નવજીવન ન્યૂઝ, અમદાવાદ : Gujarat Police ના અનેક વિભાગોમાં મહત્વનો વિભાગ એટલે, ગુપ્તચર વિભાગ. સ્ટેટ આઈબી પીઆઈ (State IB) એસીબીના હાથે લાંચ લેતાં રંગે હાથ ઝડપાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. સાણંદ વિસ્તારના એક વ્યક્તિને મળેલા પોલીસ પ્રોટેકશનનો હકારાત્મક અભિપ્રાય આપવા માટે પીઆઈ કક્ષાના અધિકારીએ 80 હજાર રૂપિયાની લાંચ માગી હતી. અત્રે નોંધનીય છે કે, લાંચ કેસમાં પકડાયેલા પીઆઈ કેતન દવે (PI Ketan Dave) એકાદ લાખ રૂપિયાના પગારદાર છે.
Gujarat ACB ને શું મળી હતી ફરિયાદ ?
સાણંદ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને અગાઉ આઈબી રિપોર્ટના આધારે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. આ વર્ષે પોલીસ પ્રોટેક્શન રિન્યુ કરવા માટે અરજદારે અરજી કરી હતી. જે અરજી સ્ટેટ આઈબી અમદાવાદ રિજિયનના પીઆઈ કેતન ગીરીશભાઈ દવે (રહે. સરગાસણ, ગાંધીનગર) પાસે આવી હતી. પીઆઈ કેતન દવેએ ગુપ્તચર વિભાગમાં હકારાત્મક અભિપ્રાય આપવા માટે 80 હજાર રૂપિયાની લાંચ માગી હતી. અરજદાર લાંચ આપવા માગતા નહીં હોવાથી તેમણે Gujarat ACB માં આ અંગેની ફરિયાદ કરી હતી.
એક લાખના પગારદારે ઘર પાસે લાંચ લીધી
IB PI Ketan Dave એ લાંચ લેવા માટે અરજદારને તેમના ઘર પાસે આવેલી સરગાસણ ચોકડી ખાતે બોલાવ્યા હતા. ગાંધીનગર એસીબી ફિલ્ડ પીઆઈ એચ. બી. ચાવડા (ACB PI H B Chavda) ને અરજદારે માહિતી આપતા તેમણે સરગાસણ ચોકડી ખાતે ટ્રેપ ગોઠવી હતી. અરજદારની કારમાં બેસીને 80 હજારની લાંચ પીઆઈ દવેએ સ્વીકારતા તેમને Team ACB એ રંગે હાથ પકડી પાડ્યા હતા. પકડાયેલા પીઆઈ કેતન દવે દસેક વર્ષ અગાઉ સ્ટેટ આઈબીમાં પીએસઆઈ તરીકે ભરતી થયા હતા અને એકાદ વર્ષ અગાઉ પીઆઈનું પ્રમોશન આવ્યું હતું.








