નવજીવન.અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટ અમદાવાદમાં આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ રિવરફ્રન્ટને વધુ આકર્ષક બનાવવા માટે સરકાર દ્વારા અવાર-નવાર અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જે પૈકી ફ્લાવર શો આગામી સમયમાં આયોજિત થવા જઈ રહ્યો છે. આ ફ્લાવર શોને વધુ દર્શનીય બનાવવા માટે અમદાવાદ JCP (જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ) અજય ચૌધરી દ્વારા સાબરમતી નદીમાં ‘ ધ ફ્લોટિંગ ડેલેકટેશન’ નામનું આર્ટ વર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.

શું છે ફ્લોટિંગ ડેલેકટેશન?
IPS અજય ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા આ આર્ટ વર્કમાં સાબરમતી નદીમાં અલગ અલગ કલરના બેથી ત્રણ ફૂટના એક હજાર જેટલા બલૂન નદીમાં તરતા મૂકવામાં આવશે. આ આર્ટ વર્કના ટેસ્ટિંગ માટે ગઈકાલે સાબરમતી નદીમાં 50થી 60 જેટલા બલૂન મુકવામાં આવ્યા હતા.

બીજી લહેરના કારણે ગત વર્ષે ફ્લાવર શો આયોજિત થઈ શક્યો ન હતો. હવે આ વર્ષે તંત્ર દ્વારા જ્યારે ફ્લાવર શોને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ફ્લાવર શો નિહાળવા આવતા લોકોને વધુ મનોરંજન પૂરું પડવાના આશયથી IPS અજય ચૌધરી સાબરમતી નદીમાં નવા બનેલા વોક બ્રિજની પાસે આ આર્ટ વર્ક તૈયાર કરવા જઈ રહ્યા છે. 8 જાન્યુઆરીથી ફ્લાવર શોની શરૂઆત સાથે આ આર્ટ વર્ક પણ લોકો સાબરમતી નદીમાં નિહાળી શકશે.

આ પ્રકારનું આર્ટ વર્ક ભારતમાં પ્રથમ વાર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ધ ફ્લોટિંગ ડેલેકટેશનનો મતલબ છે તરતી ખુશી. લોકોને મહામારી બાદ એક ખુશી આપવા માટે IPS અજય ચૌધરી આ આર્ટ વર્ક તૈયાર કરી રહ્યા છે. ગઈ કાલે 50થી 60 બલૂન નદીમાં મૂકીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.













