નવજીવન ન્યૂઝ. અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) ખાતે 26થી 28 જાન્યુઆરીના રોજ ‘હ્યુમન રાઇટ કોન્ફરન્સ’નું આયોજન થવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સનું આયોજન ‘ગિરીશ પટેલ ફાઉન્ડેશન’ દ્વારા થઈ રહ્યું છે. દેશભરમાંથી નિસબત ધરાવતાં જાગ્રત નાગરિકો આ કોન્ફરન્સમાં ભાગ લેશે. કોન્ફરન્સમાં ગણમાન્ય સભ્યો ઉપસ્થિત રહેવાના છે તેમાં પર્યાવરણ મુદ્દે લડત આપનારાં વંદના શિવા છે. સુપ્રિમ કોર્ટના (Supreme Court) એડવોકેટ પ્રશાંત ભૂષણ, સંજય પરીખ અને મિહીર દેસાઈ છે. માનવ અધિકારો માટે લડનારા કવિતા શ્રીવાસ્તવ અને કામીની જયસ્વાલ છે.
ત્રણ દિવસ સવારે સાડા નવ વાગ્યાથી રાતના 10 સુધી ચાલનારાં આ સેશનમાં દેશભરમાં લાંબા સમયથી ગ્રાસરૂટ પર કામ કરતાં કાર્યકર્તાઓ, કમર્શીલો, એડવોકેટ અને અન્ય નિસબત ધરાવતાં નાગરિકો ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં આ પ્રકારનો કોઈ કાર્યક્રમ થયો નથી, જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રજાનિસબત ધરાવતાં મહાનુભોવા આવતાં હોય. આજે જ્યારે ગુજરાત સહિત દેશમાં પીડિત, વંચિત, લઘુમતિ અને મૂળવાસીઓનો અવાજ દબાઈ ચૂક્યો છે અને મુખ્યધારાનું મીડિયા સરકાર તરફી થઈ ચૂક્યું છે, ત્યારે હાંસિયામાં ધકેલાયેલા આ વર્ગના અનેક એવા મુદ્દા છે, જે ક્યારેય પ્રકાશમાં આવતાં નથી, તેના વિશે ચર્ચા થતી નથી. ‘હ્યુમન રાઇટ કોન્ફરન્સ’માં આ વર્ગના પ્રશ્નો, સમસ્યાની ચર્ચા થશે અને તે ચર્ચાનું પરિણામ ઉકેલ તરફ આવે તેનો પ્રયાસ હશે. કોન્ફરન્સનું સ્થળ ‘ગિરીશ પટેલ ફાઉન્ડેશન’, પંચમણી ચેમ્બર્સ, એસિયા સ્કૂલની સામે, ડ્રાઇવ ઇન રોડ અમદાવાદ છે. આ કોન્ફરન્સમાં વિનામૂલ્યે આવી શકાશે, માત્ર તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
કોન્ફરન્સની શરૂઆત 26 જાન્યુઆરીના દિવસે થશે. આ દિવસથી કોન્ફરન્સની શરૂઆત અનેક રીતે સૂચક છે. પ્રથમ સેશન સવારે 9:30 વાગ્યે થશે. ‘આ કોન્ફરન્સની આવશ્યકતા કેમ છે?’ તે વિશેની વાત સૌપ્રથમ જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક કરશે. ત્યાર બાદ પ્રથમ સેશન સુપ્રિમ કોર્ટના સિનિયર કાઉન્સિલ કોલિન ગોન્સાલ્વેસ અને ‘પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ’ સંસ્થાના રાષ્ટ્રિય અધ્યક્ષ કવિતા શ્રીવાસ્તવનું છે. આ રીતે પ્રથમ દિવસે ત્રણ સેશન છે, જેમાં માનવ અધિકાર મુદ્દે કાર્ય કરતાં વિવિધ સ્પીકર્સ શ્રોતા સમક્ષ પોતાની વાત મૂકશે. 26 જાન્યુઆરીના રોજ સાંજે 6 : 15 વાગ્યે વંદના શિવા ‘ઇકોલોજી, ટેકનોલોજી અને હ્યુમન સ્ટ્રગલ’ વિશે માંડીને વાત કરશે. આ સેશનનો ચર્ચાનો દોર આનંદ યાજ્ઞિક સંભાળશે. રાતરે 7:45 વાગ્યે દેશના આદિવાસી વર્ગની ગીતો-કથા પ્રાચી વૈદ્ય રજૂ કરશે.
27 જાન્યુઆરીના રોજ સવારે 9થી 11 વાગ્યા સુધી કામદારોના પ્રશ્નો અંગે જે-તે વિષય સંબંધે કાર્ય કરતાં કર્મશીલો ચર્ચા કરશે. આ પૂરી ચર્ચામાં શેરડી કામદારો, બાંધકામ કામદારો, અસંગઠિત કામદારોના પ્રશ્નો વિશે સૌ કોઈ વાત મૂકશે. ત્યાર બાદ મહિલા સંબંધિત પ્રશ્નો અંગે સંવાદ થશે. બપોરના આ સેશનમાં સમાજમાં મહિલાઓ સાથે થતાં અત્યાચારના મુદ્દા ચર્ચાશે. 27મી તારીખે સાંજે સુપ્રિમ કોર્ટના એડવોકેટ પ્રશાંત ભૂષણ, મિહિર દેસાઈ અને કામિની જયસ્વાલ સુપ્રિમ કોર્ટ અને હાઈ કોર્ટ બંધારણીય અને માનવ અધિકારના રક્ષણ સંબંધિત મુદ્દા રજૂ કરશે. આ દિવસના અંતે 7:30 સુફી સંગીતનો કાર્યક્રમ છે, જે માટે દિલ્હીથી આયોજકોએ અભિનવ અરોરાને આમંત્ર્યા છે.
28 તારીખે કોન્ફરન્સનો ત્રીજો અને અંતિમ દિવસ હશે. આ દિવસે પ્રથમ સેશનમાં ‘નેશનલ કેમ્પેઇન ઓન દલિત હ્યુમન રાઇટ્સ’ના પ્રસાદ ચક્કો ઉપસ્થિત રહેશે. આ સેશનમાં વિષય હશે ગુજરાતમાં દલિતોના અધિકારોની સ્થિતિ. બીજું સેશન બાળકોના અધિકાર વિશેનું છે, તેમાં પણ બાળકોના અધિકાર અર્થે કાર્ય કરતાં કર્મશીલો પોતાની વાત રજૂ કરશે. ત્રીજું સેશન ખેડૂતોના પ્રશ્નો સંબંધિત છે અને ચોથું સેશન અગરિયા કામદારોનું. અગરિયાના પ્રશ્નો સંબંધિત સેશનનું સંચાલન હરિણેશ પંડ્યા કરશે અને તેમાં સામેલ થનારા વક્તાઓમાં પંક્તિ જોગ, ચારુ-વિનય છે. આ દિવસે 6 :30 વાગ્યે ઘનશ્યામ ગઢવી અને તેમનું બેન્ડ દેશી ડાયરો રજૂ કરશે.
આ કાર્યક્રની રૂપરેખા છે, જેઓને આમાં સામેલ થવું હોય તેમણે girishpatelfoundation@gmail.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








