Wednesday, December 11, 2024
HomeGujaratદેશની સિંગલ સ્ક્રીન સિનેમાહોલનું તસવીરી દસ્તાવેજીકરણ!

દેશની સિંગલ સ્ક્રીન સિનેમાહોલનું તસવીરી દસ્તાવેજીકરણ!

- Advertisement -

મોબાઇલ ટેક્નોલોજી અને મસમોટા ટીવીએ સિનેમા હોલનું વજૂદ ઘટાડી દીધું છે અને તેમાં પણ સિંગલ સ્ક્રીન સિનેમાં હોલને તો મરણતોલ ફટકો વાગ્યો છે. એક સમયે સિંગલ સ્ક્રીન હોલનો દેશભરમાં ડંકો વાગતો અને તેનો સુવર્ણકાળ લાંબો ચાલ્યો. સિંગલ સ્ક્રીનમાં ફિલ્મ જોનારો મોટો વર્ગ આજે હયાત છે, પણ તેમણે જ્યાં ફિલ્મો જોઈ છે તે સિંગલ સ્ક્રીન સિનેમાં હોલ આજે બંધ અથવા ખસ્તાહાલ થઈ ચૂક્યા છે. સિંગલ સ્ક્રીન સિનેમા હોલની આ સ્મૃતિ નેસ્તનાબૂદ થઈ જાય તે અગાઉ જાણીતા સિનેમેટોગ્રાફર હેમંત ચતુર્વેદીએ તેને તસવીરમાં દસ્તાવેજીત કરવાનું બીડું ઝડપ્યું છે અને તે માટે માટે દેશના ખૂણેખૂણે જઈને તેઓ સિંગલ સ્ક્રીન શોધીશોધીને તેની ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ ફોટોગ્રાફી સાથે તેઓ સિંગલ સ્ક્રીનના વિતેલાં સુવર્ણ યુગને પણ જોઈ શક્યા છે. હેમંત ચતુર્વેદીની આ અદભુત ડોક્યુમેન્ટેશનની તસવીરીયાત્રાથી કથાવસ્તુના ભંડારમાં પ્રવેશ્યા છે, જ્યાં સિંગલ સ્ક્રીનની અનેક કહાનીઓ છે, જેમાં સૌકોઈને રસ પડે એવું છે.

- Advertisement -

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હેમંત ચતુર્વેદીનું નામ સન્માનથી લેવાય છે. તેઓએ ‘કંપની’, ‘મકડી’, ‘મકબૂલ’, ‘15 પાર્ક એવન્યૂ’, ‘ઇશ્કઝાદે’ અને ‘યૂ હોતા તો ક્યાં હોતા’ જેવી યાદગાર ફિલ્મોમાં સિનેમેટોગ્રાફીથી ફિલ્મ સ્ક્રીન પર પોતાની મજબૂત છાપ છોડી છે. આ સાથે તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ અને ‘રેન્ડેઝવેઅસ વિથ સિમી ગરેવાલ’ જેવા ટેલિવિઝન શો માટે પણ કામ કર્યું છે. 2015માં તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું કામ મર્યાદીત કરીને સ્ટીલ ફોટોગ્રાફીમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ધાર કર્યો. આ પછી તેમણે સ્ટીલ ફોટોગ્રાફીના જુદા જુદા પ્રોજેક્ટ ઊપાડ્યા. આવાં જ એક પ્રોજેક્ટ દરમિયાન 2019માંતેઓ પ્રયાગરાજ કુંભ મેળાની તસવીરો લેવા ગયા હતા. કુંભમાં તેઓ તસવીર લઈને થોડા કંટાળ્યા ત્યારે ત્યાં સ્થિત 1800ના ગાળામાં સ્થપાયેલી અલ્હાબાદ યુનિવર્સિટીના આર્કિકેટ્ચરલ ઇમારતને જોવા ઊપડ્યા. ત્યાં જતા રસ્તામાં તેઓને લક્ષ્મી ટોકીઝ નામનું સિનેમા હોલ જોવા મળ્યો. આ સિનેમા હોલ જૂનો પુરાણો થઈ ચૂક્યો હતો. તેમણે આ સિનેમા હોલના થોડા ચક્કર કાપ્યા. 1999થી તે બંધ સ્થિતિમાં હતું. 1940માં નિર્માણ પામેલા આ સિનેમા હોલ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવનાર હતો અને તે જગ્યાએ મોલ બનાવાનો હતો. તે યાદોને સાચવી રાખવા તેમણે આ સિનેમા હોલની તસવીર લેવા માંડી. આ તસવીર લેતી વખતે તેઓ આ સિનેમા હોલની જહોજલાલી કેટલી હશે તેનાથી રૂબરૂ થયા. ત્યારે તેમનો વિચાર આવ્યો કે દેશમાં આવા તો અસંખ્ય સિનેમા હોલ હશે, જેઓ આજના મોબાઈલ અને મલ્ટીસ્ક્રીન યુગના કારણે આ સ્થિતિમાં આવી પડ્યા હશે. જો ટૂંકા ગાળામાં તે સ્મૃતિને ક્યાંક કેદ કરવામાં નહીં આવે તો તે ઝળહળતો ઇતિહાસ નેસ્તનાબૂદ થઈ જશે. બસ તે વખતે જ તેમણે નક્કી કરી લીધું કે દેશમાં આવાં સિનેમા હોલનું તેઓ તસવીરી દસ્તાવેજીકરણ કરશે. હેમંતને ખ્યાલ હતો કે આ સાથે તેઓ સો વર્ષના ગાળાને પણ તસવીરમાં કેદ તો કરશે જ પણ તે સાથે તેની સાથે જોડાયેલા અનેક કહાનીઓ પણ જાણશે. આ રીતે તેમની આ સફર શરૂ થઈ, જેમાં અત્યાર સુધી તેઓ દેશમાં 32,000 કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે અને તેની સાથે 655 સ્ક્રીનને પોતાના કેમેરામાં કેદ કરી ચૂક્યા છે.

દેશમાં પ્રથમ સિનેમા હોલ કોલકતામાં નિર્માણ પામ્યો હતો અને તેના નિર્માણકર્તા હતા ભારતીય ફિલ્મ પ્રોડક્શનના પાયોનિયર જમશેદજી ફ્રામજી માદન. આ સિનેમા હોલનું નામ બદલાતું ગયું. મિનેરવાથી લઈને ચેપ્લિન નામ તે સિનેમા હોલને મળ્યા. 2003માં આ ઐતિહાસિક સિનેમા હોલને તોડી પાડવામાં આવ્યો, તે અગાઉ તેને ટકાવી રાખવા માટે ખૂબ પ્રયાસ થયા. યંગ ઓડિયન્સને આકર્ષવા માટે ત્યાં સસ્તામાં હોલીવુડ ફિલ્મો પણ ચલાવવામાં આવી, તેમ છતાં આ હોલ બચી શક્યો નહીં. આવી તો અનેક કહાનીઓ હેમંત પાસે છે. હેમંત કહે છે : “સિંગલ સ્ક્રીન એ સમાજનું કેન્દ્ર હતું, કારણ કે ત્યાં સસ્તી દરની ટિકિટો ઉપલબ્ધ હતી – સૌથી સસ્તી ટિકિટ એક સમયે માત્ર એક આનામાં પણ મળતી! આ ઉપરાંત આ સિનેમા હોલની ક્ષમતા 1000 સુધીની રહેતી, જે કારણે આ હોલ સર્વસમાવશેક બનતો. સિંગલ સ્ક્રીનમાં ફિલ્મ જોવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા, અને જ્યારે તેઓને પહેલા દિવસે પહેલા શોની ટિકિટ મળતી ત્યારે રોમાંચ અનુભવતા. આ રીતે મોટી સંખ્યામાં પ્રેક્ષકો હોય અને ફિલ્મોનું સ્ક્રીનિંગ થતું ત્યારે ત્યાં અલગ માહોલ સર્જાતો. ગીત આવે ત્યારે પ્રેક્ષકો તે ગણગણતા અને ડાયલોગ્સ પર સિટીઓ વાગતી. અને એકથી વધુ વાર પ્રેક્ષકો ફિલ્મો જોવા આવતાં.”

- Advertisement -

1980થી 1990ના દોરમાં સિનેમા હોલમાંથી ટેલિવિઝનમાં શિફ્ટ થયું અને પછી તો મલ્ટીસ્ક્રીન અને મોબાઇલના આવવાથી આ સિનેમાના પડદા કાયમ માટે પડતાં ગયાં. એક અંદાજ મુજબ 2009માં દેશમાં સિંગલ-સ્ક્રીનની સંખ્યા 9,700ની આસપાસ હતી, જે ઘટીને હવે 6,300 થઈ ચૂકી છે. કેટલાંક સિંગલ સ્ક્રીન કાયમ માટે બંધ થઈ ચૂક્યા છે જ્યારે અન્ય મલ્ટીસ્ક્રીન થયાં છે. બદલાયેલાં સમયમાં ઘણાં સિંગલ સ્ક્રીન ધૂળીયાં થઈ ચૂક્યા છે. જોકે ધૂળ ખંખેરીએ તો તેની નીચે ધરબાયેલી અદભુત સ્ટોરીઓ જડે છે. આવી જ એક સ્ટોરી વઢવાણની છે, જ્યાં હેમંત આવા જ એક સિનેમા હોલના તસવીર લેવા ગયા હતા. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેમને સિનેમા હોલના માલિક જર્જરીત થઈ ગયેલી દિવાલ પાસે લઈ ગયા, જેમાં એક નમૂનેદાર દરવાજો બનેલો છે. તેની પાછળ ખુલ્લુ મેદાન હતું. આ દરવાજાની બાજુમાં નક્શેદાર ટિકિટ વિન્ડો છે. સિનેમાના માલિક આ સિનેમા હોલની કથા બયાન કરતાં કહે છે કે, “1896માં જ્યારે મુંબઈમાં વોટ્સન હોટલમાં લુમિયર્સ બ્રધર્સે સ્ક્રીનિંગ ગોઠવ્યું હતું, ત્યારે વઢવાણના રાજા પણ તે સ્ક્રીનિંગમાં પ્રેક્ષક તરીકે બેઠા હતા. સ્ક્રીનિંગ જોયા બાદ રાજાએ લુમિયર્સ બ્રધર્સને પોતાના માટે એક પ્રોજેક્ટર લાવવા અર્થે નાણાં ચૂકવ્યા. દસ વર્ષ પછી તે પ્રોજેક્ટર રાજાને મળ્યા અને પછીથી 1906માં વઢવાણમાં સાયલન્ટ મૂવી માટે પ્રથમ ઓપન એર થિયેટર આરંભાયું. અહીંયા સૂર્યાસ્ત બાદ ફિલ્મ જોવા લોકો એકઠા થતાં”

- Advertisement -

સિંગલ સ્ક્રીન હોલની સમૃદ્ધીના કિસ્સા માલિકો અને તેમના સ્ટાફ પાસે તો હોય જ, પણ સાથે સાથે તેની આસપાસ જે બિઝનેસ કરતાં તેઓ પણ તે યાદોને આજે વાગોળે છે. જબલપુરમાં હેમંત ચતુર્વેદી આ રીતે જ આનંદ ટોકીઝ પાસે બિઝનેસ કરતાં લોકોને મળ્યાં છે. તેઓ અહીંયા એક સમયે કેન્ટિન ચલાવતાં મહેબૂબભાઈને મળ્યા હતા. મહેબૂબભાઈ કહે છે કે, “જ્યારે આ સિનેમામાં ફિલ્મ લાગતી ત્યારે અહીંયા ચા બનાવવા માટે અમે રોજનું હજાર લિટર દૂધ મંગાવતા હતા. 1000 ક્ષમતા ધરાવાતા આ સિનેમા હોલમાં રોજના છ શો થતાં, અને અહીંયા અડધા લોકો પણ જો ચા પીવે તો ગ્રાહકોની રોજની સંખ્યા 3000 સુધી પહોંચતી” અહીં ફિલ્મ દર્શાવતા પ્રોજેક્શનીસ્ટોને પણ ચતુર્વેદી મળ્યા છે. એક પ્રોજેક્શનીસ્ટ હેમંતને કહે છે કે અગાઉ ફિલ્મમાં પ્રોજેક્શન મશીન અનેકવાર અટકી પડતું, ત્યારે પ્રેક્ષકો બૂમાબૂમ કરતાં. આજે તે માહોલ વિસરાઈ ચૂક્યો છે, પ્રોજેક્ટનીસ્ટ આજે ડિજિટલ પ્રોજેક્ટર પર ફિલ્મ દર્શાવે છે પણ તેમનું પ્રેક્ષકો સાથેનું જે કનેક્શન અગાઉ હતું તેને તેઓ મિસ કરે છે.

ફિલ્મોનો ઇતિહાસ આ સિનેમા હોલ સાથે કેવી રીતે અભિન્ન રીતે જોડાયેલો છે, તેનો એક કિસ્સો હેમંતને નાશિક શહેરમાં જાણવા મળ્યો હતો. નાશિકમાં વિજયાનંદ ટોકીઝ નામનું એક સિનેમા હોલ છે, જે દેશનું સૌથી લાંબા સમયથી ચાલતું સિનેમા હોલ છે. આ સિનેમા હોલનું ઓપનિંગ 1906માં થયું હતું, ત્યાં પહેલાં નાટકો થતાં. આ સિનેમાના માલિક વિનયકુમાર ચુમ્બલે હતા, જેઓ ભારતીય ફિલ્મ જગતના પિતામહ દાદાસાહેબ ફાળકેના મિત્ર હતા. ચુમ્બલે પરિવાર આમ તો દરજીકામ કરતું હતું, અને આજે તે પરિવાર યાદો વાગોળતા કહે છે કે દરજીકામ કરતાં જે તેઓનો પરિચય એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે થયો. સિનેમા ટેન્ટમાં દર્શાવવા માટે તેઓ તંબુ સિવવાનું કામ કરતાં. આ જ થિયેટરમાં તત્કાલિન નાશિકના બ્રિટિશ કલેક્ટર એએમટી જેક્સનની હત્યા અનંત કન્હારેએ કરી હતી. જોકે પછી પણ આ જગ્યાએ ફિલ્મો દર્શાવાતી રહી.

આવી અનેક રસપ્રદ કહાનીઓ આજે હેમંત પાસે સાંભળવા મળે છે. તેઓ હજુ પણ આવાં સિનેમા હોલની શોધ કરી રહ્યાં છે. તેઓની આ શોધનો અંત આવશે પછી તેમના તરફથી જે મળશે તે અમૂલ્ય તો હશે જ પણ તેને સુરક્ષિત રાખી શકાશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular