નવજીવન ન્યૂઝ. જુનાગઢ: જુનાગઢમાં મીરા નગર વિસ્તાર આવેલા ગાર્ડનમાં સવાર હોય કે સાંજ બાળકો અવાર નવાર આંનદ માણતા જોવા મળતા હોય છે બાળકોના ચહેરાની સ્મિત જોઈને સૌ કોઈનું મન પ્રફુલીત થઈ જતુ હોય છે. પરતું ગાર્ડનમાં બધા જ બાળકો રમતા હોય અને બે બાળકો રોજ ઉદાસ થઈને બેઠા ત્યારે તેમને જોનારા પણ અસમંજસમાં મુકાતા, આખરે આ બે બાળકોને શું થયું હશે. બંને બાળકોની ઉદાસી ગાર્ડનમાં આવનારા સૌ જોતા એક વાર વોક કરવા જતા માણસોએ તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો તેમની આંખો પણ ભીની થઈ ગઈ.
વોક કરવા જતા માણસોને બાળકોની ઉદાસીની ગંભીરતા સમજાઈ ગઈ અને તેના નિરાકરણ લાવવાના માટે બાળકો અંગેની વાત જુનાગઢના DySP પ્રદિપસિંહ જાડેજાને જણાવવામાં આવી કે, જુનાગઢમાં રહેતા પરબતભાઇ મેણસીભાઈ નંદાણીયા આહીર જેઓ એક વાડીમાં ખેતમજૂરી કામ કરે છે. તેમના ભાઈ આલાભાઈ જેઓ અકસ્માતમાં મૃત્યુ પામેલા હતા અને તેમના પત્ની 2016માં બીમારીમાં મૃત્યુ પામેલા હતા. તેઓના અનાથ સંતાન એક દીકરો ઉદય ઉવ. 07 અને એક દીકરી શીતલ ઉવ. 09 તેમની સાથે રહે છે. લોકો ચાલવા જાય ત્યારે બીજા બાળકો રમતા હોય ત્યારે આ અનાથ બંને ભાઈ બહેન એકબીજા સામે જોઇને બેઠા રહેતા હતા અને કયારેય બીજા બાળકોની જેમ રમતા કે આંનદ કરતા જોવા મળતા ન હતા.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ વાતની ગંભીરતા સમજી પરબતભાઇ નંદાણીયાનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે પોતાના ભાઈ આલાભાઈ કેશોદ ખાતે રહીને ખેતમજૂરી તથા ડ્રાઇવિંગ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન એમના પત્નીનું 2016માં આકસ્મિક અવસાન થયું હતું. દીકરો તો હજી માં બોલતા પણ શીખયો ન હતો તે પહેલા જ તેની માતાએ દુનિયાને અલવીદા કરી હતી. ત્યારબાદ તાજેતરમાં એક વાહન અકસ્માતમાં પોતાના ભાઈને ઇજા થતા વધુ સારવાર માટે તેઓને અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થતા તેમના બંને બાળકોને નોંધારા થઈ ગયા હતા. ત્યાર બાદ પરબતભાઇ બાળકોને પોતાના ઘરે લઈ આવ્યા હતા.
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત સરકારના જિલ્લા બાળ સુરક્ષા ખાતા દ્વારા પાલક માતાપિતા યોજના અંતર્ગત સહાય મળતી હોવાનું પરબતભાઇને સમજાવ્યું પરંતું બાળકના પિતાનુ નામ અક્સમાતમાં આલાભાઈને બદલે અરવિંદભાઈ લખાયેલું હોવાથી મરણનો દાખલો મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદથી લેવાનો હતો. પરંતુ પોતે અભણ હોવાથી કાર્યવાહી કરાવવા વિનંતી કરતા. રીટા તલાટી સામતભાઈ પંપાણીયા અને ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તત્કાલીન કેશોદ પીએસઆઈ એન.બી. ચૌહાણનો સંપર્ક કરી અકસ્માતમાં મૃત્યુ પામેલ આલાભાઇના નામમાં સુધારો કરવા અમદાવાદ કોર્પરેશનના કર્મચારી જગબિરસિંહ ચંપાવત સાથે સંકલન કરીને મરણનો દાખલો મંગાવી આપ્યો હતો.
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જિલ્લા બાળ વિકાસ એકમ જૂનાગઢના અધિકારી રમેશભાઈ મહિડાના સહકારથી બંને બાળકોને ગુજરાત સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત બંને બાળકોના દર મહિને રૂ. 3,000 મંજૂર કરવામાં આવ્યા હતા. હવે બને બાળકો શીતલ અને ઉદયને દર મહિને ત્રણ ત્રણ હજાર 18 વર્ષના થાય ત્યાં સુધી મળશે. પોલીસના ફરજમાં ન આવતી કેટલીક બાબતો ઘણીવાર તેમની સામે આવીને ઊભી રહેતી હોય તેમ છતાં માનવતાના ધોરણે પોલીસકર્મી દેવદુત બનીને લોકોની મદદે આવતા હોય છે. ત્યારે આ કિસ્સામાં તો ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજાએ બાળકોને જોયા પણ ન હતા, છત્તાં બાળકોના ચહેરાની ઉદાસી જાણે વાંચી ગયા હતા અને તેને સ્મિત મળે તે માટે જુનાગઢથી 300 કિ.મી દુર અમદાવાદ સુધી સંપર્કો સાંધી બાળકોને મદદ કરી હતી.