પ્રિય દોસ્ત,
આપણે ઘણા વર્ષોથી વાત કરતા નથી, પણ હું તને કયારેય ભુલી શકયો નથી, તારી સાથે વાત નહીં કરૂ તે યાદ રાખવા માટે પણ તારી યાદ સતત આવતી રહે છે, મને ખબર છે તારા પક્ષે પણ એવુ જ છે. આપણે નાના હતા અને સાથે રમતા હતા ત્યારે રોજ દિવસે કીટ્ટા થતી અને સાંજ પહેલા બુચ્ચા થઈ જતી હતી, કેટલુ સારૂ હતુ પણ કમ્બખ્ત આપણે મોટા થઈ ગયા એટલે જ આપણી કીટ્ટા લાંબી ચાલી. આજે નવુ વર્ષ છે, તું મને ફરી યાદ આવી ગયો. તારી અને મારી પાસે દિવાળીમાં બહુ ઓછા ફટાકડા રહેતા કારણ તારા અને મારા પપ્પાની સ્થિતિ સરખી સારી હતી, આમ છતાં આપણે આપણા થોડાક ફટાકડાના પ્રકાશથી આખી દુનિયાને પ્રકાશમય કરી દઈશુ તેવો વિશ્વાસ હતો. તને યાદ છે આપણા તારા મંડળ, લવીંગીયા અને થોડીક કોઠી ફોડયા પછી આપણે બાજુની સોસાયટીમાં ફુટતા શ્રીમંતોના ફટાકડા જોવા જતાં હતા. જોકે આપણી પાસે ઓછા ફટાકડા છે તેનું દુ:ખ ન્હોતુ, પણ બીજાના ફુટતા ફટાકડા જોઈને પણ આનંદ થતો હતો. આજે પૈસા છે અને ફટાકડા ખરીદવાની હેસીયત છે,. પણ યાર પેલો આનંદ નથી.
તું મારો જ દોસ્ત તેવો અલિખીત કરાર મે મારી જાત સાથે કર્યો હતો, એટલે જ તારી સાથે કોઈ વાત કરે તો પણ મને માઠુ લાગી જતુ, પછી તું મને મનાવી લેતો, પણ આજે આપણી કીટ્ટા બહુ લાંબી ચાલી, મને હતુ કે તું મને મનાવી લઈશ પણ તું આવ્યો જ નહીં, કદાચ તને એવુ હતું કે હું તારી પાસે આવીશ, પણ હું પણ કઈ ઓછો નથી, તારો જ દોસ્ત છું, તારા જેવી જ ટણી મારી પણ છે, પણ હવે તારી સાથે વાત કરતો નથી તેનો ભાર લાગી રહ્યો છે. તને મારી જીંદગીમાંથી હડસેલી દેવાનો મેં બહુ પ્રયત્ન કર્યો પણ તું મારી જીંદગીમાં એવો ઘુસી ગયો છે કે નિકળતો જ નથી તને ખબર નહીં હોય મારી જીંદગીમાં ઘણા સારા માઠા દિવસો આવ્યા પણ ત્યારે તું મારી સાથે જ રહ્યો, જયારે મારે રડવુ હતુ ત્યારે તું મારી સાથે ન્હોતો, જયારે મારે હસવુ હતું ત્યારે મારી સાથે હસનારો તું ન્હોતો.
તને યાદ છે મને શીરો ખુબ ભાવતો, તો તારા પપ્પા કર્મકાંડ કરતા એટલે જયારે પણ સત્યનારાયણની પુજા કરાવવા જાય ત્યારે ઘરે શીરો લઈ આવતા, તું તારા ભાગનો શીરો સંતાડી મારા માટે લઈ આવતો, યાર પછી મને તેવી રીતે શીરો કયારેય ખાવા મળ્યો જ નહીં જયારે પણ મારા ઘરે સત્યાનારાયણની પુજા થાય ત્યાર મને નારાયણ સ્વરૂપમાં તું જ દેખાય છે, મને લાગે છે ઈશ્વરે મને ખુબ આપ્યુ છે, પણ મારી સાથે આબોલા હોવા છતાં તારી પ્રાર્થનામાં તું મને ભુલ્યો નથી, તેની મને ખબર છે, આપણે બંન્ને એકબીજાથી નારાજ છીએ, પણ એકબીજાથી દુર નથી, એટલે આપણા કોમન મિત્ર મળે ત્યારે આપણે એકબીજાના સમાચાર પુછતા રહીએ છીએ, કદાચ આપણી પ્રેમ કરવાની સ્ટાઈલ હશે, પણ હવે આ સ્ટાઈલો આપણે મારવી નથી. સામ-સામે બેસી જુના વર્ષોનો ગુસ્સો અને ઉભરો ઠાલવી ફરી મિત્રતાનો એક નવો ચોપડો લખીએ, તારી સાથે વાત કરીશ નહીં તેવુ અનેક વખત નક્કી કર્યુ પણ ત્યારે તરત વિચાર આવ્યો કે એક દિવસ મૃત્યુ આવી જશે તો? દોસ્ત તારી સાથે બુચ્ચા કર્યા વગર મરવુ નથી, મર્યા પછી પણ મારે તારા હ્રદયમાં જીવવુ છે. મને તારા હ્રદયમાં જીવવાની તક આપીશને દોસ્ત.
બસ અહિયા અટકતો નથી, મેં તારી સાથે બુચ્ચા કરી છે તે કહેવા જ પત્ર લખ્યો છે, કયારે કોની સફર પુરી થશે તેનો કોઈ ભરોસો નથી, પણ આ સફરમાં આપણે મળી લઈએ એટલી જ વિનંતી છે, તું મને મળીશ અને મારી બુચ્ચા કરીશ તેની મને ખબર છે કારણ તને પણ મારા વગર ચાલશે નહીં, તારો ઈંતઝાર છે…
તારો
દોસ્ત
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.