Tuesday, June 30, 2026
HomeGeneralહું મારા ગમતા માણસોને કાયમ એટલુ જ કહુ છુ આજે છો તેવા...

હું મારા ગમતા માણસોને કાયમ એટલુ જ કહુ છુ આજે છો તેવા કાયમ રહેજો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આપણુ મન બહુ વિચિત્ર હોય છે, વર્ષો પહેલા જે બાબતને કારણને આપણને કોઈ માણસ ગમવા લાગ્યો હતો તે જ બાબતો આપણને ખટકે છે અને એટલે આપણને તે માણસને બદલવા માટે રોજ મહેનત કરીએ છીએ, આપણે જેને બદલવા માટે પ્રયત્ન કરીએ છીએ બની શકે તે તમારૂ કોઈ પ્રિયજન હોય કે પછી તમારો મિત્ર પણ હોઈ શકે છે, મારી જ વાત કરૂ 1995માં હું મારી પત્ની શીવાનીને પહેલી વખત મળ્યો, તે મળતા મને લાગ્યુ કે તે બહુ જ સરળ સાદી છોકરી છે, જયારે મારે પક્ષે મારી જીંદગી બેફામ હતી, કારણ મને કોઈ નિયમોમાં બંધાઈ જીવવુ ત્યારે અને આજે પણ ગમતુ નથી, જો કે આ ઉત્તમ માર્ગ છે તેવો દાવો પણ કરી શકાય નહીં પણ મે પસંદ કરેલો રસ્તો છે. હવે જયારે હું શીવાની જીવનભર સાથે રહેવાના હતા ત્યારે મારે મારી મર્યાદાઓ કહી દેવી જરૂરી હતી કારણ મારી મર્યાદાઓને પહેલો ભોગ તે બનવાની હતી. મેં તેને માંડી વિગતે મારા જીવન, મારી જીવન જીવવાની પધ્ધતિ અને મારી સફરની વાત કરી, તેણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યુ આપણે સાથે રહી શકીશુ.



અમારો સંસાર શરૂ થયો, ધીરે ધીરે શીવાનીને મારા અંગે ખબર પડવા લાગી જો કે મે કઈ જ છુપાવ્યા વગર જેવો છુ તેવો રજુ થવાનો પ્રયત્ન કર્યો હતો. પછી તે રોજ મને કોઈને કોઈ બાબતે કહેવા લાગી આવુ નહીં, આવુ કરીએ તો કેવુ સારુ, મારી સફર નિશ્ચીત હતી, હું મારા કોઈ રસ્તા અને ક્રમને બદલા માગતો ન્હોતો. હું તેને ઘણી વખત પુછતો મારા જેવા બરછટ માણસને તે કેમ પસંદ કર્યો, તેણે જવાબ આપ્યુ તમારા બરછટપણામાં એક સારો માણસ છુપાયેલો છે, પણ સાથે રહેવાની શરૂઆતના થોડા મહિના પછી શીવાનીએ મારૂ બરછટપણુ કઈ રીતે ઘટે તેવા પ્રયાસ શરૂ કર્યો, હું તેને ત્યારે પણ કહેતો મને બદલવાનો પ્રયાસ કરીશ નહીં ખેર તેના સ્વભાવ પ્રમાણે થાકયા વગર તેના પ્રયાસો ચાલુ રાખ્યા અને આજે પણ તે જ રસ્તે ચાલી રહી છે. હું માનુ છુ કે સાથે રહેતા લોકો અથવા સાથે કામ કરતા લોકોએ બીજાને બદલવાનો શુ કામ પ્રયાસ કરવો જોઈએ, કારણ જયારે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે આપણો પરિપ્રેક્ષ હોય છે, આપણા માનસીક ચિત્ર પ્રમાણે આપણે સાથે રહેનારને તેવા બનાવવા માંગીએ છીએ.

શીવાની મને બદલવામાં નિષ્ફળ ગઈ છે, તેવુ પણ નથી, અનેક વખત બોલીને અને અનેક વખત બોલ્યા વગર તેણે મને વધુ સારો માણસ બનાવવામાં ખુબ મદદ કરી છે. માણસ પોતાના મર્યાદાઓમાંથી બહાર નિકળે તે સારી બાબત છે, પણ મારો અનુભવ કહે છે કે કોઈને બોલીને તે બદલાતો નથી, તમે જેને બદલવા માંગો છે, તેની માટે ખુબ ધીરજ, અને સતત માણસ બનાવવાની મથામણ ચાલુ રાખવી પડે છે આજે પાછળ ફરીને જો તં 15-20 વર્ષ પહેલા હતો તેના કરતા અનેક ઘણો રીફાઈન્ડ થયો છે, તેની ક્રેડીટ કોઈ પણ સંકોચ વગર મારે શીવાનીને આપવી પડે, પણ હું જે માનુ છુ કે કોઈએ કોઈને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તેવુ કરવાનો મે પુરતો પ્રયત્ન કર્યો છે, જો કે મારા બાળકોના કિસ્સામાં અથવા ખુબ નજીકના મિત્રના કિસ્સામાં મારો સંયમ કયારેક તુટી જાય છે, ત્યારે હું પોતાને ફરી યાદ કરાવુ છુ કે મારે શુ કરવાનું નથી.



શીવાનીને મેં પહેલી વખત જોઈ ત્યારે તેણે એક આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો, લાંબા વાળ અને મેકએપ વગરનો સરળ ચહેરો મને ગમી ગયો, શીવાની કયારેય મેકઅપ કરવો ગમ્યો નથી, તે જેવી સરળ હતી તેવી જ સરળ મને આજે પણ ગમે છે, હું તેને કયારે મોંધા અને ભપકાદાર કપડાં પહેર અને મેક કરીશ તો વધુ સારી દેખાઈશ તેવુ કહેતો નથી, કારણ મને તેની સરળતાની સુંદરતા ગમે છે, પણ જયારે હાઈપ્રોફાઈલ લોકોના લગ્ન અથવા પાર્ટીમાં શીવાની સાથે જાઉ ત્યારે પણ તેને બદલવાનું કહેતો નથી, કારણ ઓરીજનાલીટીમાં જે તાકાત છે તે બીજામાં નથી, શીવાની ભરૂચ જેવા નાનકડા નગરમાંથી આવી અમદાવાદ આવ્યા પછી તેણે પહેલી વખત રેસ્ટોરન્ટ જોઈ અમે સાથે મસાલા ઢોંસા ખાવા ગયા, ઓર્ડર આપ્યા પછી મેં જોયુ તે છરી કાટા વડે ખાવાની શીવાને ખબર જ ન્હોતી. મને તેની સમસ્યાનો અંદાજ આવી ગયો, મેં મારી છરી કાટા બાજુ ઉપર મુકયા અને શીવાની સામે જોતા કહ્યુ ચીંતા કરીશ નહીં અને અમે બંન્ને ઢોંસા હાથથી ખાવાની શરૂઆત કરી આજે પણ , મોટી હોટલમાં પણ હાથથી ઢોંસા ખાવાની પધ્ધતિ અમે જાળવી રાખવી છે, કારણ આપણને મઝા આવે તેવુ આપણે જીવવુ જોઈએ કોણ શુ માનશે તેના આધારે જીંદગીની મઝા નક્કી કરી શકાય નહીં.

- Advertisement -

મેં મારી અંદર પણ જોયુ છે જયારે આપણે બીજાને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ ,ત્યારે આપણી અંદર હું જ સાચો છુ તેવો ભાવ આવે છે અને હું જ સાચો તેવો ભાવ આપણને બીજા માણસને બદલવા માટે ઉશ્કેરે છે, સત્ય મોટા હાથી જેવુ છે, દરેક માણસ સત્ય પોતાના સ્થાને ઉભા રહી જુવે છે, જેના કારણે દરેક સત્ય અલગ પણ છે દરેકનું સત્ય એક સરખુ છે, પણ જયારે આપણી અંદર હું જ સાચો તેવો ભાવ તીવ્ર થાય છે, ત્યારે સામેની વ્યકિત ખોટી છે તેવો મનોતાપ આપણને વ્યગ્ર બનાવે છે હું આવી માનસીક સ્થિતિનો અનેક વખત ભોગ બન્યો છુ, જેના કારણે મેં મારા પરિજનો અને મિત્રનો દુખી પણ કર્યા છે, પણ જીંદગી સતત ટ્રાયલ અને એરર જેવી છે, રોજ નવુ લખવાનું છે, જાતે જ ભુંસી નાખવાનું છે મારે પત્રકાર તરીકે અનેક લોકોને મળવાનું છે, ત્યારે અનેક લોકો પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરે છે,. તેમને મળવાનું પણ થાય છે તેઓ ઉત્તમ કામની સાથે ઉત્તમ માણસ થવાનો પણ પ્રયત્ન કરે છે, જે લોકો મને ગમે તેમને હું કાયમ એટલુ જ કહુ છુ આજે છો તેવા સૈદવ રહેજો.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular