Tuesday, May 30, 2023
HomeInternationalભારતના જંગલોમાં ચિત્તા લાવવાની શું કિંમત ચૂકવાઈ છે?

ભારતના જંગલોમાં ચિત્તા લાવવાની શું કિંમત ચૂકવાઈ છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આજ રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રોજેક્ટનું અનાવરણ કરશે. ચિત્તાઓને ભારતમાં લાવવાની કવાયત દાયકાઓથી ચાલતી આવી છે અને હવે તેનો અંત આવ્યો છે. છેલ્લા 70 વર્ષોથી ભારતમાં ચિત્તા ભારતમાંથી નામશેષ થઈ ચૂક્યા હતા. આ કાર્યક્રમ માટે કુનો નેશનલ પાર્કમાં છેલ્લા વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. વડા પ્રધાન સહિત અન્ય આગેવાનો માટે અહીં છ હેલિપેડ ઊભા કરવામાં આવ્યા છે. સાથે ચિત્તાઓને દિલ્હીથી લાવવા અર્થે એરફોર્સના ચોપર, વિમાનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ન્યૂનત્તમ સમયમાં ચિત્તાઓને કૂનો ખાતે લાવવામાં આવે. પ્રથમ તબકકામાં આઠ ચિત્તાઓને અહીં લાવવામાં આવ્યા છે. આવનારાં ત્રણ-ચાર વર્ષમાં આ ચિત્તાઓની સંખ્યા પચાસ સુધી પહોંચશે.

આ ચિત્તાઓને જ્યાંથી લાવવામાં આવ્યા છે તે દેશ આફ્રિકાનો નામિબિયા છે. હાલમાં વિશ્વમાં ચિત્તાઓનું અસ્તિત્વ આફ્રિકા અને થોડા પ્રમાણમાં ઇરાનમાં ટક્યું છે. એક સમયે એશિયાઈ ચિત્તાઓનું ઘર ભારત પણ હતું. હવે મહદંશે ચિત્તાઓ આફ્રિકામાં જોવા મળે છે અને ત્યાંથી ભારતમાં તેઓને લાવવામાં આવશે. આ પૂરા પ્રોજેક્ટ માટે નામિબિયા સાથે એમઓયુ કરવામાં આવ્યાં છે. તેમાં ચાર માદા-નરની જોડીઓને લાવવામાં આવશે. દેશમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેશન કરવામાં કેન્દ્રિય જંગલ-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રસિંઘ યાદવે તમામ ખાતરી આપી છે. આ માટે કુનો નેશનલ પાર્કમાં 500 હેક્ટર ઇલેક્ટ્રિક ફેન્સિંગ ધરાવતો વિસ્તાર પણ તૈયાર કરવામાં આવ્યો છે, મતલબ કે આ ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં નહીં આવે. તેઓને અહીં છોડ્યા પછી પણ સતત તેમનું મોનિટિરિંગ થવાનું છે.

- Advertisement -

ચિત્તાને ભારતમાં ફરી વસાવવાના પ્રયાસ આજકાલના નથી, બલકે 1960થી જ તે પ્રયાસ શરૂ થઈ ચૂક્યા હતા. પહેલાં એશિયાના એટલે કે ઇરાનમાંથી ચિત્તા અહીં વસાવવાનું આયોજન સરકાર દ્વારા થયું હતું. પરંતુ ઇરાન તરફથી તે વાત આગળ ન વધી. ઇરાનમાં ચિત્તાની સંખ્યા ગણીગાંઠી છે અને તે કારણે ઇરાન તરફથી ના આવી. તે પછી ચિત્તાને અહીં લાવવા આફ્રિકાના દેશો સાથે સંવાદ થયો. 2009માં યુપીએ સરકારમાં જયરામ રમેશ પર્યાવરણ મંત્રી હતા ત્યારે તેઓ આ પ્રયાસને સાકાર થાય ત્યાં સુધી લઈ આવ્યા. તે પછી આ પ્રયાસ અમલ કેવી રીતે થાય તેનો અભ્યાસ થયો અને હવે તે પ્રયાસ સાકાર થઈ રહ્યો છે. ભારતમાં ચિત્તા આવી રહ્યા છે ત્યારે તેનો ઉદ્દેશ તેમના સંરક્ષણનો દાખવાવમાં આવી રહ્યો છે. અને તે માટે આંતરરાષ્ટ્રિય સ્તરે વિવિધ માનક સંસ્થાઓની મંજૂરી પણ ભારતને મળી છે.

https://twitter.com/BNNIN/status/1571013822500196358

જોકે આ રીતે પ્રાણીઓને ટ્રાન્સલોકેશન કરવાનું કામ અતિ કપરું હોય છે. દેશમાં જ્યારે સંરક્ષણ અર્થે થોડી સંખ્યામાં સિંહોને કુનો નેશનલ પાર્ક ખાતે ખસેડવાની વાત આવી ત્યારે તે મુદ્દો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તે સમયે સુપ્રિમ કોર્ટે આ બાબતે એવી ટિપ્પણી કરી હતી કે કુનોમાં નેશનલ પાર્કમાં સિંહો કરતાં વિદેશના ચિત્તાને ટ્રાન્સલોકેશન કરવા તે તદ્દન ગેરવાજબી છે. ‘વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ’નો પણ તે ભંગ છે. સુપ્રિમે આ ચુકાદામાં ચિત્તાને ભારતમાં વસાવવાને લઈને અનેક મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. જોકે, તત્કાલિન કે વર્તમાન કેન્દ્ર સરકારે ચિત્તાઓને દેશમાં વસાવવાનો પ્રયાસ છોડ્યા નહીં. સરકાર તરફથી 2109માં કુનો ખાતે ચિત્તાને વસાવવા અર્થે ફરી રિવ્યૂ પિટીશન કરવામાં આવી. સરકારની દલીલ હતી કે ચિત્તા જંગલની અન્ય પ્રજાતિઓને પણ સંરક્ષણ પૂરું પાડશે. સુપ્રિમના અગાઉનું વલણ ખારીજ થાય તેમ નહોતું અને તેમ છતાં ચિત્તાને વસાવવા હતા, તેથી એક સમયે દેશના અન્ય અભયારણ્યમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેશન કરવાનો વિચાર મૂકવામાં આવ્યો. પરંતુ તે પછી પસંદગી કુનો પર આવીને અટકી.

કોઈ પણ પ્રાણીને બીજા દેશમાં, બીજા વાતાવરણમાં વસાવવા સરળ નથી. કુનોમાં પણ તે પ્રશ્ન આવ્યો. તેથી અહીંયા તેની તૈયારીઓ કરવામાં આવી છે. ફેન્સિંગ સાથે મોનિટરિંગ કરવા માટે સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. ઉપરાંત ચિત્તાઓનું આગમન થાય તે અગાઉ અહીંયા તેમનાં સંરક્ષિત વિસ્તારમાંથી ચિત્તા સિવાયના પ્રાણીઓને અભયારણ્યના અન્ય ભાગમાં ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને દીપડાને. એવું પણ કહેવાય છે કે ચિત્તા માટે જે વિસ્તાર સંરક્ષિત કરવામાં આવ્યો હતો ત્યાં દીપડાઓની એન્ટ્રી થઈ ચૂકી હતી તેથી પણ ચિત્તાઓને લાવવામાં મોડું થયું છે. ચિત્તાને આહાર મળી રહે તે પ્રમાણે હરણોની આસપાસ વસાવવાની યોજના છે. ચિત્તા છે ત્યાં અંદાજે 15,000થી 20,000 હરણ વસે છે. અને જો ચિત્તાને આહાર ઓછો પડશે તો મધ્ય પ્રદેશના પેન્ચ નેશનલ પાર્કમાંથી ચિતલને અહીંયા લાવવામાં આવશે. આ સિવાય અહીંયા જે કુતરા અને ગાય-ભેંસ છે તેમનું રસીકરણ કરવામાં આવ્યું છે, જેથી તેઓ ચિત્તાના શિકાર બને ત્યારે તેમનું ઇન્ફેક્શન ચિત્તામાં ન પ્રસરે.

ચિત્તાઓને અહીં વસાવવાનું ખર્ચની દૃષ્ટિએ પણ સોંઘુ નથી. આ પૂરા પ્રોજેક્ટમાં શરૂઆતનો ખર્ચ 40 કરોડની આસપાસ છે. જેમ જેમ ચિત્તા અહીં આવશે તેમ તે ખર્ચ વધશે. મોનિટરિંગ, તેમના રખરખાવનો ખર્ચ અને આ સિવાયના કેટલાંક ખર્ચ જે ક્યારેય સામે આવવાના નથી તેવા પણ છે.

આ તો થઈ તેમને અહીં વસાવવાની તૈયારીઓની વાત, પણ ખરેખર એશિયાના આ હિસ્સામાં આફ્રિકન ચિત્તાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે? આ વિશે મતમતાંતર છે. સરકાર તરફથી ચિત્તાઓને રિલોકેટ કરવાની કોઈ નકારાત્મક વાત આવી નથી. સરકાર જાણે છે કે જોખમ છતાં પ્રયોગ ખાતર આ પ્રોજેક્ટ કરવા જેવો છે. જ્યારે પર્યાવરણવિદ્ તેના વિરોધમાં છે અને તેનાં તેમની પાસે અઢળક કારણો છે. પહેલો તો એ કે એશિયાટીક ચિત્તાઓ અને આફ્રિકન ચિત્તાઓનું શારીરિક બંધારણ વેગળું છે. એશિયાટીક ચિત્તા કદમાં નાના છે, ઉપરાંત તેમના રંગમાં પીળાશ વધુ છે. એશિયન ચિત્તાનું મ્હોં નાનું, પગ નાના છે. ભારતમાં આફ્રિકાના ચિત્તાઓને લાવવામાં મુખ્યત્વે જે ભય છે તેમાં વાતાવરણનો તો છે, પણ સાથે બીમારીઓનો ભય છે, ઉપરાંત જે મોકળાશ ચિત્તાઓને જોઈએ તે તેમને અહીં મળશે કે નહીં તે પણ પ્રશ્ન છે. પર્યાવરણવિદ્ સરકારની એ વાતને ખારીજ કરે છે કે ચિત્તાને અહીં સંરક્ષણ અર્થે લાવવામાં આવ્યા છે. તેમનો પ્રશ્ન સરકારને છે કે જો તેઓ સંરક્ષણ અર્થે લાવતા હોય તો પહેલાં આપણા દેશના જ પ્રાણી-પક્ષીઓની સંરક્ષણની તેમની જવાબદારી બને છે.

આ સિવાય એક મુખ્ય પ્રશ્ન ચિત્તાઓ શિકાર દ્વારા જે પ્રાણીઓને આહાર બનાવશે તેમનો પણ છે. જેમ કે વાઇલ્ડલાઇફ ઇન્ડિયા દ્વારા એવી નોંધ કરવામાં આવી છે કે કુનોમાં શિકાર કરવા માટે પૂરતાં -ચિત્તલ, નિલગાય, સાંબર, ચિન્કારા અને જંગલી ભૂંડ છે. પરંતુ જે નોંધ વાઇલ્ડલાઇફ ઇન્ડિયા દ્વારા મૂકવામાં આવી છે તેમાંથી કેટલાંક ચિત્તા માટે શિકાર કરીને આહાર બને તેમ નથી. જેમ કે, એક વયસ્ક સાંબરનો શિકાર કરવાનું આફ્રિકન ચિત્તા માટે અઘરું છે. ઉપરાંત અહીંયાનું ગાઢ જંગલ પણ ચિત્તાને અનુકૂળ આવશે કે નહીં તે પ્રશ્ન છે. સામાન્ય રીતે ચિત્તા ખુલ્લાં ઘાસના મેદાનોમાં નિવાસ કરે છે. અહીંયા તેને તદ્દન વેગળું વાતાવરણ મળશે તો તેમના વલણમાં બદલાવ જોવા મળશે. તેમને અહીં લાવીને તેઓ પોતાની મેળે જંગલમાં વિહરશે તેને લઈને હજુય પ્રશ્નો છે. આ સિવાય ચિત્તા મોકળાં ક્ષેત્રમાં રહેવા ટેવાયો છે. તેમનું બ્રિડિંગ પણ તે કારણે ઓછું થશે. સામાન્ય રીતે 100 ચિત્તાઓને 5000 સ્કેઅર કિલોમીટરનો વિસ્તાર જોઈએ.

ચિત્તાઓને વસાવવા જે સગવડો ઊભી કરવામાં આવી છે તેની સામે આ પાયાંના પ્રશ્નો વધુ ગંભીર લાગે છે અને વડા પ્રધાન આ પ્રોજેક્ટને અમલમાં મૂક્યા પછી પણ તેના પરિણામ વિશેનું આકલન એકાદ-બે વર્ષ પછી જ થઈ શકશે. ત્યાં સુધી ચિત્તાઓ પર જોખમ રહેશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular