નવજીવન ન્યૂઝ, અમદાવાદ : રાજ્યભરમાં ઔદ્ગિક એકમો દ્વારા ખેતરો, નદીઓ, તળાવ તેમજ ખુલ્લી જમીનોમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવાની વારંવાર ફરિયાદો તંત્રને મળે છે. ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (GPCB) તેમજ સ્થાનિક તંત્રની ઉપેક્ષાના કારણે અનેક વિસ્તારમાં ભૂર્ગભ જળ દૂષિત છે તેમજ જમીન બિનઉપયોગી થઈ ગઈ છે. આવા એક મામલામાં મોરબીના હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી એક ફેક્ટરીના સંચાલકો સામે CID Crime ના અધિકારી સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.
ગંદા પાણીના સપ્ટેમ્બર મહિનામાં સેમ્પલ લેવાયા
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના CI Cell ની ટીમ બાતમીના આધારે ગત સપ્ટેમ્બર મહિનામાં હળવદ તાલુકાના કોયબા ગામે પહોંચી હતી. કેમ્રો ઈન્ડસ્ટ્રીઝ (Chempro Industries)ના માલિક અલ્પેશ વશીયાણી, સંજય પટેલ અને વિજય પટેલની માહિતી સીઆઈ સેલના પીએસઆઈ એ.સી.ઈશરાણીએ મેળવી હતી. બે પોલીસ કર્મચારી અને પંચો સાથે સ્થળ પર પહોંચેલા પીએસઆઈ ઈશરાણીએ ફેક્ટરી પાસેના બે ખેતરોમાં ભરાયેલું પાણી વરસાદનું છે કે કેમિકલ વેસ્ટ તે નક્કી કરવા પાણીના સેમ્પલ લીધા હતા. આ મામલે 14 નવેમ્બર 2025ના રોજ સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોન (CID Crime Rajkot Zone) ખાતે જાણવા જોગ નોંધ કરી હતી.
પાણીમાં હાઈડ્રોજન અને ક્લૉરાઈડ મળ્યા
CID Crime CI Cell Team એ લીધેલા પાણીના નમૂના ફોરેન્સિક સાયન્સ લેબૉરેટરીમાં મોકલી અપાયા હતા. પાણીના સેમ્પલની ચકાસણીમાં હાઈડ્રોજન અને ક્લૉરાઈડની હાજરી હોવાનો FSL માંથી રિપોર્ટ આવતા સીઆઈડી ક્રાઈમ હરકતમાં આવી ગઈ અને પીએસઆઈ ઈશરાણીએ સરકાર તરફે ફેક્ટરી માલિકો સામે ગુનો નોંધ્યો છે. અત્રે નોંધનીય છે કે, કેમિક્લયુક્ત પાણી છોડવાની સમસ્યા માત્ર એક ગામ કે શહેર પૂરતી સીમીત નથી. ગુજરાતભરના નાના-મોટા શહેરો તેમજ જિલ્લા,તાલુકા અને ગામોની જમીન તેમજ નદી-તળાવોને કુદરતના દુશ્મનો દ્વારા પ્રદૂષિત કરવામાં આવી રહ્યાં છે.








