પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે સાબરમતી મહિલા જેલમાં એક નાનકડો કાર્યક્રમ હતો, કાર્યક્રમમાં બંદીવાન મહિલાઓ, મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા સીપાઈનો સ્ટાફ હતો, આ પ્રસંગે મહિલા બંદીવાનો સાથે વાત કરતા મેં કહ્યું ખરેખર મહિલા દિવસની ઉજવણી તો જ સાર્થક ત્યારે જ ગણાય જો પુરૂષો પોતાના જીવનમાં કેટલાંક નિર્ણયો કરે અને તે નિર્ણય પ્રમાણે પોતાના વ્યવહાર કરે, મેં કહ્યું આપણે કોઈ સારા દિવસો હોય ત્યારે પ્રણ લઈએ છીએ, મેં કહ્યું હું બીજાની ખાતરી આપી શકતો નથી, પણ આ મહિલા દિવસે આ હું પ્રણની જાહેરાંત તમારી સાથે કરવા માગુ છું.
હું નાનો હતો ત્યારથી મેં મારા ઘરમાં, મારી સોસાયટીમાં મારા પરિચતોના ઘરમાં એક સંવાદ સાંભળ્યો છે, ખાસ કરી ઘરની સ્ત્રી પછી તે માતા હોય, બહેન, હોય પત્ની હોય કે દીકરી હોય છે, ઘરનો પુરૂષ સહજ વાત કરતા કરતા કહે છે, રહેવા દે તને ખબર ના પડે. ઘરની સ્ત્રી જ્યારે પણ ઘરની કોઈ પણ ચર્ચાનો હિસ્સો બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે રહેવા દે તને ખબર ના પડે તે કહી દેવું પુરૂષ માટે બહુ જ સહજ છે, આવી ભુલો મેં પણ અનેક વખત કરી છે. મારી માતા સરકારી નોકરી કરતી હતી, તેણે મને જન્મ આપ્યો અને ઘરની જવાબદારી સાથે નોકરી પણ કરી. આમ છતાં જ્યારે અમારી વચ્ચે કોઈ ચર્ચા નિકળે ત્યારે હું તેને કહેતો હવે જમાનો બદલાઈ ગયો છે તને ખબર નહીં પડે. હું જ્યારે આવું બોલતો ત્યારે મને જ નહીં મારા માતાને પણ તેમાં કઈ અજુગતુ લાગતુ ન્હોતુ.
પણ જેમ જેમ હું પોતાની સાથે વાત કરતો થયો ત્યારે મને સમજાયુ કે મારૂ આ વિધાન ખુબ ખોટું અને અપમાનજનક છે, જેણે મને જન્મ આપ્યો અને આંગળી પકડી દુનિયા બતાડી તે માતાને વિશ્વની તમામ બાબતની ખબર પડે છે, તેને ખબર પડી માટે તો મને ખબર પડે છે કારણ હું તેના હાડ માંસ અને આત્માનો ટુકડો છું. ખેર આ બાબતની જો મને વહેલી ખબર પડી હોત તો તને ખબર ના પડે તેવું કહી મેં તેને દુભાવી ના હોત, લગ્ન થયા શીવાની મારા ઘરે આવી, તેનો ઉછેર એક નાનકડા ઘરમાં અને નાનકડા નગરમાં થયો, હું અમદાવાદમાં રહી ઉછર્યો, અમે અલગ અલગ સ્થિતિમાં ઉછર્યા તે માત્ર સંજોગ હતો. મને અમદાવાદ જેવા શહેરમાં જે મોકાળશ અને તક મળી તેવી તેને ન્હોતી મળી. લગ્ન પછી મને અનેક વખત લાગ્યુ આટલી સામાન્ય બાબતની તેને ખબર પડતી નથી પણ તે મારી ભુલ હતી.
મારા જેવી સ્થિતિ મોટા ભાગના પુરૂષોની છે, તેમની માતા પત્ની અને દીકરીએ ગમે એટલી મોટી ડીગ્રી લીધી હોય છતાં તેઓ માને છે, સ્ત્રી હોવાને કારણે તેમને ઓછી ખબર પડે છે, મને લાગે પુરૂષ એવા ભ્રમમાં જીવે છે, તેની પાસે સંપત્તી અને હોદ્દો હોવા છતાં માનસીક અંધકારમાં તે જીવી રહ્યો છે, મને સ્વાનુભવમાંથી સમજાયું કે સ્ત્રીને જે સમજ પડે છે તેની રતીભાર પણ આપણને ખબર પડતી નથી. ઘરની સ્ત્રી એકાદ દિવસ બહારગામ જાય તો પુરૂષની રોજબરોજની જીંદગીના ચક્કર ખોટવાઈ જાય છે. પહેલા મને ભ્રમ હતો કે નોકરી ધંધો કરવો બહુ મોટુ કામ છે, પણ મને લાગે છે કે નોકરી ધંધો કરવા કરતા ઘર સંભાળવુ અને સારી ચલાવવુ વધારે અઘરૂ છે, મારા ઘરમાં એક દિકરો અને દીકરી છે, દિકરા અને દીકરીએ શહેરની નામાંકીત ગણાતી શાળા અને કોલેજમાં શિક્ષણ લીધુ છે, મને ખબર છે મારી દીકરીને ખબર પડે છે અને મારો દિકરો જે કામ કરે છે તે બધુ જ તે કરી શકે છે અને કરશે છતાં વર્ષોથી મનમાં જે ગાંઠ વાગી છે કે છોકરી છેને નહીં કરી શકે તો.
આ ભાવને મારા મનમાંથી મારે ખંખેરી નાખવાનો છે. આપણા સમાજ જીવનમાં પેઢીઓ સ્ત્રી તને નહીં આવડે. તને ખબર નહીં પડે, તારાથી થશે નહીં તેવું સાંભળે છે, આ પુરૂષની માનસીકતા છે, પણ પેઢીઓથી સ્ત્રીઓ પોતાના ઘરમાં આ સંવાદ રોજ સાંભળે છે તેના કારણે તેમણે પણ સ્વીકારી લીધુ છે, કે તેમના ઘરના પુરૂષો કરતા તેને ઓછી સમજ છે અને પુરૂષો જે કામ કરી શકે છે તેવુ તેને આવડશે નહીં. એટલે વિશ્વ વિધ્યાલયમાં શિક્ષણ લીધા પછી દેશની લાખો દીકરીઓએ સ્વીકારી લીધુ છે કે તેમનો જન્મ બાળકને જન્મ આપવા, તેમને મોટા કરવા અને રસોડા માટે જ થયો છે, બાળકને જન્મ આપવો, તેમનો ઉત્તમ ઉછેર કરવો અને રસોડોમાં કામ કરવુ કોઈ હિન કામ નથી પણ આ બાબતને જ પોતાનું નસીબ માની લેવાની ભુલ પણ કરી લેવી જોઈએ નહીં, મારા એક મિત્ર બહુ ગૌરવભેર કહે છે વધુ ગમે એટલી ભણી હોય પણ તે કામ ધંધો કરવા બહાર જઈ શકે નહીં તો આવી માનસીકતા આપણા વિકાસનું નહીં માનસીક પતનની નિશાની છે. જ્યારે આપણે મહિલા દિવસ ઉજવીએ ત્યારે આપણા ઘરની સ્ત્રી પછી તે વૃધ્ધમાં હોય, પત્ની હોય, બહેન હોય કે દીકરી હોય તેને આપણે કહીશું કે તને ખબર પડે છે, તને આવડશે અને તું પણ કરી શકીશ ત્યારે તો મહિલા દિવસ સાર્થક થશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












