નવજીવન.કચ્છ: ગુજરાતનાં બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની સીમાથી ઝડપાયેલા પાકિસ્તાનીને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પાછો મોકલી દેવામાં આવ્યો છે. બુધવારે કચ્છ બોર્ડરનાં પિલર નંબર 1029 પાસે બનેલી આ ઘટનામાં સીમા સુરક્ષા દળ દ્વારા શા માટે આવી કાર્યવાહી કરવામાં આવી તે જાણવા જેવું છે. સામાન્ય રીતે જયારે ઘૂસણખોરીની ઘટના બને ત્યારે તે વ્યક્તિને પકડી લોકલ પોલીસને સોંપી દેવામાં આવતી હોય છે. અને ત્યારબાદ તેને ભુજનાં જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર (JIC) રાખવામાં આવે છે. પરંતુ આ સિવાયનાં કિસ્સામાં જો બીએસએફ સહિત પોલીસ અને અન્ય ઇન્ટેલિન્સ એજન્સીઓને લાગે કે, બોર્ડર ક્રોસ કરીને આવેલી વ્યક્તિ નિર્દોષ છે. તો તેને પાછો મોકલી દેવામાં આવે છે. જો કે આવી ઘટનામાં એક ચોક્કસ વિધિ હોય છે, જેને અનુસરીને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
મંગળવારે બીએસએફના જવાનો કચ્છ સીમાએ આવેલા બોર્ડર પિલર 1029 પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન તરફથી એક યુવાન ભારતની ધરતી ઉપર આવી ચઢે છે. પાકિસ્તાનનાં સિંધ પ્રાંતનાં નગરપારકાર તાલુકાનાં મેડો ગામનો અહસન નામનો યુવાન પ્રથમ નજરે ભૂલથી બોર્ડર ક્રોસ કરી ગયો હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું. આથી બીએસએફની 56મી બટાલિયનનાં કમાન્ડિંગ ઓફિસરે તરત જ ગાંધીનગર સ્થિત તેમના હેડક્વાર્ટરને જાણ કરી હતી. દરમિયાન લોકલ પોલીસને પણ ઘૂસણખોરીની ઘટના અંગે જાણ કરવામાં આવતા તેમણે પણ આ પાકિસ્તાની યુવાનની પૂછપરછ કરી હતી. ભારતમાં ચાલી રહેલા આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાન રેંજર્સ દ્વારા પણ બીએસએફનો સંપર્ક કરીને તેમનો એક નાગરિક બોર્ડર ક્રોસ કરી ગયો હોવાની જાણ કરવામાં આવે છે. આમ સમગ્ર મામલામાં ઘૂસણખોરીની આ ઘટનામાં પકડાયેલો યુવાન નિર્દોષ હોવાનું લાગતા તેને પાકિસ્તાન રેંજર્સને સોંપી દેવામાં આવ્યો હતો.
નાપાક દુશ્મન દેશ સામે ભારતની દરિયાદીલી
એક તરફ જયાં ભારત માનવીય અભિગમ રાખીને તેની દરિયાદીલી બતાવી ભૂલથી બોર્ડર ક્રોસ કરેલા પાકિસ્તાનીને પાછો તેના દેશમાં મોકલી દે છે ત્યારે પાકિસ્તાન આવી જ ઘટનામાં ભારતનાં નાગરિકોને પકડી લે છે. ત્રણ મહિના પહેલા રાજસ્થાનની બાડમેરથી માનસિક રીતે બીમાર એક ભારતીય નાગરિક ભૂલથી બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. બીએસએફ અને સ્થાનિક પ્રસાશન દ્વારા આ અંગે પાકિસ્તાન રેંજર્સને વિનંતી કરવા છતાં તે પાગલ ભારતીયને ઘૂસણખોરી તરીકે ટ્રીટ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને પાકિસ્તાને તેને જેલમાં મોકલી દીધો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ અગિયારમાં ધોરણમાં ભણતો એક કિશોર પણ ભૂલથી ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જતો રહ્યો હતો. તેને પણ પાકિસ્તાને પાછો સોંપવાને બદલે તેને જેલમાં નાખી દીધો છે. આમ દુશ્મન દેશ પાકિસ્તાન જયાં તેની લુચ્ચાઈ નથી છોડતું ત્યાં ભારત દ્વારા મોટું દિલ રાખીને માનવીય અભિગમ દાખવે છે.
BSFનાં કમાન્ડિંગ ઓફિસર પાસે હોય છે વિશાળ અધિકાર
બોર્ડર ઉપર તૈનાત બીએસએફના કમાન્ડિંગ ઓફિસર (સીઓ)ને સ્થળ – સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનાં વિશેષ પાવર આપવામાં આવેલા છે. બોર્ડર ઉપર થતી નાની મોટી ઘટનામાં ફ્લેગ મિટિંગ બોલાવવાથી માંડીને પશુધન સહિત ભૂલથી બોર્ડર ક્રોસ કરી ગયેલા લોકોને પરત કરવા સુધીનાં અધિકાર સીઓ પાસે હોય છે. સીઓ તેમનાં ઉપરી અધિકારીને જાણ કરી તેમનું માર્ગદર્શન મેળવીને આ પ્રકારની કાર્યવાહી કરતા હોય છે. ઘૂસણખોરને પકડી લઈ તેની સામે કાર્યવાહી કરવામાં આવે તો લાંબી પ્રોસીઝર કરવાથી માંડીને તેને સાચવવા સુધીની જવાબદારી પાછળ સમય અને નાણાં ખર્ચાતા હોય છે. આવા સંજોગોમાં જો પકડાયેલો ઘૂસણખોર જોખમી ન હોય અને નિર્દોશ લાગે તેવા સંજોગોમાં તેને પરત મોકલી દેવો તમામ માટે સારું હોવાને કારણે પણ આવી ઘૂસણખોરીની ઘટનામાં તેને પરત કરી દેવામાં આવતો હોય છે.
![]() |
![]() |
![]() |











