રાજ્યમાં મહામારી દરમિયાન જે કટોકટી ઊભી થઈ હતી તેને નિવારવા તબીબોની ભૂમિકા મહત્ત્વની રહી હતી. તબીબોએ રાત-દિવસ કામ કરીને દરદીઓની સારવાર કરી હતી અને હજારો લોકોની જાન બચાવી હતી. અમદાવાદની અસારવા સિવિલમાં આવેલી 1200 બેડ સ્પેશિયલ હોસ્પિટલમાં જુનિયર તબીબોએ પણ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનમાં રહેલા દરદીઓની સારવાર કરી હતી. આ તેમની ફરજ ન હતી તેમ છતાં માનવતાના ધોરણે તેમણે ખડેપગે કામ કર્યું. હવે જ્યારે તેઓ પાયાની સગવડ માટે માંગણી કરી રહ્યા છે ત્યારે સરકાર તેમની સામે જોતા સુદ્ધા નથી. છેલ્લા છ મહિનાથી અનેક રજૂઆતો છતાં તેમની માંગણીઓ પર કોઈ જ એક્શન લેવાયું નથી.
હવે છેલ્લા ચાર દિવસથી આ જુનિયર તબીબો પોતાની માંગણીને લઈને અસારવા સિવિલ ખાતે આવેલી બી. જે. મેડિકલ કૉલેજમાં હોસ્ટેલના પ્રશ્નો અંગે હડતાળ કરી રહ્યા છે. તબીબોએ આ હડતાળને સત્યાગ્રહ ગણાવે છે. સિવિલ કૅમ્પસમાં આવેલી યુ. જી. હોસ્ટેલ જર્જરીત થઈ ચૂકી છે અને તેનાથી નિવાસ કરનારાં તબીબો સામે જોખમ પણ હતું. રજૂઆતો સાથે છેલ્લા ઘણાં સમયથી આ જર્જરીત હોસ્ટેલમાં જુનિયર તબીબો રહ્યા. આ દરમિયાન ગર્લ્સ હોસ્ટેલમાં તો વિદ્યાર્થીઓના રૂમની છતના હિસ્સો પડી જવાના પણ બનાવ બન્યા છે. આ ઘટનામાં કેટલીક વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત પણ થઈ છે. બોય્સ હોસ્ટેલની નવી બિલ્ડિંગની મંજૂરી ઘણાં વખતથી મળી હોવા છતાં નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું નથી.

ચાર દિવસથી તબીબો હડતાળ પર છે. પહેલા તો તેઓએ વિરોધ પ્રદર્શન અર્થે કેન્ડલ માર્ચ કરી. પછી તબીબીઓએ બી.જે. મેડિકલ કૉલેજ સુધી બકેટ માર્ક કરી જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ડોલ અને ટુવાલ લઈને રસ્તા પર રેલી કાઢી હતી. ગઈ કાલે આ વિદ્યાર્થીઓ જરૂરી સમાન લઈને હોસ્ટેલની બહાર નીકળી ગયા હતા. હાલ તમામ વિદ્યાર્થીઓએ હોસ્ટેલનો ત્યાગ કર્યો છે. આ તબીબો હોસ્ટેલની આગળ જ ફૂટપાથ અને રસ્તા ઉપર રહેશે.
હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ અત્યારે રોડ પર રહી રહ્યાં છે અને કૉલેજની બહાર ધરણા કરે છે. આ તબીબોએ અત્યાર સુધી ઘણી જગ્યાએ રજૂઆત કરી છે તેમ છતાં કોઈએ તેમની રજૂઆત સાંભળી નથી. જે તબીબો મહામારી દરમિયાન પોતાના જીવના જોખમે સેવા કરી હોય આજે તેઓ પાયાની સુવિધા મેળવવા વલખાં મારી રહ્યાં છે.








