નવજીવન ન્યૂઝ. કચ્છ: અઢી અક્ષરનું ટૂંકું નામ શ્યામ. ભુજનાં રેલવે સ્ટેશને ટિકિટ એજન્ટ તરીકે કામ કરતો હતો. આ એની પહેલી ઓળખ હતી. દોઢ દાયકા પહેલાં સૌથી પહેલા જ્યારે હું એને મળ્યો ત્યારે, એક ચબરાક પોલીસ ઓફિસર જેમ અન્ય વ્યક્તિને પગથી માથા સુધી જુવે તેમ એણે મારી સામે નજર નાખેલી. ત્યારે મને ગમ્યું ન હતું. પરંતુ જયારે એના સંપર્કમાં આવ્યો ત્યારે ખબર પડી કે, માત્ર ભુજ જ નહીં કચ્છનો એવો કોઈ નામીચો વિસ્તાર કે વ્યક્તિ નહીં હોય જેની બાતમી શ્યામ પાસે ન હોય અને કદાચ એટલે જ, કચ્છમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરતા પત્રકારોથી માંડીને પોલીસ અધિકારીઓ પણ તેના કોલને અવગણતાં નહીં.
કચ્છ સરહદી જિલ્લો હોવાને લીધે અહીં સ્થિત વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓ ઉપરાંત પોલીસ અને મીડિયાને પણ એવી માહિતીની (ઇન્ટેલિજન્સ એજન્સીઓની દુનિયામાં જેને ટિપ્સ કહે છે ) જરૂર પડતી હોય છે. શ્યામની આ વાતમાં માસ્ટરી હતી. ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જર હોય કે પોલીસ વિભાગનો ઓફિસર. દરેકની ‘અંદર’ની વાત શ્યામને ખબર હોય. શાન ફિલમનાં અબ્દુલની જેમ શ્યામ પાસે ‘સબ કી ખબર રખતા હું’ જેવી શક્તિ હતી. એવા કેટલાય ઓપરેશન અને પોલીસ કાર્યવાહી હશે જેની શરૂઆત શ્યામની ટિપ્સથી થઈ હશે. શ્યામ માત્ર ટિપ્સ આપતો એટલું જ નહીં તેનું ફોલોઅપ પણ કરતો. અને એને જો એવું લાગે કે તેની ટિપ્સ ઉપર કામ નથી થયું અથવા તો તેને ‘એનકેશ’ કરી લેવામાં આવી છે, તો તે પછી તેની પાસે ફરકતો પણ નહીં. દરેક વ્યક્તિની સારી બાબતોની સાથે સાથે શ્યામની કેટલીક મર્યાદા પણ હતી. પરંતુ એની ચર્ચા કરવાનો આ સમય નથી. કારણ કે તેણે ગુરુવારે ભુજનાં હમીરસર તળાવમાં પડીને આત્મહત્યા કરી લીધી છે.
કોરોના કાળ દરમિયાન અનેક લોકોનાં રોજગાર ધંધા બંધ થઈ ગયા એમ શ્યામનો રેલવે ટિકિટ એજન્ટ તરીકેનો વ્યવસાય પણ અસર પામ્યો હતો. ત્યારબાદ તેણે શાક વેચવાથી માંડીને ભુજમાં રીક્ષા ચલાવવાનું પણ કામ કર્યું હતું. પરંતુ કોઈક કારણોસર માત્ર 38 વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી લીધી છે.
થોડા દિવસ પહેલા જ જયારે તેનો કોલ આવ્યો ત્યારે આ લખનારે વાહન ઉભું રાખીને વાત કરી હતી. ત્યારે પણ માત્ર બે ત્રણ લાઈનમાં તેણે ટિપ્સ આપી હતી. ત્યારે કલ્પના પણ ન હતી કે, ભુજનો આ નાનકડો જાસૂસ આમ દુનિયાને અલવિદા કહી દેશે. શ્યામ બાતમી આપવામાં એટલો પ્રોફેશનલ હતો કે આજે જયારે તેના અવસાનના સમાચાર મળ્યા ત્યારે ખબર પડી કે તેનું આખું નામ જીગ્નેશ કનૈયાલાલ ભાનુશાલી હતું. કોઈપણ જાતનાં સ્વાર્થ વિના દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા લોકોની બાતમી આપનાર શ્યામને દિલથી સલામ છે, અલવિદા શ્યામ…
![]() |
![]() |
![]() |











