતો ઘરમાં આરતીનો સમય થઈ રહ્યો હતો, મેં ગણેશજી સામે હાથ જોડયા અને પ્રાર્થના કરી કે ગુજરાતને ઉત્તમ શાસક અને સારો માણસ આપજે. ગણેશજીએ તમારી ઉપર પસંદગી ઉતારી તેનો આનંદ છે.
જેમના નામોની ચર્ચા હતી અને તેઓ મુખ્યમંત્રી થયા નહીં તેનો અર્થ એવો પણ નથી તે સારા શાસક અને સારા માણસ નથી, પણ બધુ જ નિયતીને આધાની હોય છે, કમલમ ખાતે તમારા નામની ધોષણા થઈ તેની થોડીક મિનીટો પહેલા તમે ખુદ પણ તમારા જીવનમાં થનાર આ ચમત્કારથી અજાણ હતા, આજે તમારી પાસે જે કઈ છે તેની માટે તમે અપેક્ષા કરી હતી અને મહેનત પણ કરી હતી અને તે બધુ જ તમે મેળવ્યુ પણ તમે ગુજરાતના મુખ્યમંત્રી થશો તેવી અપેક્ષા પણ ન્હોતી અને તેના માટેના પ્રયત્ન અને પ્રપંચ પણ તમે કર્યો ન્હોતો, આમ છતાં તમેે ગુજરાતના મુખ્યમંત્રી થવા જઈ રહ્યા છો તેને ભગવાન ગણેશનો પ્રસાદ જ સમજો, નરેન્દ્ર મોદી, અમીત શાહ અને આનંદીબહેન પટેલનો તમે આભાર માન્યો, તે તમારૂ મોટાપણુ છુ, કારણ ઉપકાર ભુલવો તમારો સ્વભાવ નથી પણ આ નેતાગીરીને તમારૂ નામ સુઝાડવુ તે પણ ઈશ્વરની જ ઈચ્છા હતી.
આજે તમે જ જયારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશો ત્યારે યાદ રાખજો, ઈશ્વરે તેમના એવા પ્રદેશના મુખ્યમંત્રી થવાની તક આપી છે જે પ્રદેશમાં ગાંધી અને સરદાર જેવા સરળ અને મહાન માણસોએ જન્મ લીધો છે, 1915માં ગાંધી ભારત આવ્યા પછી દેશમાં તેમણે અનેક સંસ્થાઓ ઉભી કરી જેના તેઓ ટ્રસ્ટી પણ હતા, પણ તેમને મન ટ્રસ્ટીએ એટલે માલિક નહીં, પણ ટ્રસ્ટીએ એટલે સંભાળ લેનાર, ગાંધીના પગલે સરદાર પણ ચાલ્યા તેઓ ટ્રસ્ટી હોવાનો અર્થ બરાબર સમજી ગયા હતા દેશના પ્રથમ ગૃહમંત્રી હોવા છતાં તેમના દેહાંત વખતે તેમના બેન્ક એકાઉન્ટમાં અંદાજે 250 રૂપિયા જેવી ક્ષુલ્લક રકમ હતી, તે જ ગાંધી અને સરદારના તમે ગુજરાતી વારસદાર છો, તમે તે પરંપરા જાળવી રાખશો તેવી અપેક્ષા છે, ઈશ્વરે તમને મુખ્યમંત્રી થતાં પહેલા જેટલી સમૃધ્ધી જોઈતી હતી તે બધી જ આપી છે, તમે કઈ મેળવવા મુખ્યમંત્રી થયા નથી તેની મને ખબર છે.
એટલે જ ગુજરાતના ટ્રસ્ટી તરીકે તમે રાજય અને રાજયના છેવાડાના માનવીના જીવનમાં તેની તકલીફો દુર તેમના જીવનમાં ખુશીઓનો રંગ ભરશો તેવી અપેક્ષા છે, એક જ દિવસમાં તમારા જીવન બધુ બદલાઈ ગયુ, તમે પહેલા પાલિકાના પ્રમુખ , કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, અને ધારાસભ્ય તો હતા, આમ તમે સત્તાની ખાસ્સા નજીક હતા, પણ હવે તમે રાજયના સર્વોપરી બન્યા છો, તમે જયારે કઈ પણ ન્હોતા, ત્યારે જે તમારા મિત્રો અને નજીકના હતા તેમને કાયમ યાદ અને પાસે રાખજો, કારણ તેમને તમારા પ્રેમ સિવાય કશાની જરૂર નથી, પણ સત્તા મધપુડા જેવી હોય છે, હવે તમારી આસપાસ મધમાખીઓની જેમ લોકો ઉમટી પડશે જેમને તમારી સાથે નહીં તમારી સત્તા સાથે નીસ્બત છે, આ ભાગદોડમાં તમારા ભુલાઈ જાય નહીં તેની તકેદારી રાખજો, કારણ જયારે સત્તા નહીં હોય ત્યારે તમારા તમારી સાથે હશે, અને જયારે રાજયના ટ્રસ્ટી તરીકે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસશો ત્યારે મઝાની તેની છે કે કોઈ તમારી સત્તા છીનવી લેશે તેનો ડર લાગશે નહીં અને તમારી પહેલા જેમ 21 મુખ્યમંત્રીઓની વિદાય થઈ તેમ તમારી મુખ્યમંત્રી તરીકેની વિદાય વેળાએ મનમાં વિષાદ નહીં હોય.
આપણા ઘરમાં પણ ઘરના લોકોમાં પણ ભીન્ન મત ધરાવતા લોકો હોય છે પણ પરિવારમાં જેમનો મત ભીન્ન હોય છે તેમને આપણા દુશ્મન સમજતા નથી, હવે તો તમે રાજયના વડા છો, ત્યારે તમારે ભીન્ન મત ધરાવતા અનેક લોકોને મળવાનું અને કામ લેવાનું થશે, જે આપણી સાથે નથી તે આપણી સામે છે તેવુ માની લેવાની ભુલ કરતા નહીં, આઝાદીના યુગમાં પણ ગાંધી સાથે અનેક લોકો સંમત્ત ન્હોતા, પણ ગાંધી તેમને પોતાનાથી અળગા કરતા ન્હોતા કાકા સાહેબ કાલેલકર નોંધે છે કે ગાંધીની ખાસીયત એવી હતી કે સામેની વ્યકિતમાં રહેલી સારપને ઓળખી તેની સારપનો ઉપયોગ કરી લેવો,. એવા લોકો તમારી આસપાસ હશે કદાચ તેઓ આપણને તે પસંદ નથી પરંતુ તેમની સારપનો રાજયનાં હિતમાં ઉપયોગ કરજો, આપણને આજે સાચો લાગતો નિર્ણય કદાચ વર્ષો પછી આપણને જ ખોટો લાગી શકે છે, પણ આજે આપણો નિર્ણય ખોટો છે તેવુ કહેનાર વ્યકિતઓને પોતાની ટીમમાં સામેલ કરજો કારણ સત્તા હોય ત્યારે હા કહેનારની ફૌજ તૈયાર હોય છે પણ તમારા અને રાજયના હિતમાં તમારી ટીમમાં ના પાડનારી વ્યકિતને પણ સામેલ કરજો.
ચાલો તમારે શપથ લેવા જવાનું અને ત્યાર પછી તમારા નવા મંત્રીમંડળના સાથીઓની પસંદગી કરવાની છે, એટલે વધુ લખતો નથી, પણ ફરી એક વખત હ્રદયપુર્વક તમે ઉત્તમ શાસક અને સારા માણસ સાબીત થાવ તેવી ઈશ્વરને પ્રાર્થના છે, તમે માં જગદંબાના ઉપાસક છો તે તમારા તમામ નિર્ણયમાં તમારી સાથે રહેશે તેની મને ખાતરી છે. તમારી અનુકુળતાએ મળીશુ
આભાર સહ
તમારો પ્રશાંત









