૨૦૨૩-૨૪માં ભારતના રૂનો વૈશ્વિક વપરાશ હિસ્સો ૨૧ ટકા જળવાઈ રહેશે
ભાવની ઉથલપથલ મુજબ વૈશ્વિક રૂ વાવેતરમાં બદલાવ આવતો રહેશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આખા જગતમાં હાફૂસ કેરીનું નામ પડે એટલે તુરંત ભારત યાદ આવે. આજ પ્રકારે હવે કસ્તુરી કોટનનું નામ લેવાશે, ત્યારે તે ઉત્તમ ગુણવત્તાનું ભારતીય રૂ એવું માની લેવાનું રહેશે. મુંબઈમાં આયોજિત ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીની ૮૧મી વૈશ્વિક કોફરન્સમાં ભારતીય કપડાં મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ટેક્સપ્રોસીલ, અને કપડાં ઉધ્યોગએ જાગતિક રૂ વેપારીઓ સમકક્ષ કસ્તુરી કોટનની ગુણવત્તાના તમામ પાસાઓ રજૂ કરીને ભારતીય રૂનો ડંકો વગાડ્યો હતો. બ્લોકચેઇન આધારિત ટેકનોલોજીની મદદથી કસ્તુરી કોટન પ્રાયોજિત કારવામાં આવ્યું હતું. તમે એક કયુઆર કોડને ચકાસશો કે તુરંત એક ગ્રાહક તરીકે તમને તેની સંપૂર્ણ સપ્લાય ચેઇન, જિનિંગ, અને સ્પિનિંગ જેવી મહત્વની માહિતી ઉપલબ્ધ થશે.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર લલીત કુમાર ગુપ્તાએ કોન્ફરન્સમાં કહ્યું કે ૨૯ અને ૩૦ એમએમ કોટનના તમામ પ્રોટોકોલ તૈયાર કરી દેવામાં આવ્યા છે. બજારમાંથી રૂ પ્રાપ્ત કર્યા બાદ તેને કડક માનકોમાંથી પસાર કરવામાં આવશે. અહી તેની ગુણવત્તાના તમામ પાસાઓ માપવામાં આવશે, જેમાં તેની લંબાઈ, રૂમાં ભેજનું પ્રમાણ, રેશાની મજબૂતાઈ વિગેરે આવરી લેવામાં આવશે. કસ્તુરી કોટન મેળવવાના ત્રણ માપદંડ નક્કી કરવામાં આવા છે, જે કયા ઉપલબ્ધ છે, તેની પ્રમાણિતતા (સર્ટિફિકેશન) અને બ્રાન્ડિંગનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે કસ્તુરી કોટન ઉપરાંત હવે સીસીઆઈ બ્લોકચેઇન ટેકનોલોજી મારફત પ્રમાણિત બેલ (ગાંસડી) આઇડન્ટિફિકેશન એન્ડ ટ્રેસેબીલીટી સિસ્ટમ (બિટ્સ)નો ઉપયોગ કરીને તમામ પ્રકારના રૂનું વેચાણ કરવામાં આવશે. અરવિંદ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેકટર કુલિન લાલભાઈએ કહ્યું કે આ પ્રકારનું બ્રાન્ડિંગ એક ખુબજ આવશ્યક પગલું છે. આનાથી તમામ પક્ષકારોને વેલ્યૂ ચેઇનનો લાભ મળશે. ભારત સરકારે આ માટે ખૂબ મહેનત કરી છે. ઉધ્યોગના ટેકા વડે ટેક્સપ્રોસિલે આમાં મહત્વની ભૂમિકા કરી છે. રૂની બ્રાન્ડિંગમાં થનાર ખર્ચમાં સરકાર અને ઉધ્યોગ સરખે હિસ્સે ભાગીદારી કરશે.
આઇસીએસીએ ૨૦૨૩-૨૪નું જાગતિક રૂ ઉત્પાદનનું અનુમાન ગતવર્ષના ૨૪૬ લાખ ટનથી ૩.૨૫ ટકા વધારીને ૨૫૪ લાખ ટન મુકયું હતું. કમિટીએ કહ્યું કે ૨૦૨૩-૨૪માં વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો બેથી ૨૧ ટકા જેટલું ઘટવાનું અનુમાન છે, પણ વૈશ્વિક રૂ ઉત્પાદન ભૂમિકામાં ભારતનો બીજા નંબરનો ક્રમ જળવાઈ રહેશે. ૨૦૨૩-૨૪માં ભારતના રૂનો વૈશ્વિક વપરાશ હિસ્સો ૨૧ ટકા જળવાઈ રહેશે. જગતના સૌથી મોટા રૂ ઉત્પાદક ચીનનો વપરાશ બેથી 30 ટકા ઘટશે. ભારતમાં કપાસ વાવેતરમાં નજીવો ઘટાડો થશે. અલબત્ત, જાગતિક સ્તરે પણ વાવેતર ગતવર્ષના ૩૨૦ લાખ હેકટરથી વધીને ૩૩૦ લાખ હેકટર થશે. આઇસસીએસીનું કહેવું છે કે ભાવની ઉથલપથલ મુજબ વૈશ્વિક વાવેતરમાં બદલાવ આવતો રહેશે. કમિટીનું કેવું છે કે ૨૦૨૨-૨૩માં આંતરરાષ્ટ્રીય રૂ વેપાર ૮૦ લાખ ટનનો થયો હતો જે ૨૦૨૩-૨૪માં વધીને ૯૨ લાખ ટન થવાની શક્યતા છે. સૌથી મોટા નિકાસકારોમાના એક અમેરિકાનો નિકાસ હિસ્સો ગતવર્ષ ૩૪ ટકા હતો તે આ વર્ષે ઘટીને ૨૯ ટકા થવાનો અંદાજ છે.
વધુમાં અમેરિકન લોંગ સ્ટેપલ અને એકસ્ટ્રા લોંગ સ્ટેપલ રૂ ઉત્પાદન ૨૦૨૨-૨૩મા તેના આગળના વર્ષના ૭૨ હજાર ટનથી વધીને ૧.૦૩ લાખ ટન થયું હતું. આ વૃધ્ધિ ભારત, થાઈલેન્ડ ચીનને સમકક્ષ હતી. ભારતમાં ૨૦૨૨-૨૩માં લોંગ સ્ટેપલ અને એકસ્ટ્રા લોંગ સ્ટેપલ રૂનો વપરાશ જગતમાં સૌથી વધુ હોવા છતાં, ૯૦૦૦ ટન ઘટીને ૧.૫ લાખ ટન થયો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








