Wednesday, July 8, 2026
HomeGujarat"મન હોય તો માળવે જવાય" ખેત મજુરી કરી અભ્યાસ પુરો કર્યો ગીર...

“મન હોય તો માળવે જવાય” ખેત મજુરી કરી અભ્યાસ પુરો કર્યો ગીર ગઢડાના ફાટસર ગામની બે દીકરીઓ કરી રહી છે માતૃભૂમિની સુરક્ષા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઉનાઃ ગીર સોમનાથ જિલ્લાના નાનકડા એવા ફાટસર ગામની દયા ધાનાણીએ ખેત મજુરી કરતા કરતા અભ્યાસ પુર્ણ કર્યો અને સીઆરપીએફમાં જોડાઈ અને તેમની નાની બહેન નયના ધાનાણી પણ બીએસએફમાં જોડાઈ માં ભોમની રક્ષા કરવા ફરજ નિભાવે છે.

કંઈક કરી બતાવવાનો જુસ્સો આ બંનેમાં પહેલાથી જ હતો હવે ખેવનાથી ગુજરાતની આ બે બહેનો સીઆરપીએફ અને બીએસએફમાં ફરજ બજાવી રહી છે. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામની દીકરીઓએ સમાજની સાથો સાથ ગુજરાતની છાતી પણ ગર્વની ફુલાવી છે. ફાટસર જેવા નાના ગામની ૨૫ વર્ષીય દયા વાઘજીભાઈ ધાનાણી વર્ષ ૧૦૧૧ માં બી. એ. અને ૨૦૧૩ માં ગુજરાતી વિષય સાથેનો અભ્યાસ એક્ષ્ટનર્લ તરીકે પૂરો કર્યો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અભ્યાસની સાથો સાથ ખેત મજુરીનું કામ કર્યું છે. જંગલ ખાતામાં વનમિત્ર તરીકે ૨ વર્ષ કામ કર્યું હતું. નિરંતર શિક્ષણ મિશન અંતર્ગત ગામના નબળા વર્ગના બાળકો જેઓ શાળાએ ન જતા હોય તેઓને દિવસમાં ૨ થી ૩ કલાક પ્રાથમિક શિક્ષણ આપવાનું કાર્ય કર્યું હતું. દયા-નયનાના પિતા વાઘજીભાઈ ધાનાણી એ વર્ષ ૧૯૬૫માં ધો ૧૦ પાસ કરી ખેતીવાડી ડિપ્લોમા કર્યું હતું.

- Advertisement -

તેઓ સુગર ફેકટરીમાં સર્વેયર તરીકે નોકરી કરતા હતા સર્વેયર પછી તેઓ ખેતી કામ કરતા હતા. દયાની મોટી બહેનોના લગ્ન થઈ ગયા હોય નાની બહેનો અને ભાઈની જવાબદારી દયા પર આવી ગઈ હતી. ખુબ જ મહેનત અને સંઘર્ષથી તેઓ આગળ આવ્યા છે. ખેત મજુરી અને અભ્યાસની સાથે સાથે હૈયે એક હામ હતી કે માં ભોમની સેવા કરવી છે, આર્મીના જવાનોની જેમ પોતે પણ ગૌરવવંતી વર્દી પહેરવી હતી. આથી આર્મીમાં ભરતી માટેના ફોર્મ ક્યારે બહાર પડે તે ઇન્ટરનેટ પર તપાસ કર્યા કરતા હતા. મોટા બહેન દયાની જેમ નાની બહેન ૨૨ વર્ષીય કુમારી નયના વાઘજીભાઈ ધાનાણી પણ તેના જેવી હૈયે હામ રાખતા હતા. હજુ તો બીકોમ ફાઈનલનું પરિણામ પણ આવ્યું ન હતું અને નાની બહેન નયના એ દયા સાથે આર્મી ભરતીમાં ફોર્મ ભરી દીધું હતું.

આ ફોર્મ ભર્યા બાદ ૧૦૦ મીટર દોડની પરીક્ષા, મેડિકલ ટેસ્ટ, લેખિત પરિક્ષા અને ત્યારબાદ ફરી મેડિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ ૭ મી ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ બંને બહેનોના સ્વપનોએ હકીકતમાં આકાર લીધો હતો. દયાની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં પોસ્ટિંગ થઈ હતી અને નયનાની બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)માં પોસ્ટિંગ થઈ હતી.

હાલમાં દયા મધ્યપ્રદેશમાં શિવપુરી ખાતે કાઉન્ટર ઇન્સ્યુર્જન્સી એન્ટી ટેરરિઝમ (સીઆઇએટી) ખાતે ટ્રેનિંગ મેળવે છે અને નયના બીએસએફ ૧૯૩ બટાલિયન – ૨૧ રાજસ્થાન બોર્ડરમાંથી ચાર યુવતીઓની પસંદગી થઈ તેમાં પંજાબ ખાતે કમાન્ડોની ટ્રેનિંગમાં છે. આર્મીમાં નોકરી કરવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરતાં નાની બહેન કિંજલ નર્સિંગમાં અભ્યાસ કરે છે અને નાનો ભાઈ બીએમાં અભ્યાસ કરે છે. બંને બહેનો આર્મીમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા ત્યારે જ તેમના માતાનું નિધન થયું હતું. દેશ સેવા કરવાની ભાવના સેવતી ગુજરાતની દરેક યુવતીઓ માટે પ્રેરણા રૂપી એવી દયા અને નયનાનું ૩ દિવસ પૂર્વે ૨૭ જુલાઈ કારગીલ વિજય દિને સુરતમાં જય જવાન સ્મારક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular