કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઝારખંડની પૃષ્ઠભૂમિ પર નિર્માણ પામેલી ‘ટુ કીલ અ ટાઇગર’ નામની ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ આ વર્ષે ઓસ્કારમાં (Oscar) નામાંકિત થઈ છે. આ ફિલ્મ કેનેડાની છે, પણ તેનું ફિલ્માંકન ઝારખંડમાં થયું છે. ફિલ્નો વિષય છે તેર વર્ષની બાળકી પર ગેંગ રેપના દોષીઓને સજા અપાવવા માટે પિતાની ન્યાય માટેની લડત. ‘ટુ કીલ અ ટાઇગર’ ફિલ્મ વિશ્વભરમાં પ્રશંસા પામી છે, પણ તેનો મૂળ ઉદ્દેશ્ય બાળકીને ન્યાય અપાવવાનો છે, જે આજે 18 વર્ષની થઈ ચૂકી છે. આ પ્રકારની ફિલ્મો માટે હંમેશ એવું કહેવાય છે કે આપણા દેશને વિદેશીઓ આવીને અયોગ્ય રીતે ચિતરે છે અને તેના આધારે તેઓ પ્રશંસા મેળવે છે. પણ જો આ પૂરી ઘટના પર ફિલ્મ ન બનત, તો તે ઘટનાને આટલી ગંભીરતાથી કોઈએ લીધી ન હોત અને જ્યાં આ ગુનો બન્યો છે, તે ગ્રામવાસીઓના નિવેદનમાં તો આવું જ લાગે છે. આ કહાની માત્ર ઝારખંડની કે આ એક ગામની નથી; બલકે દેશભરમાં દર 20 મિનિટે એક બળાત્કારની ઘટના બને છે, ને તેમ છતાં એવું કહેવાય છે કે હજુ પણ દેશમાં 90 ટકા બળાત્કારની ઘટના રિપોર્ટ થતી નથી અને જે રિપોર્ટ થાય છે તેમાંથી માત્ર ને માત્ર ત્રીસ ટકાને સજા મળે છે.
આ ફિલ્મ બનાવનાર મૂળ ભારતીય પણ કેનેડાના નાગરિક નિશા પાહુજા (Nisha Pahuja) છે. તેમણે આ પ્રકારની ફિલ્મો અગાઉ પણ બનાવી છે. આ ફિલ્મની પૃષ્ઠભૂમિ એવી છે કે, 2017માં ઝારખંડના બેરો વિસ્તારમાં 13 વર્ષની બાળકીનો ગેંગરેપ થયો હતો; જ્યારે તે રાત્રે લગ્નથી પાછી ફરતી હોય છે. ત્રણ યુવાનો તેની પર બળાત્કાર કરે છે ને તેમાં એક તેનો પિતરાઈ ભાઈ છે. આ ફિલ્મ આ બાળકીએ જોઈ ત્યારે તેણે ડિરેક્ટરને સામેથી કહ્યું કે તે પોતાની ઓળખ છૂપી રાખવા ઇચ્છતી નથી. તે આગળ આવવા માગે છે અને તેના જેવી અન્ય પીડિતાઓને પ્રેરણા આપવા ઇચ્છે છે. આ બાળકી માટે સ્થિતિ પડકારભરી એટલા માટે હતી કે આ ઘટના ઝારખંડના એક નાનકડા ક્ષેત્રમાં બની છે, જ્યાં આપણું મીડિયા પહોંચી શકતું નથી. તેના માટે ન્યાયની અવાજ લગાવનારું કોઈ નથી. નિશા પાહુજાને ક્યાંકથી આ ઘટના વિશે માહિતી મળી. નિશા ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ વિશે જાણતી હતી અને અહીંયા અવારનવાર આવાં બનાવો કેમ બને છે અને સમાજ પીડિતાઓને ન્યાય મેળવવા કેમ મદદ કરતો નથી, તે વિશે નિશા અભ્યાસ કરવા માગતી હતી. નિશા જ્યારે ફિલ્મ માટે કેનેડાથી ભારત આવી ત્યારે તેના મનમાં આ વિષય અંગેના અનેક પ્રશ્નો હતા. આ ફિલ્મ દરમિયાન નિશા આ પ્રશ્નોથી રૂબરૂ થઈ.
નિશા પાહુજાની પડકાર હતો કે આંતરિયાળ વિસ્તારમાં આ ગંભીર વિષય અંગે શૂટ કરવું અને સાથે સાથે તે કેસ વિશેની માહિતી મેળવવી. સૌથી અગત્યનું પાસું એ હતું કે, ફિલ્મનિર્માણની પ્રક્રિયા દરમિયાન બાળકી પર કોઈ વિપરીત અસર ન થાય. આ તો નિશા પાહુજા તરફથી ધ્યાને રાખવાની બાબત હતી. પરંતુ આ ઉપરાંત જે ગામમાં આ ઘટના થઈ તે ગામના લોકોનું વલણ પણ નિશા માટે પડકારભર્યું હતું. ગામના લોકો ઠોસ રીતે એવું માને છે કે બાળકીના પરિવારે ત્રણેય દોષી પર થયેલા કેસને માંડી વાળવો જોઈએ. ગ્રામવાસીઓ આ ઘટનાને લઈને એક જ ઉકેલ સૂચવે છે કે આ ત્રણેય દોષીમાંથી કોઈ એક સાથે પીડિતાના લગ્ન કરાવવા જોઈએ.
આ પૂરા કેસમાં બાળકીના પિતા રણજિત અને માતા જિગાન્તી મુખ્ય છે. પિતા છેલ્લા ઘણાં વર્ષોથી કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહ્યા છે. ઘણી વાર રણજિત આ પૂરી લડત મૂકી દેશે તેવુંય નિશા આહુજાને લાગ્યું, પણ તે વખતે તેમની પત્ની અને ખુદ પીડિતાએ રણજિતને દિલાસો આપતાં અને નિરાશ ન થવાનું જણાવતાં. રણજિત ન્યાયની લડત મૂકી દે તે માટે સૌ પહેલાં તેને સમજાવવામાં આવ્યો. સમજાવટમાં ગામના આગેવાનો પણ તેમાં સામેલ હતા. તે પછી રણજિત ન માન્યો એટલે તેને લાંચ આપવાનો પ્રયાસ થયો. છેલ્લે ધમકી પણ આપી. જોકે રણજિત ટસનો મસ ન થયો. એટલું નહીં નિશા અને તેમના ક્રૂ મેમ્બર્સને પણ ઘણી વાર એવું લાગ્યું કે તેમના પર હવે ગ્રામવાસીઓ હૂમલો કરશે, કારણ કે અંદાજે એકાદ વર્ષ સુધી નિશા અને ફિલ્મના ક્રૂ મેમ્બર્સ બાળકીના પરિવાર સાથે ને સાથે રહ્યાં.
એક વખત તો એવુંય બન્યુંય ખરું જ્યારે નિશા અને તેના ક્રૂ મેમ્બર્સ બાળકીના ઘરે બેસીને કેસ અંગેના દસ્તાવેજ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમનો દરવાજો કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉઘાડ્યો, પછી ખબર પડી દોષીમાંથી એકનો તે પિતા હતો. તે ફિલ્મ ક્રૂના મેમ્બરોને ભાંડવા લાગ્યો. ધીરે-ધીરે ગ્રામવાસીઓની ભીડ એકઠી થવા માંડી. તેઓ ગુસ્સે ભરાયલા લાગ્યા. ક્રૂએ તેમના તમામ ઇક્વિપમેન્ટને સમેટ્યા અને ત્યારે તેમાંથી એક-બે જણાએ ફિલ્મ ક્રૂને ત્યાંથી નિકળી જવા માટે રસ્તો કરી આપ્યો. એક વખત તો નિશાને એમ થઈ ગયું કે તે હવે ક્યારેય ફિલ્મ શૂટ કરવા આ ગામમાં નહીં આવે. નિશા આ અનુભવ વિશે કહે છે કે, “મેં તે દિવસે શરમ અનુભવી. ભારતમાં મેં ખૂબ સમય ગાળ્યો છે. અહીંની વ્યવસ્થા તમને શીખવે છે કે આ કેટલું જટિલ છે. અહીંનું જીવન કેટલું જટિલ છે. કશુંય આ દેશમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી.”
આ ફિલ્મને વિશ્વભરમાં અનેક ખ્યાતનામ એવોર્ડ મળ્યા છે. પરંતુ આ ફિલ્મ એવોર્ડ માટે નથી. ખરેખર તો બાળકીઓ પર થતાં જાતીય અત્યાચાર સામે છે. ડિરેક્ટર નિશા આહુજા ખુદ એવું સ્વીકારે છે કે આ ફિલ્મથી તેઓ ખાસ તો બે ઉદ્દેશ્યોને પાર પાડવા ઇચ્છે છે. પહેલાં તો આ પ્રકારની ફિલ્મોથી જેઓ પોતાના પર થતાં જાતીય શોષણ વિશે અવાજ ઉઠાવતાં નથી તેઓ સામે આવે. બીજું કે પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓને સમાન અધિકાર મળે. આ ફિલ્મ 90 મિનિટની છે અને તેનું ટ્રેઇલર જોઈને ખ્યાલ આવે છે કે આ ફિલ્મ શૂટ કરવામાં ડિરેક્ટર અને તેમના સાથીઓએ કેટલાં બધા પડકારોનો સામનો કર્યો હશે. બીજું આ ફિલ્મમાં માત્ર દસ્તાવેજીકરણ નથી, તે ફિચર ફિલ્મ જેવી છે. આ ફિલ્મ નિર્માણ કરવામાં મસમોટી ટીમ લાગેલી હતી. આ ફિલ્મના પ્રોડ્યુસરની યાદીમાં જાણીતા હોલીવુડ એક્ટર દેવ પટેલ છે અને જાણીતા ડિરેક્ટર દિપા મહેતા પણ છે.
જે રીતે આ ફિલ્મ નિર્માણ પામી છે તેનાથી ચોક્કસ જ પીડિત બાળકીને ન્યાય મેળવવાની આશા જાગી છે. આ ફિલ્મના રિસર્ચમાં એક દોઢ વર્ષ જેટલો ગયો. તે પછી તેને એડિટીંગમાં ત્રણ વર્ષ ગયા. અને પૂરી ફિલ્મ તૈયાર થવામાં પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો છે. નિશા એવું માને છે કે આ પાંચ વર્ષ દરમિયાન પીડિત બાળકી, તેના પિતા અને તેના પરિવાર હરહંમેશ સાથે રહ્યો છે તેવું મેં અનુભવ્યું છે. આ ફિલ્મ નિર્માણ પામી અને આજે ઓસ્કાર સુધી પહોંચી છે, પરંતુ તેની શરૂઆત ભારતમાં પુરુષપ્રધાન સમાજ દ્વારા મહિલાઓ પર થતાં અન્યાયની વાત મૂકવા સુધી સિમીત હતી. દિલ્હી સ્થિત ‘સેન્ટર ફોર હેલ્થ એન્ડ સોશિયલ જસ્ટીસ’ નામની એક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમ દરમિયાન નિશા આહુજા અહીંયા આવી. ઝારખંડમાં જ્યારે આ કાર્યક્રમ આરંભાયો ત્યારે તેમાં પીડિત બાળકીના પિતા રણજિત સામેલ થયા. અને આ રીતે તેમની પૂરી સ્ટોરી નિશા આહુજા સામે આવી. અને જ્યારે ફિલ્મ નિર્માણ કરવાની શરૂઆત થઈ ત્યારે પણ ફિલ્મના નિર્માતા એ બાબતને લઈને સ્પષ્ટ હતા કે ફિલ્મ બને કે ના બને બાળકીને ન્યાય અપાવવાની પ્રાથમિકતા તેમની રહેશે. આ ફિલ્મ બાળકી-મહિલાઓ પર થતાં શોષણના અનેક પડ ખોલી આપે છે અને તદ્ઉપરાંત તે મહિલાઓ સાથે થતાં દુર્વ્યવહારનું ભયાવહ ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796