Wednesday, February 18, 2026
HomeNationalભોપાલ ગેસ દુર્ઘટનાના એક આરોપીએ પુસ્તક લખીને કેવી રીતે પોતાના જ વિરુદ્ધ...

ભોપાલ ગેસ દુર્ઘટનાના એક આરોપીએ પુસ્તક લખીને કેવી રીતે પોતાના જ વિરુદ્ધ પુરાવા આપ્યા…!

- Advertisement -

કિરણ કાપૂરે. નવજીવન ન્યૂઝ: 1984માં ભોપાલમાં ‘યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ’ કંપનીમાં થયેલા અકસ્માતને આધુનિક જગતની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટના કહેવાય છે. ભોપાલમાં આવેલી ‘યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ’ની સ્થાપના આઝાદી અગાઉ થઈ હતી. આ કંપની મુખ્યત્વે બેટરી, કાર્બન પ્રોડક્ટ, વેલ્ડિંગના સાધનો, પ્લાસ્ટિક્સ, ઔદ્યોગિક કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સનું ઉત્પાદન કરતી હતી. કંપની મૂળે અમેરિકાની હતી અને તેના 49 ટકાની હિસ્સેદારી ભારતીયોની હતી. સરકાર અને સરકાર સંચાલિત બેન્કોએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું હતું.

1984માં 2 ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડીમાં યુનિયન કાર્બાઇડ કંપનીમાંથી ઝેરી હવા ભોપાલ શહેરમાં પ્રસરી અને જોતજોતમાં પૂરા શહેરમાં તે હવાની અસર થઈ. સરકારી આંકડા મુજબ તે દિવસે રાતરે 2,259 લોકો તત્કાલ મૃત્યુ પામ્યા. આ લોકો કંપનીની ખૂબ નજીક રહેતા હતા. જોકે અન્યત્ર મૃત્યુઆંક દર્શાવવામાં આવે છે તે આઠ હજારનો છે અને તે પછી પણ તેની અસરથી વધુ આઠ હજારથી લોકો માર્યા ગયા હતા. કેટલાંક ઠેકાણે મૃત્યુઆંક 35,000 જેટલો છે, અને તેને સરકાર ઠોસ રીતે નકારતી નથી. 2006માં સરકાર દ્વારા કરવામાં આવેલી એફિડેવિટમાં 3,787 લોકોની મોત થયાનું દર્શાવાયું છે અને તેમાં ઇજાગ્રસ્તોની સંખ્યા 5,74,366ની હતી. આ આંકડા જોતાં ખ્યાલ આવી શકે કે આ દુર્ઘટના કેટલી ભયંકર હશે. એક શહેરમાં વસતાં લાખો લોકો જ્યારે કોઈ આવી ઝેરી હવાથી અસર પામે ત્યારે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ બને છે. તે પછી સરકારે મૃત્યુ પામનાર અને ઇજાગ્રસ્તોને વળતર પણ ચૂકવ્યું. જોકે વળતરને લઈને હજુય ભોપાલ ગેસ ત્રાસદીના પીડિતોની લડત જારી છે અને ફાઈનલી હાલમાં સુપ્રિમ કોર્ટે વધુ વળતર ચૂકવવાની ના કહી છે.

- Advertisement -
Bhopal gas tragedy
Bhopal gas tragedy

આ ઘટના બની તેમાં મુખ્ય આરોપી વોરેન એન્ડરસન હતો. વોરેન તે વખતે યુનિયન કાર્બાઇડનો ચેરમેન હતો. ઘટના બની તે પછી ચાર દિવસે એન્ડરસન પોતે ભોપાલ આવીને જે થયું તે જોયું. વોરેન એન્ડરસનને તે વખતે ધરપકડ કરવામાં આવી. પરંતુ માત્ર ચાર-પાંચ કલાકોમાં જ તેને જામીન મળ્યા અને ભોપાલ જ નહીં, બલકે તે દેશમાંથી ભાગી છૂટ્યો. એન્ડરસનના પ્રત્યાર્પણને લઈને ખૂબ પ્રયાસ થયા, પરંતુ તેને કોઈ સજા ન થઈ શકી. 1986માં એન્ડરસન યુનિયન કાર્બાઇડના સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થયો અને 2014માં 92 વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો.

આ ત્રાસદીના બીજા ગુનેગાર છે સ્વરાજ પુરી. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે તેઓ એસ.પી.ના પદે ફરજ બજાવી રહ્યા હતા. આ તમામ વિગત ‘સત્યાગ્રહ’ નામના ન્યૂઝ પોર્ટલ પર વિગતે મૂકાઈ છે. સ્વરાજ પુરીએ જ સૌપ્રથમ એન્ડરસનની ધરપકડ કરી હતી અને પછીથી જામીન પણ એમણે જ કરી. એટલું જ નહીં, તેઓ જ એન્ડરસનને જાતે ડ્રાઇવ કરીને એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા. ગેસ ત્રાસદીની તપાસ કરનારી સમિતિ સામે સ્વરાજ પુરીએ સ્વીકાર હતું કે, “અમે એન્ડરસનની લેખિત આદેશ અનુસાર ધરપકડ કરી હતી. પરંતુ તેને છોડવામાં માત્ર મૌખિક હુકમ જ હતો. અને મૌખિક હુકમ અમને ઉપરથી મળ્યો હતો.” આ હુકમ કોણે આપ્યો હતો તે તેમણે ક્યારેય ન કહ્યું. 2006માં સ્વરાજ પુરી પણ ડી.જી.પી.ના પદે માનભેરે નિવૃત્ત થયા. સેવાનિવૃત્તિ પછી પણ તેઓને નર્મદા યોજનામાં ફરિયાદ નિવારણ વિભાગમાં સભ્ય બનાવવામાં આવ્યા. 2010માં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ ત્યારે તેમને સભ્ય પદેથી હટાવવામાં આવ્યા, પણ પછી તેઓ ફરી યુનિવર્સિટીના નિયામક આયોગના સભ્ય બન્યા. આટલી મોટી ત્રાસદીમાં આરોપીને છોડી મૂકવાના આરોપ હોવા છતાં તેમનું જીવન ઝાઝી મુસિબત વિના પસાર થયું.

આ ઘટનામાં ત્રીજી કડી આઈ.એ.એસ. મોતીસિંહ છે. જ્યારે આ ઘટની બની ત્યારે તેઓ ભોપાલના કલેક્ટર હતા. તેઓ સરકારી નોકરીમાં ઉચ્ચ પદે રહ્યા અને સેવાનિવૃત્તિ પછી પણ તેમને સરકાર તરફથી લાભ મળતા રહ્યા. મોતીસિંહની જ કાર ચલાવીને એસ.પી. સ્વરાજ પુરી એન્ડરસનને એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા. તે કારમાં એન્ડરસન સાથે મોતી સિંહ પણ હતા. આ ઘટનાક્રમ જોતા એવું કહી શકાય કે એન્ડરસનની ધરપકડ, જામીન અને તે પછી તેમને ભગાડી મૂકવામાં તેઓ પણ સામેલ હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ પૂરી વિગત મોતીસિંહ લિખિત પુસ્તક ‘ભોપાલ ગેસ ત્રાસદી’માં વર્ણવી છે. આ પુસ્તક 2009માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં તેમણે આ ઘટનાને આ રીતે મૂકી આપી છે. તેઓ લખે છે : “સાત ડિસેમ્બરે મુખ્યમંત્રી (અર્જુનસિંહ)નો ફોન આવ્યો. મને તત્કાલ સી.એમ. હાઉસ બોલાવવામાં આવ્યો. થોડા સમય પછી ત્યાં પોલીસ અધીક્ષક સ્વરાજ પુરી આવ્યા. અહીં અમને કહેવામાં આવ્યું કે એન્ડરસન, કેશવ મહિન્દ્રા (યુનિયન કાર્બાઇડ ઇંડિયાના અધ્યક્ષ) અને વિજય ગોખલે (કંપનીના મેનેજર) સર્વિસ ફ્લાઇટથી ભોપાલ આવી રહ્યા છે. તેમની ધરપકડ કરવાની છે. હુકમ મળતાં જ અમે ભોપાલ એરપોર્ટ પર રવાના થયા. સવારે અંદાજે દસ વાગ્યે તેમનું વિમાન એરપોર્ટ પર આવ્યું. અને એરોડ્રામ અધિકારી ખન્નાના મદદથી અમે વિમાનની કોકપિટ ધરાવતી સીડીમાંથી એન્ડરસન, મહિન્દ્રા અને ગોખલેને ઉતારીને નીચે લઈ આવ્યા. મેં ઇશારો કર્યો અને એસ.પી. તુરંત મારી કાર વિમાનની પાસે લઈ આવ્યા. કારમાં ત્રણેયને બેસાડીને અમે યુનિયન કાર્બાઇડના ગેસ્ટ હાઉસ તરફ ગાડીને હંકારી. એરપોર્ટમાંથી નિકળવા માટે અમે ટર્મિનલ બિલ્ડિંગના સામેના બદલે બીજે રસ્તા ગયા. જેથી કોઈ કેમેરામેન અમારી તસવીર ન લઈ શકે. ગેસ્ટ હાઉસ પહોંચ્યા બાદ મેં એન્ડરસનને તેમની ધરપકડ વિશે જણાવ્યું. આ અંગે કેટલાંક આયોજનો કર્યા બાદ જ્યારે અમે બહાર નીકળ્યા ત્યારે ગેસ્ટ હાઉસના ગેટ પર મીડિયા આવી ચૂક્યું હતું. તે વખતે પણ કારમાંથી ઉતરીને મેં મીડિયાને એન્ડરસનની ધરપકડ વિશે જણાવ્યું. અને તે પછી અન્ય પ્રશ્નોથી બચવા માટે અમે ત્યાંથી નીકળી ગયા.”

- Advertisement -
Bhopal gas tragedy
Bhopal gas tragedy

“એ જ દિવસે બપોરે અઢી વાગે મુખ્ય સચિવ બ્રહ્મસ્વરૂપના આદેશથી હું એસ.પી. સાથે તેમને મળવા સચિવાલય સ્થિત તેમના ચેંબરમાં ગયો. તેમણે મને કહ્યું કે બૈરાગઢ એરપોર્ટ પર સ્ટેટ પ્લેન ઊભું છે. એન્ડરસનને તે જ પ્લેનમાં તત્કાલ દિલ્હી મોકલવાના છે. આ આદેશ મળતા જ અમે સીધા યુનિયન કાર્બાઇડના ગેસ્ટ હાઉસ તરફ રવાના થયા. ત્યાં થોડી ચર્ચા બાદ એન્ડરસનના જામીનના કાગળો તૈયાર થયા. તેણે તેના પર સહી કરી. ત્યાર બાદ એન્ડરસનને કારમાં બેસાડીને અમે રિજનલ કોલેજ તરફના નવા બનાવેલા ઉબડખાબડ રસ્તા પરથી નીકળી ગયા. જે રસ્તે અમે એરપોર્ટ પહોંચ્યા તે વિશે કોઈનેય માહિતી નહોતી. એરપોર્ટ પર સ્ટેટ પ્લેન ઊભું હતું. અમે તેમાં એન્ડરસનને બેસાડ્યો અને દિલ્હી માટે રવાનો કર્યો.” જ્યારે કંપનીના અધ્યક્ષ કેશવ મહિન્દ્રા અને મેનેજર વિજય ગોખલેને પોલીસ ન્યાયાલયમાં રજૂ કરી ચૂકી હતી અને તેમના રિમાન્ડ પણ મેળવી ચૂકી હતી.

આ પુસ્તકમાં આટલા સ્પષ્ટ રીતે એન્ડરસનને ભગાડી મૂકવાનો એકરાર કર્યો છે અને તેના આધારે ભોપાલ ત્રાસદીના કેટલાંક પીડિતો 2010માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ મુદ્દો લઈને ગયા હતા. તે સંદર્ભે મેજિસ્ટ્રેટે પણ કહ્યું કે મોતી સિંહના પુસ્તકથી ખ્યાલ આવે છે કે પોલીસે એન્ડરસનની ધરપકડ કરી હતી અને તે પછી તેને ભગાડી મૂકવા માટે વિમાન સુધ્ધા ઉપલબ્ધ કરાવ્યું. અને ખરેખર તો કોર્ટની મંજૂરી વિના કોઈ પણ હિસાબે એન્ડરસન જામીન મેળવવા પાત્ર નહોતો. એટલે કોર્ટે પણ એમ માન્યું કે એસ.પી. અને કલેક્ટર આરોપી છે અને તેમના પર કાર્યવાહી થવી જોઈએ. જોકે તેમ છતાં આગળ આમના વિરુદ્ધ કશુંય ખાસ થયું નહીં. સરકાર પણ આ ફાઈલોને ફરી ખોલવામાં માનતી નથી. અને હાલમાં તો પીડિતોને વધુ વળતર આપવા માટે પણ કોર્ટે ના કહી છે. ભોપાલની ત્રાસદી હવે ભૂલાઈ ચૂકી છે અને હજુય તેની ઝેરી અન્યાયી હવા પીડિતોને ગૂંગળાવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular