નવજીવન ન્યૂઝ.સુરતઃ જ્યાં એક તરફ ગુજરાતમાં લઠ્ઠાકાંડને કારણે ટપોટપ લોકોના મોત થયા જેના કારણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત લગભગ મોટાભાગના તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ અને ક્યાં બીજી તરફ ભાજપના નેતાઓની દારુ પાર્ટી. એક તરફ સરકાર લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરી છત્રછાયા ગુમાવનારા બાળકોનો ટેકો બની તેમની જવાબદારી લેવાની વાત કરે અને ક્યાં નેતાઓની પાર્ટીના વાયરલ વીડિયોમાં અભી જીંદાહું તો પી લેને દોના ગીત વાગે. આખું ચિત્ર જાણે વિરોધાભાસી ઊભું થતું લાગે.
સુરત વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ 16ના ભાજપ બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ બંને કેટલાક વ્યક્તિઓ સાથે દારુની મહેફિલ માણતા જોવા મળે છે. કોઈ બંધ રૂમમાં તેઓ પ્લાસ્ટીકના ગ્લાસમાં દારુની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે. જોકે જેમની સાથે તે દારુ પીવા બેઠા હતા તેમાંથી જ કોઈએ આ વીડિયો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
આ મામલે જયસુખ ઠુમ્મરે એક મીડિયાને જણાવ્યું હતું કે વીડિયો તો તેમને મળ્યો નથી તમે મને આ વીડિયો મોકલો પછી હું વીડિયો જોઈને કહું. અને પછી વીડિયો જોયા પછી કહ્યું કે હા હું દેખાઉં તો છું, જોકે આ પાર્ટી ક્યાં અને કોની સાથે ચાલતી હતી તે અંગે તેમણે કહ્યું નથી.








