નવજીવન ન્યૂઝ.જામનગરઃ જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલા ડિમોલિશન મામલે હવે વિવાદ વધુ ગરમાયો છે. આ મુદ્દે સમગ્ર આહિર સમાજ એકજૂથ થઈને મેદાને ઉતર્યો છે અને પીડિત વૃદ્ધ દંપતીના સમર્થનમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સોમવારે આહિર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઘટનાસ્થળે પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો. સમાજ દ્વારા ‘નંદુમાંનો આશરો હતો અને કાયમ રહેશે, આહિરનો આશરો હતો અને કાયમ રહેશે’ જેવા સૂત્રોચ્ચારો સાથે એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ડિમોલિશન દરમિયાન તંત્ર દ્વારા વૃદ્ધ દંપતી નંદુબેન બેરા અને નારણભાઈ બેરા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયાની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આહિર સમાજના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે પ્રાથમિક દસ્તાવેજોના આધારે જે જમીન પર આશરો બનાવવામાં આવ્યો હતો તે નંદુબેનની માલિકીની હોવાનું સામે આવ્યું છે.
સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો આ મામલે કાનૂની લડત લડવાની જરૂર પડશે તો સમગ્ર આહિર સમાજ પીડિત પરિવાર સાથે મક્કમતાથી ઊભો રહેશે.
વિરોધ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર પ્રતિકાત્મક રીતે ફરી બાંધકામની શરૂઆત પણ કરવામાં આવી હતી. જ્ઞાતિજનો દ્વારા પથ્થર મૂકીને આશ્રયસ્થાન ફરી ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પીડિત વૃદ્ધ દંપતીની હાજરીમાં સમાજના યુવાનો અને વડીલોએ એકતાના સંકલ્પ લીધા હતા અને સમગ્ર વિસ્તાર ‘જય દ્વારકાધીશ’ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.








