Sunday, July 13, 2025
HomeGujaratJunagadhહર્ષિલ જાદવ કસ્ટોડિયલ મર્ડર કેસમાં જલ્લાદ જેવા PSI મુકેશ મકવાણાના એક દિવસના...

હર્ષિલ જાદવ કસ્ટોડિયલ મર્ડર કેસમાં જલ્લાદ જેવા PSI મુકેશ મકવાણાના એક દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh Custodial Case Update: પોલીસ કર્મચારીના કેટલાક એવા ચહેરા પણ સામે આવે છે જેને પોલીસ કહી શકાય કે કેમ તે પણ સવાલ છે. પૈસા માટે કોઈ પોલીસ કમચારી કોઈ આરોપીનો જીવ કઈ રીતે લઈ શકે? ત્યારે હર્ષિલ જાદવ નામના આરોપીને છેતરપિંડી કેસમાં અટકાયત કરી રીમાન્ડ દરમિયાન ઢોર મારતા હર્ષિલ જાદવ મોતને ભેટ્યા હતા. આ કેસમાં PSI મુકેશ મકવાણા (Mukesh Makwana) સામે હત્યા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે PSI મુકેશ મકવાણા ફરાર થઈ ગયો હતો અને જૂનાગઢ પોલીસે (Junagadh Police) આરોપીને પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો અને તપાસ માટે રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 9 જાન્યુઆરીના રોજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હર્ષિલ જાદવની જૂનાગઢ પોલીસે અટકાયત કરી હતી. છેતરપીંડીના કેસ અંતર્ગત પૂછપરછ કરવા માટે હર્ષિલ જાદવને અમદાવાદથી અટકાયત કરી જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે હર્ષિલ જાદવને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે હર્ષિલ જાદવના રિમાન્ડ મંજૂર પણ કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ સબ ઈન્સ્પેકટર મુકેશ મકવાણાએ હર્ષિલ જાદવ પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. પણ હર્ષિલ જાદવે પાંચ લાખ રૂપિયા આપવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં ત્રણ લાખ રૂપિયાની માગ કરી હતી. પણ હર્ષિલ જાદવના પરિવારે પૈસા આપવાનો ઇનકાર કરતાં પોલીસ ઈન્સ્પેકટર મુકેશ મકવાણાએ હર્ષિલ જાદવને ઢોર માર માર્યો હતો.

- Advertisement -

જ્યારે હર્ષિલ જાદવના રિમાન્ડ પૂર્ણ થયા ત્યારે હર્ષિલ જાદવને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પણ હર્ષિલ જાદવની શારીરિક હાલત જોઈ જજ પણ ચોંકી ગયા. જ્યારે જજે હર્ષિલ જાદવને આ બાબતે પૂછ્યું ત્યારે હર્ષિલ જાદવે તમામ હકીકત મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી. પોલીસ સબ ઈન્સ્પેકટર મુકેશ મકવાણાની આ હરકતથી મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિક PSI મકવાણા સામે ગુનો દાખલ કરવાનો નિર્દેશ કરાયો હતો. કોર્ટે કરેલા નિર્દેશ મુજબ PSI મકવાણા સામે 307 હત્યાની કોશિશ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો. હર્ષિલ જાદવને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે થોડા દિવસમાં જ હર્ષિલ જાદવના જામીન થઈ જતાં જામીન મુક્ત થયા હતા. પણ હર્ષિલ જાદવને એટલો માર મારવામાં આવ્યો હતો કે, તેના લીગાંમેન્ટ ફાટી ગયા હતા. ઈજાઓ એટલી ગંભીર હતી કે, અંતે હર્ષિલ જાદવને હાર્ટ એટેક આવે છે અને હર્ષિલ જાદવ મોતને ભેટે છે.
હર્ષિલ જાદવના મોતને પગલે PSI મકવાણા સામે 302 હત્યા મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પણ આરોપી PSI મકવાણા ફરાર થઈ ગયો હતો. LCB તેમજ SOGની ટીમ સતત આરોપી PSI મકવાણાને પકડવા પ્રયતનશીલ હતી ત્યારે ગઈકાલે PSI મકવાણા ઝડપાઈ ગયો હતો.

PSI મકવાણાની પૂછપરછ કરવા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી PSI મકવાણાના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. રિમાન્ડ અરજીમાં પોલીસે કોર્ટને જણાવ્યુ કે, આરોપીએ હર્ષિલ જાદવના કેસને સરળ બનાવવા માટે પૈસાની માગણી કરી તે બાબતે પૂછપરછ કરવાની છે. તેમજ આરોપી મકવાણા સાથે બીજા કોઈ કર્મચારીએ હર્ષિલ જાદવને માર મારવામાં કોઈ ભૂમિકા નિભાવી છે કે કેમ તે પણ તપાસ કરવાની છે. પોલીસે કરેલી રિમાન્ડ અરજીને ધ્યાને લઈ કોર્ટે આરોપી મકવાણાના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular