નવજીવન ન્યુઝ.અરવલ્લી/રાજકોટ: ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર ઠેર બંધ અને રેલીઓ યોજવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દેખરેખ હેઠળ સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજાની માંગ સાથે સોમવારે અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા ટાઉન હોલથી જીલ્લા કલેકટર કચેરી સુધી જુદા જુદા સંગઠન દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું. હત્યા કરનાર શખસો સામે કડક પગલા લેવા સંગઠનોએ માંગણી કરી છે. આ ઘટનાના પગલે સંગઠનોના સભ્યોએ રોષ વ્યકત કર્યો હતો.

મોડાસા શહેરમાં આજે સોમવારે ધંધુકાના યુવાનની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, હિન્દૂ યુવા વાહિની, હિન્દુ યુવા સંગઠન,ગુજરાત ભરવાડ યુવા સંગઠન, માલધારી સમાજના સંગઠનો સહિતના હિન્દૂ સંગઠનોએ વિશાળ મૌન રેલી કાઢી હતી આ જુદા જુદા સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું. યુવાનની હત્યા કરનાર શખસોને કડક સજા કરવા માંગણી કરવામાં આવી હતી. ગત તા. રપ જાન્યુઆરીએ ધંધુકામાં બે શખસોએ ગોળી મારી કિશનભાઈ બોળીયા નામના યુવાનની હત્યા કરી નાખી હતી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલ ૫ આરોપીને ઝડપી લીધા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ હત્યાને લઈ જુદા જુદા હિન્દુ સંગઠનો અને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

ધંધુકાના યુવાનના હત્યાના વિરોધમાં મોડાસા શહેર સહિત રાજ્યના કેટલાક જિલ્લા અને તાલુકામાં પણ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ સજ્જડ બંધ પાળવામાં પણ આવ્યો હતો. આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી રહી છે અને આવા બનાવ ફરીના બને તે માટે ઉદાહરણરૂપ સજા આપવી જોઈએ તેમ લોકોએ માંગણી કરી હતી.
રાજકોટમાં ધાર્મિક સંગઠનોના લોકો કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે પહોંચ્યા હતા. સંગઠનો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ રેલીમાં જોડાયેલા લોકો દુકાનો બંધ કરાવી રહ્યા હતા. જેથી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. હાલ રાજકોટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસકર્મી હાથમાં ગન અને દંડો લઈને ટોળાં પાછળ દોડતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હિન્દુ સંગઠનો તેમજ માલધારી સમાજ દ્વારા આજે અડધો દિવસ રાજકોટ બંધ રાખવાની માગ કરવામાં આવી હતી. જોકે પોલીસે મધ્યસ્થી કરતાં બંધના એલાનની જાહેરાત અટકાવી હતી. પોલીસે રેલીને મંજૂરી આપતા હિન્દુવાદી સંગઠનો અને માલધારી સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે રેલી કાઢવામાં આવી હતી. આવેદનપત્ર આપ્યા બાદ ટોળું બેકાબૂ બન્યું હતું.
કિશન ભરવાડ હત્યા કેસ: રાજકોટમાં રેલી દરમ્યાન ટોળું બેકાબૂ, પોલીસકર્મી હાથમાં ગન લઈ ટોળું વિખેરવા દોડ્યા #KishanBharvad #rajkot #rajkotpolice pic.twitter.com/jJuN4GAdV5
— Navajivan News (@NavajivanNews) January 31, 2022
રાજકોટના ધર્મ સિનેમા પાસે ટોળાંએ રસ્તા પર ટ્રાફિક રોકવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનોને બંધ કરાવી રહ્યા હતા. જેથી પોલીસ એક્શનમોડમાં આવીને ટોળુંને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












