કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન’ [સીબીઆઈ]એ અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતના કેસનો (Sushant Singh Rajput) ક્લોઝર રિપોર્ટ બાંદરા કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સૌથી અગત્યની વાત સીબીઆઈએ સ્વીકારી છે કે, ‘આ કેસ આત્મહત્યાનો છે’. સુશાંતસિંઘ રાજપૂતનું મૃત્યુ 14 જૂન 2020ના રોજ ગળે ફાંસો ખાવાથી થયું હતું. મુંબઈ પોલીસે (Mumbai Police) આદરેલી તપાસ દરમિયાન સુશાંતસિંઘ રાજપૂતનું મૃત્યુ કેવી રીતે થયું તેને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. અફવા પ્રસરી અને આક્ષેપબાજી પણ થઈ. એક સમયે તો આ પૂરા કેસમાં રાજકારણ પણ ભળ્યું. અત્યારે જે તથ્યો મળે છે તેમાં સ્પષ્ટ થાય છે કે 13 જૂન 2020ના રોજ એટલે કે આત્મહત્યા કર્યાના એક દિવસ અગાઉ સુશાંત ડિનર લઈને પોતાના બેડરૂમમાં ગયો. રાતરે બે વાગ્યાની આસપાસ તેણે બે ફોન કર્યા. એક ફોન અભિનેત્રી રેહા ચક્રવર્તીને અને બીજો અન્ય એક ટેલિવિઝન અભિનેતા મહેશ શેટ્ટીને. જોકે આ બંનેએ ફોન ન ઉપાડ્યા. પછી તે સવારે વહેલાં ઊઠ્યો. તેણે ઇન્ટરનેટ પર કેટલીક ડિપ્રેશનના દવાઓ અંગે સર્ચ કર્યું. આ ઘટના બની ત્યારે સુશાંતના બે મિત્રો તેની સાથે રહેતા હતા. 14 જૂનના સવારે સુશાંતે તેની બહેન સાથે પણ વાત કરી હતી. દસેક વાગે તેના ટેબલ પર જ્યૂસ અને કેટલીક દવાઓ મૂકવામાં આવી. સાડા અગિયારના સુમારે સુશાંતના રસોઈયાએ ભોજનની તૈયારી માટે સુશાંતનો બેડરૂમનો દરવાજો ખખડાવ્યો. પણ તેણે ન ખોલ્યો. અનેક વાર દરવાજો ખખડાવ્યો છતાંય ન ખોલ્યો. આખરે દરવાજો ચાવીવાળાને બોલાવીને ખોલવામાં આવ્યો ત્યારે સુશાંત ગળે ફાંસો ખાધો હતો તેવું સૌ કોઈએ જોયું હતું. તે વખતે કોઈ ચિઠ્ઠી મળી નહોતી.

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે મુંબઈ પોલીસનો હવાલો આપીને લખેલા અહેવાલ મુજબ સુશાંત ડિપ્રેશનમાં હતો અને કોઈ મનોચિકિત્સક પાસે તેની સારવાર ચાલી રહી હતી. ‘ટાઇમ્સ નાઉ’ ચેનલ દ્વારા પણ સુશાંતના ડિપ્રેશનની વાત રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સીબીઆઈ દ્વારા થયેલી એફઆઈઆરમાં અભિનેત્રી રેહા ચક્રવર્તી, તેના માતા-પિતા અને રેહાના ભાઈને આરોપી બનાવવામાં આવ્યા હતા. સુશાંતના પિતાએ પણ પટનામાં આમને જ દોષી ઠેરવતી એફઆઈઆર કરી હતી. સામે પક્ષે કાઉન્ટર એફઆઈઆરમાં રેહાએ સુશાંતના બહેન અને તેનાં ડોક્ટરનું નામ લખાવ્યું હતું. જોકે આખરે આ બધી એફઆઈઆર પર સીબીઆઈ દ્વારા એક સાથે તપાસ થઈ હતી. સીબીઆઈએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે રેહા ચક્રવર્તી કે અન્ય કોઈ વિશે કોઈ પુરાવા મળ્યા નથી. આ પૂરા કેસને લઈને છ મહિના સુધી મીડિયામાં રોજેરોજ કશુંકને કશું નવું આવતું રહ્યું, પરંતુ 3 ઑક્ટોબર 2020ના રોજ ફોરેન્સિક રિપોર્ટમાં જ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે સુશાંતએ આત્મહત્યા કરી છે. તે સમયે મહારાષ્ટ્રની રાજકીય નેતાઓ સાથે પણ સુશાંતના મૃત્યુને જોડવામાં આવ્યું. ખાસ તો સુશાંતના આત્મહત્યાના થોડા દિવસો પહેલાં સુશાંત સાથે કેટલાંક પ્રોજેક્ટમાં કામ કરનારી દિશા સલિઅનએ પણ આત્મહત્યા કરી હતી. એટલે પૂરી ઘટના વિશે શંકા કુશંકા થઈ. ઉપરાંત તે સમયે કોવિડ હતો અને તેથી આ ખબરને પણ મીડિયા ખૂબ ચગાવી. આખરે હવે તેનો ક્લોઝર રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ થયો છે અને તે સ્વીકારાઈ જશે તો આ કેસ પર પૂર્ણવિરામ મૂકાશે.

આ રીતે 30 ભારતીય સૈન્ય વિરુદ્ધ થયેલા એક કેસને સુપ્રિમ કોર્ટે બંધ કર્યો છે. વાત એમ હતી કે 4 ડિસેમ્બર 2021ના રોજ ગાલેન્ડના મોન જિલ્લામાં ભારતીય સૈન્યના થઈ રહેલાં એક ઓપરેશન અંતર્ગત સૈન્યના જવાનોએ એવાં ટ્રક પર ગોળીઓ ચલાવી દીધી જેમાં સગીર વયના બાળકોને જઈ રહ્યા હતા. તેઓને આંતકવાદી સમજીને સૈન્યના જવાનોએ ગોળીઓ ચલાવી. તેમાં છ કિશોર વયના બાળકો મૃત્યુ પામ્યા. આ ઘટના પછી નાગાલેન્ડના આ વિસ્તારમાં પ્રસરેલી હિંસામાં બીજા આઠ વ્યક્તિઓ માર્યા ગયા. સૈન્યએ પહેલાં આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નાગાલેન્ડમાં ઓપરેશન દરમિયાન આંતકવાદીઓને મારવામાં આવ્યા છે. ત્યાર બાદ 11 જૂન 2022ના રોજ નાગાલેન્ડ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પાંચ કેસ દર્જ થયા અને તેમાં 30 સૈન્યના જવાનોને આરોપી બનાવવામાં આવ્યા. નાગાલેન્ડના તત્કાલીન પોલીસ વડા ટી. જે. લોન્ગકુમારે મીડિયાને જણાવ્યું હતું કે સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં કોઈ નીતિ નિયમો પાળવામાં આવ્યા નહોતા. ‘રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશને’ પણ કેન્દ્ર અને રાજ્યને આ બાબતે નોટિસ મોકલી હતી. ભારતીય સૈન્યએ સ્વતંત્ર રીતે પોતાની તપાસ આ કેસમાં આદરી અને હવે સુપ્રિમ કોર્ટે પણ આ કેસને ભારતીય સૈન્યના આંતરિક શિસ્તભંગના પગલાં તરીકે કાર્યવાહી કરવા પર છોડી દીધો છે. સુપ્રિમ કોર્ટમાં આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે.

મીડિયામાં ચકચાર મચાવતા આવાં ઘણાં કેસ આખરે બંધ કરી દેવામાં આવે છે ત્યારે તેની નોંધ જૂજ લેવાય છે. 2024ના અંતમાં આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ સ્થાપિત કરનારા સદ્ગુરુના આશ્રમની ચર્ચા ખૂબ થઈ હતી. એવું કહેવાય છે કે સદ્ગુરુના કોઈમ્બતૂર ખાતેના આશ્રમમાં ચાળીસની ઉંમર ધરાવતી બે બહેનો ગીતા અને લતા છેલ્લા નવ વર્ષથી નિવાસ કરતી હતી. આ બે બહેનોના પિતાએ સદ્ગુરુ પર કેસ કર્યો અને આરોપ લગાવ્યો કે સદ્ગુરુના આશ્રમમાં મારા દીકીરઓ સાથે હું સંપર્ક સાધી શકતો નથી. આ કેસ સૌપ્રથમ મદ્રાસ હાઇકોર્ટમાં પહોંચ્યો અને તેમાં મદ્રાસ હાઇકોર્ટે કડક વલણ લીધું અને સદ્ગુરુન આશ્રમની પોલીસ તપાસના આદેશ આપ્યા. ઉપરાંત મદ્રાસ હાઇકોર્ટે આ દીકરીઓનું ‘બ્રેઇનવોશ્ડ’ કરવામાં આવ્યું છે તેમ પણ કહ્યું. તેથી દેશભરની મીડિયામાં આ કેસની નોંધ લેવાઈ અને અનેક તર્કવિતર્ક થયાં. એવી વાતો પણ વહેતી થઈ કે સદ્ગુરુના આશ્રમમાં આવીને અનેક લોકો ગુમશુદા થયા છે. પરંતુ આખરે જ્યારે મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રિમ કોર્ટે વિગતો જોઈને બંને બહેનોને આશ્રમમાં રહેવાની પરવાનગી આપી દીધી. પિતાની અરજી સુપ્રિમ કોર્ટે માન્ય ન ગણી. સુપ્રિમ સમક્ષ બંને બહેનો વિડિયો કોન્ફરન્સિગથી ઉપસ્થિત રહી અને પિતા તેમને કેવો ત્રાસ આપતા હતા તે વાત વર્ણવી. ઉપરાંત, તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહે છે તેમ પણ કહ્યું. એ રીતે ઘણાં સમય સુધી ચર્ચામાં રહેલાઆ કેસ પર સુપ્રિમ કોર્ટે પડદો પાડી દીધો છે.

આ જ પ્રમાણે જાણીતી ચેનલ ‘એનડીટીવી’ના સ્થાપક સભ્ય પ્રણવ રોય અને રાધિકાર રોય આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી 375 કરોડની લોન ખોટી રીતે લેવાનો આરોપ લાગ્યો હતો. સીબીઆઈ દ્વારા થઈ રહી તપાસમાં આઈસીઆઈસીઆઈ બેન્કના અધિકારીઓને પણ ‘એનડીટીવી’ને આપેલી લોન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ‘એનડીટીવી’ની આ લોન સંદર્ભે મીડિયામાં અનેક અહેવાલ પ્રકાશિત થયા. ઘણાં રિપોર્ટમાં એવું લાગતું હતું કે ‘એનડીટીવી’ના સ્થાપક પ્રણવ અને રાધિકા રોયે કશુંક ગરબડ કરી છે. પરંતુ આખરે દિલ્હી કોર્ટમાં સીબીઆઈએ ‘એનડીટીવી’ના લોન કેસનો ક્લોઝર રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ પૂરા કેસમાં પ્રણવ-રાધિકા રોય દોષમુક્ત થયા છે. આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી કશુંય ખોટું થયું નથી તેવું સીબીઆઈએ પોતાના ક્લોઝર રિપોર્ટમાં માન્યું છે.

આવો જ એક ક્લોઝર રિપોર્ટ પૂર્વ સિવિલ એવિએશન મિનિસ્ટર પ્રફુલ પટેલના એક કેસમાં આવ્યો છે. પ્રફુલ પટેલ જ્યારે સિવિલ એવિએશન મિનિસ્ટર હતા ત્યારે વિમાન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું હતું. 2017માં આ કેસમાં સીબીઆઈએ કેસ ફાઈલ કર્યા હતા, પરંતુ હવે તેઓને દોષમુક્ત જાહેર કરી પૂરા કેસ પર પડદો પાડી દેવામાં આવ્યો છે. આવા તો અનેક કેસ આપણા દેશમાં થાય છે, જ્યારે પહેલાં વહેલાં તેની વિગત મીડિયામાં પ્રકાશમાં આવે છે અને તે પછી જ્યારે તે કેસ બંધ થાય ત્યારે તેની કોઈ વિશેષ નોંધ લેવાતી નથી. દિલ્હીના ગલિયારામાં અથવા દેશના રાજ્યોની રાજધાનીમાં જે કંઈ ચાલે છે તેની જૂજ જ વિગત લોકો સમક્ષ આવે છે. ઉપરાંત કેટલાંક આવા કેસોમાં પણ વિગતો લોકો સમક્ષ સાચી નથી આવતી અને જ્યારે ખરેખર સત્ય બહાર આવે છે ત્યારે એવું લાગે છે કે દેશ પારદર્શી રીતે ચાલી રહ્યો નથી અને લોકો રોજેરોજ છેતરાઈ રહ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796