Friday, May 1, 2026
HomeGeneralકચ્છ : બીએસએફનાં IG મલિકનાં નેતૃત્વમાં હરામીનાળા ક્રિકમાં ચાલી રહ્યું છે કમાન્ડોનું...

કચ્છ : બીએસએફનાં IG મલિકનાં નેતૃત્વમાં હરામીનાળા ક્રિકમાં ચાલી રહ્યું છે કમાન્ડોનું મોટું સર્ચ ઓપરેશન, 11 પાક બોટ પકડાઈ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ :કચ્છની ઇન્ડો-પાક બોર્ડરે હરામીનાળા વિસ્તારમાં ગઈકાલે બુધવાર બપોરથી એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય જળ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી છે તેવી ટિપ્સને પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નાં કમાન્ડોની ત્રણ ટીમને એરફોર્સનાં હેલિકોપ્ટરથી ક્રિક એરિયામાં ઉતારવામાં આવ્યા છે. અને 300 ચોરસ કિલોમીટર વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરીને આ તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનથી ભારતમાં ઘુસી ગયેલી 11 બોટને ઝડપી લેવામાં આવી છે. ક્રિકમાં આવેલી ચેરીયાની ઝાડીઓમાં છુપાયેલા ઘૂસણખોરોને પકડી લેવા માટે સીમા સુરક્ષા દળના જવાનો કલાકોથી આ એરિયામાં ઘાત લગાવીને બેઠા છે. આ સર્ચ ઓપરેશન કેટલું મોટું અને મહત્વનું છે તે એના પરથી ખ્યાલ આવે છે કે, ગુજરાત બીએસએફના વડા એવા આઈજી જી.એસ.મલિક ગુરુવારે સવારે જ હેલિકોપ્ટરથી કચ્છ આવી ગયા હતા અને જાતે ક્રિકમાં જઈને સમગ્ર ઓપરેશનનું મોનીટરીંગ કરી રહ્યા છે.




બુધવારે બપોર બાદ કચ્છ બીએસએફના વડા ડીઆઈજી શ્રીવાસ્તવને ટિપ્સ મળી હતી કે, હરામીનાળા વિસ્તારથી પાકિસ્તાન દ્વારા કેટલાક લોકો બોટ મારફતે ઘૂસણખોરી કરી શકે છે. જેને પગલે તેમણે તરત જ સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું હતું. રાત સુધીમાં એક પછી એક પાકિસ્તાની બોટ પકડાવાનું ચાલુ થઈ ગયું હતું. પરંતુ તેમાં સવાર ઘૂસણખોરો ક્રિકમાં ચેરીયાની આડમાં સંતાઈ ગયા હતા. અને તે એરિયામાં બોટથી પહોંચવું મુશ્કેલ હતું. આથી તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને હવાઈ માર્ગે કમાન્ડોને ક્રિકમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીએસએફ દ્વારા સત્તાવાર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, કમાન્ડોની ત્રણ ટીમ બનાવીને એરફોર્સનાં ખાસ હેલિકોપ્ટરથી તેમને પાણીમાં ડ્રોપ કરવામાં આવ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે, હાલ 300 ચોરસ કિલોમીટરનાં આ કાદવ-કીચડવાળા એરિયાને કમાન્ડોની ટીમ ઘેરીને બેઠી છે. રાત સુધીમાં નાપાક તત્વો બીએસએફના કમાન્ડોની પકડમાં આવી જાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

- Advertisement -

ક્રિકમાં ઓપરેશનનું મોનીટરીંગ કરી રહેલા ગુજરાત બીએસએફના વડા આઈજી જી.એસ.મલિકે 11 બોટ પકડાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.



કચ્છનાં એસપી રહી ચૂક્યા છે IPS મલિક

- Advertisement -

ગુજરાત કેડરનાં સિનિયર IPS ઓફિસર જ્ઞાનેન્દ્રસિંહ મલિક પાસે ગુજરાત બીએસએફ ફ્રન્ટિયરનાં વડા તરીકેનો હવાલો છે. તેઓ હાલ બીએસએફમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર છે. ગુજરાત સરકાર દ્વારા તેમને એડિશનલ ડિજી તરીકેનું પ્રમોશન પણ આપવામાં આવેલું છે તેવા મલિક કચ્છનાં એસપી રહી ચૂક્યા છે. કચ્છની ભૂગોળથી, ખાસ કરીને ક્રિક અને બોર્ડર એરિયાથી વાકેફ મલિક કચ્છમાં પોતાનું સારું એવું અંગત ઇન્ટેજન્સ નેટવર્ક પણ ધરાવે છે. હાલમાં ચાલી રહેલા મેગા સર્ચ ઓપરેશનમાં તેમની સીધી દોરવણી હેઠળ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે. બીએસએફના આઈજી દ્વારા આ પ્રકારે જાતે સર્ચ ઓપરેશનમાં ભાગ લેવામાં આવ્યો હોય તેવી કદાચ આ ગુજરાતની પ્રથમ ઘટના છે.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular