Sunday, October 13, 2024
HomeGujaratજ્યારે સૈન્ય અધિકારીના દીકરાને કેદમાંથી પાકિસ્તાને છોડવાનોપ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે બધા જ...

જ્યારે સૈન્ય અધિકારીના દીકરાને કેદમાંથી પાકિસ્તાને છોડવાનોપ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે બધા જ બંદીવાન કેદીઓ મારા દીકરાઓ છે…

- Advertisement -

ફિલ્ડ માર્શલ કોદન્દેરા એમ. કરીઅપ્પાનું નામ ઇતિહાસના પાનાંઓ પર સુવર્ણ અક્ષરે લખાયું છે અને તે ક્યારેય ભૂંસાવાનું નથી. દર વર્ષે 15 જાન્યુઆરીનો ‘સૈન્ય દિન’ ફિલ્ડ માર્શલ કોદન્દેરા એમ. કરીઅપ્પાની યાદગીરીમાં ઉજવાય છે. 1949માં આ દિવસે કે. એમ. કરીઅપ્પા પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ દેશને મળ્યા હતા.ભારતીય સૈન્યમાં અત્યાર સુધી ફિલ્ડ માર્શલનું બિરૂદ બે જ સૈન્ય ઓફિસરને મળ્યું છે; પ્રથમ હતા સૅમ માણેકશા અને બીજા કે. એમ. કરીઅપ્પા. કરીઅપ્પાની આ ટૂંકી ઓળખ છે, પણ તેમના સૈન્ય કારકિર્દી અને વ્યક્તિત્વનાં અનેક એવાં પાસાં છે જે અંગેના કિસ્સાઓ જાણીતા બન્યા નથી.

1919માં માત્ર વીસ વર્ષની ઉંમરે યુવાન કરીઅપ્પા તત્કાલિન દેશના બ્રિટિશ સૈન્યમાં જોડાયા હતા. તે વખતે અંગ્રેજોનું રાજ વિશ્વના અનેક દેશોમાં હતું અને તેને ટકાવી રાખવા માટે યુદ્ધની નોબત પણ અવારનવાર આવતી. 1920-21માં આવાં જ એક સંઘર્ષ વખતે યુવાન કરીઅપ્પા ઇરાકની ધરતી પર ગયા હતા.બ્રિટિશ સૈન્યમાં ભારતીય સૈનિકોનું કામ પડકારભર્યું હતું, પછી તે ઑફિસર કક્ષાનો કેમ ન હોય. તે કાળે વિશ્વમાં અવારનવાર યુદ્ધના મોરચે જવાનું થતું. આ જ કારણે તે સમયે બ્રિટિશ સૈન્ય સાથે જોડાયેલા સૈનિકોને ટ્રેઇનિંગ પૂરા વિશ્વભરમાં મળતી. આવા જ એક કાર્યક્રમ અંતર્ગત 1925માં કરીઅપ્પાને અમેરિકા, જાપાન, ચીનમાં પ્રવાસ કરવાની તક મળી. તેઓ અહીંયા વિવિધ દેશોના સૈનિકો અને નાગરિકો સાથે રૂબરૂ થયા. આ પ્રવાસ તેમના સૈન્ય કારકિર્દી માટે ખૂબ ઉપયોગી રહ્યો, અને પછી તેમને સૈન્યમાં સ્થાયી કૅપ્ટનનું પદ મળ્યું.

- Advertisement -

કરીઅપ્પાની શિખવાની ધગશ દ્વારા જ તેમને 1938માં મેજરનું પદ મળ્યું. અત્યાર સુધી જે અનુભવ-પદ કરીઅપ્પાને મળ્યા હતા તેની ખરી પરીક્ષા શરૂ ત્યારે થઈ જ્યારે બીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા માંડ્યા. ત્યારે પણ અંગ્રેજોને ભારતીયોને ફ્રન્ટ પર મોકલ્યા. આ દરમિયાન જ અંગ્રેજોએ સૈન્યને વધુ ભારતીય સ્વરૂપ મળે તે અર્થે એક કમિટિની રચના કરી હતી. ‘સ્કીન કમિટિ’ નામની આ કમિટિએ તે વખતે સૌથી વધુ અનુભવ ધરાવતા કરીઅપ્પા સાથે ખાસ્સી ચર્ચા કરીને ફેરફાર અંગેના નિર્ણય લીધા હતા. જોકે કમિટિ સામે કરીઅપ્પાએ એ વાત ખુલીને મૂકી હતી કે બ્રિટિશ સૈન્યમાં ભારતીય અધિકારી અને સૈનિકોને યોગ્ય માનપાન તો નથી જ મળતાં, પણ જ્યારે પ્રમોશન, એપોઇમેન્ટ અને અલાઉન્સની વાત આવે છે ત્યારે યુરોપિયનોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.

1941-42 વર્ષમાં તેઓ ઇરાક, ઇરાન અને સિરિયાના ફ્રન્ટ પર રહ્યા. પછી બે વર્ષ બર્મા જવાનું બન્યું. પછી તેઓને બટાલિયનનું નેતૃત્વ કરવા મળ્યું, તેઓ અંગ્રેજરાજમાં બટાલિયનનું નેતૃત્વ કરનારા પ્રથમ ભારતીય હતા. આઝાદીના દિવસો ગણાઈ રહ્યા હતા તેમ તેઓ સૈન્યના વધુ ઊંચા પદ તેમને સોંપાતા ગયા. 1945માં તેઓ બ્રિગેડિયરના પદે આવ્યા અને તે વર્ષે જ્યારે તેઓને વઝિરિસ્તાનમાં બન્નુ ફ્રન્ટિયર બ્રિગેડના કમાન્ડર તરીકે મોકલવામાં આવ્યા ત્યારે પાકિસ્તાનના બીજા રાષ્ટ્રપતિ પદે બિરાજનારા અયુબ ખાને તેમના હાથ નીચે સેવા બજાવી હતી!

ભારતીય સૈન્યમાં રેજિમેન્ટને ધર્મ, ક્ષેત્ર કે વંશના બંધનોમાંથી તોડીને તેને સર્વસમાવેશક બનાવવાનું કાર્ય પણ કરીઅપ્પા દ્વારા થયું. આઝાદી વખતે કરીઅપ્પાની જ આગેવાની હેઠળ બે દેશોના સૈન્યના સંપત્તિની વહેંચણી થઈ.આ પછી પાકિસ્તાન સાથે થયેલાં કાશ્મીર મુદ્દાના સંઘર્ષમાં પણ કરીઅપ્પાની ભૂમિકા અગત્યની બની રહી. 1948માં જુલાઈ મહિનામાં જ્યારે કાશ્મીર ખીણના ક્ષેત્રમાં જ્યારે સરકાર દ્વારા ઓપરેશન કરવાની મનાઈ ફરવવામાં આવી ત્યારે કરીઅપ્પાએ આ વિસ્તારને બચાવવા સરકારની હૂકમની અવગણના કરી ઓપરેશન કર્યું અને ભારતના અનેક વિસ્તારો કાયમ માટે સુરક્ષિત કર્યા.

- Advertisement -

કરીઅપ્પાના પરીવારમાં તેમની નિવૃત્તિ બાદ પણ સૈન્યની સેવાની પરંપરા તેમના દીકરાએ કે. સી. નંદાએ જાળવી રાખી. તેઓ ઇન્ડિયન એર ફોર્સમાં એર માર્શલ બન્યા. આ દરમિયાન 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ થયું અને કે. એમ. કરીઅપ્પાના દીકરો નંદા પાકિસ્તાન વિસ્તારમાં જઈ પહોંચ્યા ત્યારે તેમને કેદ કરવામાં આવ્યા. પાકિસ્તાન સરકારે જાણ્યું કે તેઓ ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફના દીકરા છે. તત્કાલિન પાકિસ્તાન સૈન્યના જનરલ અયુબ ખાને રેડિયો પર એવી જાહેરાત કરી કે કરીઅપ્પાના દીકરો અમારી કસ્ટડીમાં છે અને જુનિયર કરીઅપ્પા હોવાના નાતે અમે તેની મુક્તિની જાહેરાત કરીએ છીએ. જોકે કરીઅપ્પા અયુબ ખાનનો પ્રસ્તાવ એમ કહીને ઠુકરાવી દીધો કે પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીય સૈનિક મારા દીકરા છે. એટલે પછી કરીઅપ્પાની દીકરા નંદાની મુક્તિ વર્ષો બાદ પાકિસ્તાનના જેલોમાં બંધ અન્ય સૈન્ય કેદીઓ સાથે જ થઈ હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular