કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમેરિકાની સરકાર દ્વારા સંચાલિત બ્રોડકાસ્ટિંગ સેવા ‘વૉઇસ ઑફ અમેરિકા’[વીઓઆઈ]ના ભંડોળ પર મૂકાયેલા કાપની ચર્ચા વિશ્વસ્તરે થઈ રહી છે. ‘વીઓઆઈ’ છેલ્લા 82 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાનો જન્મ થયો હતો ત્યારે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. આજે જેમ દુનિયાભરમાં માહિતી પહોંચવાનું સાધન વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ત્યારે રેડિયો સૌથી સશક્ત માધ્યમ હતું અને રેડિયો દ્વારા દુનિયાભરની ખબરો સૌ સુધી પહોંચતી હતી. અમેરિકાની (USA) સરકારની આ સૌથી પહેલાં સ્થપાયેલી ઇન્ટરનેશન બ્રોડકાસ્ટિંગ સેવા હતી, જેના દ્વારા અમેરિકાનો અવાજ વિશ્વભરમાં પહોંચ્યો. એટલું જ નહીં પોતાનો અવાજ પહોંચાડવા માટે તેનું કન્ટેન્ટ 48 ભાષાઓમાં પ્રસારીત થતું. એ વખતે જે દેશોમાં મીડિયાને સ્વતંત્રતા નહોતી તે વખતે ‘વૉઇસ ઑફ અમેરિકા’નો અવાજ ત્યાં પહોંચતો. વિશ્વયુદ્ધના એ કાળ દરમિયાન બેશક અમેરિકાની સરકારનો અવાજ ‘વીઓઆઈ’ બન્યું, પણ સાથે સાથે અમેરિકા વિરોધી થતાં દુષ્પ્રચારને અટકાવવાનું કામ પણ તેના દ્વારા થયું. મીડિયાની ભૂમિકા લોકોનો મત ઘડવા માટે અગત્યની બને છે, તેનાં ઉદાહરણ આજે તો આંખો સામે સ્પષ્ટ છે. એ રીતે શિત યુદ્ધના કાળમાં ‘વીઓઆઈ’એ સામ્યવાદની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કેટલાંક દેશોમાં ન થાય તે માટે ખૂબ કામ કર્યું. વિદેશી મીડિયા પ્રોપગેન્ડાથી કોઈ દેશમાં ચાલતું હોય ત્યારે જે-તે દેશના સત્તાધીશો તેના પર અંકુશ મેળવે, તેમ અનેક દેશોએ ‘વીઓઆઈ’ પોતાના દેશમાં ન પહોંચે તે પણ પ્રયાસ કર્યા. રશિયાના હાલના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન તો ‘વીઓઆઈ’ને ‘ફૉરેન એજન્ટ’ તરીકે સંબોધતા હતા અને યુરોપના અન્ય મીડિયા સહિત ‘વીઓઆઈ’ રશિયા ન પહોંચે તે માટે પણ તેમણે પગલાં લીધા. જોકે તેમ છતાં રશિયાનો એક વર્ગ આજે પણ ‘વીઓઆઈ’નો શ્રોતા-દર્શક વર્ગમાં છે.

‘વીઓઆઈ’ આજે માત્ર રેડિયોમાં નથી, તે પછી ટેલિવિઝનની દુનિયામાં તે આવ્યું અને હવે તો તેની હાજરી ડિજિટલ પ્લેટફોર્મ પર પણ છે. વિશ્વ યુદ્ધ પૂર્ણ થયા બાદ ‘વીઓઆઈ’ની ભૂમિકા આઝાદ મીડિયા તરીકેની રહી – તેવા દાવાઓ પણ અમેરિકાની સરકાર દ્વારા થતાં રહ્યાં. અભિવ્યક્તિની આઝાદી આ માધ્યમ થકી મળવી જોઈએ તે માટે સરકાર અને ‘વીઓઆઈ’ વચ્ચે ગજગ્રાહ દાયકાઓથી ચાલતો રહ્યો. અને 1994માં ‘ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટિંગ એક્ટ’ આવ્યો ત્યારે તો એ પ્રસ્થાપિત થઈ ગયું કે હવે અમેરિકાની સરકાર દ્વારા કોઈ પણ દખલગીરી નહીં થઈ શકે. ‘વીઓઆઈ’નું માળખું અને તેનું પ્રસારણ આવાં વિખવાદ-વિવાદ વચ્ચે પણ મહદંશે યોગ્ય રીતે ચાલતું હતું. પરંતુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત પ્રેસિડન્ટ બન્યા ત્યારે તેમણે આ સંસ્થાના માળખામાં ધરમૂળથી બદલાવ કરી નાંખ્યા. પોતાના તરફી જ વાત રજૂ થાય તે માટે તેમણે એવી નિમણૂંકો કરી. અને ટ્રમ્પ બીજી વખત જ્યારે પ્રેસિડન્ટ બન્યા ત્યારે તેમણે હૂકમ છોડીને ‘વીઓઆઈ’ને મળતા ભંડોળમાં મસમોટો ઘટાડો કર્યો. આખરે તેની અસર એવી થઈ કે આ સંસ્થાના 1300થી વધુ કર્મચારીઓ સામૂહિક રજા પર ગયા. રજાના બીજા દિવસે મોટા ભાગના કાર્યક્રમો પર સમાચાર ચાલ્યા અથવા તો સંગીત વાગ્યું. મતલબ, કે જે સંસ્થા આટલો લાંબો વારસો રાખીને કાર્યરત હતી, તેને બંધ કરવા માટે ટ્રમ્પ દ્વારા પ્રયાસ થયા.

આપણે ત્યાં જેમ દૂરદર્શનની અને બ્રિટિનમાં જેમ ‘બીબીસી’ની સેવા છે, તે પ્રમાણે ‘વીઓઆઈ’ કાર્યરત હતું. જોકે જ્યારે લાંબા સમય સુધી કોઈ સરકારી માધ્યમ ચાલ્યું હોય તો તેના પર અનેક આરોપ પણ થાય. ‘વીઓઆઈ’ વિશે એવું કહેવાય છે કે તેના દ્વારા એક સમય સુધી ખૂબ જુઠ્ઠાણા ચાલ્યા. ચીનની કોમ્યુનિસ્ટ પક્ષનું છાપું ‘ગ્લોબલ ટાઇમ્સ’ દ્વારા હાલમાં તો ‘વીઓઆઈ’ને ‘જુઠ્ઠાણાંની ફેક્ટરી’ કહીને તંત્રીલેખ પ્રકાશિત કર્યો છે. અમેરિકાની આ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું એશિયામાં જે પ્રસારણ થતું તે ‘રેડિયો ફ્રિ એશિયા’ દ્વારા થતું હતું. તે અંગે ‘ગ્લોબલ ટાઇમ્સ’માં ટિપ્પણી કરવામાં આવી છે કે દાયકાઓથી વૉંશિગ્ટનની જે માંગ હોય તેને પૂર્ણ કરવાનું કાર્ય ‘રેડિયો ફ્રિ એશિયા’એ કર્યું છે. ચીનના વિરુદ્ધ ‘રેડિયો ફ્રિ એશિયા’એ કેવી રીતે કામ કર્યું તેના અનેક ઉદાહરણ આ લેખમાં આપ્યા છે. જેમ કે તાઇવાનની આઝાદી અને હોન્ગકોન્ગના રમખાણોમાં ચીન વિરુદ્ધ અવાજ ‘રેડિયો ફ્રિ એશિયા’માં અવારનવાર સંભળાતો હતો.
મીડિયાની ભૂમિકા તઢસ્થ અને સ્વતંત્ર હોવી જોઈએ તેવાં આદર્શો સર્વત્ર ઘડાય છે. ‘વીઓઆઈ’ની વેબસાઇટ પર આજે પણ તે આદર્શો શબ્દોમાં વ્યક્ત થયા છે. ‘વીઓઆઈ’ની વેબસાઈટ પર ‘અમારા વિશે’માં લખ્યું છે કે : ‘1942થી આ સંસ્થાની સ્થાપના પછી અમે દર્શકોને સત્ય કહેવા માટે પ્રતિબદ્ધ રહ્યા છે.’ આ મીડિયા સંસ્થાનનું ચાર્ટર પણ આવાં જ દાવા કરે છે, પરંતુ આ દાવાઓનો ભંગ થતો રહ્યો છે. મોટા ભાગની સરકાર સંચાલિત મીડિયા પ્લેટફોર્મના આજે આવાં હાલ થયા છે. દૂરદર્શન પર આપણે જૂજ વખત સરકાર વિરોધી અવાજ સાંભળી શકીએ છીએ. આપણા દેશમાં જેમ ‘મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ઑફ ઇન્ડિયા’ અંતર્ગત દૂરદર્શન સિવાય આકાશવાણી, ડાઇરેક્ટ ટુ હોમ અને અન્ય કેટલીક સેવાઓ આવે છે. તેમ અમેરિકામાં પણ ‘વીઓઆઈ’ સિવાય ‘પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસ’ અને ‘નેશનલ પબ્લિક રેડિયો’ જેવી સેવાઓ છે. ‘પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસ’ તો માર્કેટમાંથી એડવટાઇઝિંગ અને અન્ય રીતે નાણાં મેળવી શકે છે અને તેથી તે માર્કેટની રીતે કાર્યરત છે. પરંતુ ‘વીઓઆઈ’ એ રીતે કામ નહોતું કરતું. શીત યુદ્ધ દરમિયાન તો ‘વીઓઆઈ’ના ડિરેક્ટર રહેનારા ફોય કોહલર નામના અધિકારી એવું ઠોસ રીતે માનતા હતા કે અમારી મીડિયા સંસ્થાનનો ઉદ્દેશ સામ્યવાદ સામે લડત આપવાનો છે. અને 1949થી 1952 દરમિયાન ફોય કોહરના કાર્યકાળ દરમિયાન જે રીતે ‘વીઓઆઈ’ને યુરોપમાંથી શ્રોતાઓ મળ્યા હતા તે એ પુરવાર પણ કરતું હતું કે સામ્યવાદ સામે તેની લડાઈ બરાબર ચાલી રહી છે. વિશ્વ યુદ્ધ પછી શિત યુદ્ધનો જે ગાળો આવ્યો તેમાં ‘વીઓઆઈ’ની ઝુંબેશ મહદંશે રશિયા સામે ચાલતી રહી. તે પછી ‘વીઓઆઈ’ના ટારગેટ પર ચીન રહ્યું. એટલે આ બંને દેશોમાં ‘વીઓઆઈ’ વિરુદ્ધ ખૂબ લખાયું છે. ચીન અને રશિયાની જેમ અન્ય દેશોએ પણ ‘વીઓઆઈ’ની દખલગીરી પોતાના દેશમાં રહી અને તેથી તેનું નેટવર્ક જામ થાય તેવાં પગલાં ખુલ્લંખુલ્લા કે ગુપ્ત રીતે લીધા. જોકે કેટલીક ઐતિહાસિક ઘટનાઓનું રિપોર્ટિંગ ‘વીઓઆઈ’ પર જ થયું જેમાં માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર દ્વારા આપવામાં આવેલી ‘આઈ હેવ અ ડ્રીમ’ નામનું ભાષણ સમાવિષ્ટ છે. ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ જોહન એફ. કેનેડીની હત્યાનું રિપોર્ટિંગ પણ ‘વીઓઆઈ’ દ્વારા સીધું જ થતું રહ્યું. નીલ આર્મસ્ટ્રોગ અને તેમના સાથીઓએ ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે પણ ‘વીઓઆઈ’ પર પ્રથમ અહેવાલ પ્રકાશિત થયા હતા. અમેરિકામાં બનેલી આવી ઐતિહાસિક ઘટનાઓને સાંભળવા માટે તે વખતે ‘વીઓઆઈ’ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હતો અને દુનિયાભરના લોકોએ તેના દ્વારા જ આ ઘટનાને જાણી-સાંભળી.
એવું નથી કે ‘વીઓઆઈ’ ક્યારેય રાજકીય આગેવાનોનું હાથો ન બન્યું. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટના પદે આવ્યા તે પછી તેમણે આ બાબતે બધી જ મર્યાદા ઓળંગી દીધી. તેમણે પોતાને સપોર્ટ કરનારા લોકોને ‘વીઓઆઈ’નો સર્વેસર્વા નીમી દીધા. જોકે તેમ છતાં કેટલીક વખત ‘વીઓઆઈ’ દ્વારા થયેલું રિપોર્ટિંગ સત્ય બહાર લાવતું અને ટ્રમ્પ સરકારને જવાબ આપવો પડતો. કોરોના કાળ દરમિયાન ‘વીઓઆઈ’ દ્વારા થયેલા રિપોર્ટિંગથી અનેક વખત ટ્રમ્પ સરકારે જવાબ આપવા પડ્યા હતા. ટ્રમ્પ જ્યારે શાસનમાં હતા ત્યારે તેમના નજીકના માણસો સાથે ‘વીઓઆઈ’ના અધિકારીની ખટપટ અનેક મુદ્દે ચાલતી રહી. આ ખટપટ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં ચલાવી લેવા તૈયાર ન હોય તેમ તેમણે આવતાં વેંત ભંડોળ પર કામ મૂકીને ‘વીઓઆઈ’ને ફટકો આપ્યો.
મીડિયાનો નવો યુગ આવ્યો છે અને તેમાં હાલમાં જૂના મીડિયા સંસ્થાનો સંઘર્ષ કરતાં જોવા મળી રહ્યા છે. નવા યુગમાં નવી ટેકનોલોજી સાથે પણ જો કદમ ન મેળવી શકાય તો સત્તાધીશોને તેવું કારણ મળી જાય છે કે માર્કેટ મુજબ આ મીડિયા સંસ્થાન ચાલતું નથી. મીડિયાએ પગભર થવા માટે હવે નવા માર્ગ શોધવા પડે તેવો યુગ આવી ચૂક્યો છે. જો તમે પગભર નથી તો તમારું સત્ય પણ લોકો સુધી પહોંચશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796